Annapurna Yojana : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના શ્રમિકોને માત્ર પાંચ રૂપિયાના નજીવા દરે ભરપેટ ભોજન પૂરું પાડતી શ્રમિક અન્નપૂર્ણા યોજના (Annapurna Yojana) ના 155 નવા કેન્દ્રોનો રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો છે. રાજ્યના ઊદ્યોગ તથા શ્રમ-રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુત પણ આ અવસર પર મુખ્યમંત્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ મંત્રીમંડળના મંત્રીઓ, પદાધિકારીઓએ શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોનો શુભારંભ કરાવ્યું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર ગરીબો, વંચિતો, પીડિતો અને છેવાડાના માનવીઓના હિતોને વરેલી સરકાર છે. તેમણે દરેક યોજનાઓમાં અંત્યોદય ઉત્થાનનો ભાવ કેન્દ્રસ્થાન પર રાખ્યો છે. એટલું જ નહીં, યોજનાઓ જેમના માટે બની છે તે લાભાર્થીઓ સુધી 100 % સફળતાપૂર્વક યોજના પહોંચે તેવો વિચાર પણ તેમની પ્રેરણાથી સાકાર થઈ રહ્યો છે.
ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાને કોરોનાકાળમાં કોઈ ગરીબને ભૂખ્યા ન સૂવું પડે તેની ચિંતા કરીને સૌને અન્ન પહોંચાડ્યું હતું. આરોગ્ય સેવાઓ પણ આપી હતી અને કોરોના પછી નાના વેપારીઓ, ધંધો-વ્યવસાય કરનારાઓને લોન સહાય આપી આર્થિક આધાર પણ પૂરો પાડ્યો છે. ગુજરાતમાં 3 લાખ ફેરિયાઓને આવી સહાય પી.એમ. સ્વનિધિ અન્વયે અપાઇ છે, તેની પણ વિગતો મુખ્યમંત્રીએ આપી.
તેમણે ઉમેર્યું કે, ગરીબોને આવાસ અને તેમના સંતાનોને અભ્યાસની તક મળે તેની પણ ચિંતા કરીને વડાપ્રધાને ગરીબો, વંચિતોના કલ્યાણ માટે સર્વ સમાવેશી, સર્વવ્યાપી વિકાસનો ધ્યેય રાખ્યો છે. મુખ્યમંત્રીએ બાંધકામ શ્રમિકોની આરોગ્ય સુખાકારી માટે રાજ્ય સરકાર દ્વારા બાંધકામ સ્થળ પર જ ધનવંતરી રથની સુવિધા પૂરી પાડવામાં આવે છે તેની પણ સરાહના કરી હતી. તેમણે ‘હર હાથ કો કામ અને ભૂખ્યાને ભોજન’ નો મંત્ર પાર પાડી કલ્યાણ રાજ્ય-રામરાજ્ય બનાવવાની નેમ દર્શાવી.
શ્રમિક અન્નપૂર્ણા યોજના (Annapurna Yojana) અન્વયે અપાતા ભોજનની નિયમિતતા અને ગુણવત્તા જળવાઈ રહે તે માટે પણ મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમૃતકાળમાં વિકસિત ભારત@2047ના આપેલા મંત્રને વિકસિત ગુજરાતના નિર્માણથી પાર પાડવા શ્રમિકો, ખેડૂતો સહિત ‘સૌના સાથ, સૌના વિકાસ’ સુત્રનું આહવાન કર્યું હતું. ભારતીય મજદૂર સંઘના સ્થાપક દત્તોપંત ઠેંગડીનાં 104માં જન્મદિને શ્રમિકોના કલ્યાણના આ સેવાયજ્ઞને તેમણે ઉપયુક્ત ગણાવ્યો હતો.
આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના પોષણ અભિયાનને અનુલક્ષીને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં પણ શ્રમિકોને પૂરતું પોષણ મળી રહે અને તેમનું સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે શ્રમિક અન્નપુર્ણા યોજના શરુ કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યના 10 જિલ્લાઓમાં 118 કડિયાનાકા પર શ્રમિક ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત હતા, તેને મળેલા શ્રમિકોના ખૂબ જ બહોળા પ્રતિસાદ બાદ અને શ્રમિકોની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને શ્રમિક અન્નપૂર્ણા યોજના (Annapurna Yojana) નો વ્યાપ વધારીને નવા શરૂ કરવામાં આવનારા 155 કેન્દ્રો સહિત 17 જીલ્લામાં કુલ 273 કડિયાનાકા પરથી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ નોંધણી કરાવેલ હોય તેવા બાંધકામ શ્રમિકોને પોતાના પૂરા પરિવાર માટે એક ટંકનું ભોજન પૂરું પાડવામાં આવશે.
રાજ્યભરમાં આશરે 75000 જેટલાં શ્રમિકો લાભાન્વિત થશે. મુખ્યમંત્રીએ પોતે વૈષ્ણોદેવી ખાતે નવા શરૂ થયેલ ભોજન કેન્દ્રની મુલાકાત લઈને શ્રમિકો સાથે બેસીને ભોજન કર્યું હતું.
કોરોનાના કપરાં સમયે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર શ્રમિકોની પડખે ઊભી રહી હતી, કુલ રૂપિયા 1500 કરોડ ફાળવીને ત્રણ લાખથી વધુ શ્રમિકોના રહેવાની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી હતી. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિકોના કલ્યાણ માટે કુલ 20 જેટલી યોજનાઓ અમલમાં છે. કુલ 2 કરોડ જેટલા શ્રમિકોને રાજ્ય સરકારે વેતનમાં 25%નો વધારો આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ઉદ્યોગોને કૌશલ્ય યુક્ત શ્રમબળ પૂરું પાડવાના ધ્યેય સાથે ‘કૌશલ્યા – ધ સ્કીલ યુનિવર્સિટી’ની સ્થાપના પણ કરવામાં આવી છે. એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત સહિત મહાનુભાવોના હસ્તે શ્રમિક પરિવારોને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓની સહાયના ચેક વિતરણ પણ કરવામાં આવ્યા. શ્રમિકોને પ્રતિક સ્વરૂપે ટિફિન અને બેગનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદના સાંસદ હસમુખ પટેલ, ધારાસભ્ય હર્ષદ પટેલ, શહેર મેયર પ્રતિભાબેન જૈન, ડે. મેયર જતીન પટેલ, અમદાવાદ મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગદાણી, શ્રમ આયુક્ત અનુપમ આનંદ, રોજગાર અને તાલીમ વિભાગના નિયામક ગાર્ગી જૈન, કલેકટર પ્રવીણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે તથા અન્ય આમંત્રિત મહેમાનો અને મોટી સંખ્યામાં શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતાં.