BYE BYE 2023 : આ વર્ષે અનેક ટીવી સ્ટારે આપણી વચ્ચેથી વિદાય લીધી છે . BYE BYE 2023માં જોઈશું આ વર્ષે દુનિયામાંથી અલવિદા કયા ટીવી સ્ટારે કરી
Bye Bye 2023 : નિતેશ પાંડે (૧૭ જાન્યુઆરી, ૧૯૭૨ – ૨૩ મે, ૨૦૨૩)
નિતેશ પાંડેનો જન્મ ૧૭ જાન્યુઆરી, ૧૯૭૨ના રોજ થયો હતો. તે ભારતના લોકપ્રિય ટેલિવિઝન અભિનેતાઓમાંના એક હતા. છેલ્લે તેઓ સ્ટાર પ્લસની ડેલી સૉપ ‘અનુપમા’માં જોવા મળ્યા હતા. નિતેશ ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. ‘ઓમ શાંતિ ઓમ’ અને ‘ખોસલા કા ઘોસલા’ નિતેશની લોકપ્રિય ફિલ્મો હતી. નિતેશનો જન્મ ઉત્તર પ્રદેશના કુમાઉમાં થયો હતો અને ૫૧ વર્ષની ઉંમરે મહારાષ્ટ્રના ઈગતપુરીમાં તેમનું અવસાન થયું હતું.
ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં તે શાહરૂખ ખાનના આસિસ્ટન્ટના રોલમાં જોવા મળ્યા હતા.. તે દિશા પરમાર અને નકુલ મહેતા સ્ટારર શો ‘પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યાર’ માં પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા.નિતેશ પાંડેએ વર્ષ 1995થી ટીવીની દુનિયામાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેણે ‘તેજસ’, ‘સાયા’, ‘મંજીલેં અપની અપની’, ‘જસ્ટજૂ’, ‘હમ લડકિયાં’, ‘સુનૈના’, ‘કુછ તો લોગ કહેંગે’, ‘એક રિશ્તા સાજેદારી કા’, ‘મહારાજા કી જય હો’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ‘હીરો-ગાયબ મોડ ઓન’ કરવાની સાથે, તે ‘અનુપમા’માં ધીરજ કપૂરની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ સિવાય તેણે ‘બધાઈ દો’, ‘મદારી’, ‘દબંગ 2’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
જાવેદ ખાન અમરોહી (૧૯૪૯ – ૨૦૨૩)
જાવેદ ખાન અમરોહીનું ટીવી અને બૉલિવૂડમાં બન્નેમાં ફેમસ નામ હતું. જાવેદ ખાન અમરોહીએ ‘મિર્ઝા ગાલિબ’, ‘નુક્કડ’ અને બીજી ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. તેમનો જન્મ ૧૯૪૯માં બોમ્બેમાં થયો હતો અને ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ ૭૩ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. જાવેદ ખાન અમરોહી વર્ષ ૧૯૯૪માં આવેલી ફિલ્મ ‘અંદાજ અપના અપના’થી સ્પોટલાઇટમાં આવ્યા હતા. બાદમાં જાવેદ ખાને ‘લગાન’, ‘વન્સ અપોન અ ટાઇમ ઇન ઇન્ડિયા’, અને ‘ચક દે ઇન્ડિયા’ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Bye Bye 2023 ગુફી પેન્ટલ (૪ ઑક્ટોબર, ૧૯૪૪ – ૫ જૂન, ૨૦૨૩)
સરબજીત સિંઘ પેન્ટલ વાલિયા ઉર્ફ ગુફી પેન્ટલ વર્ષ ૧૯૮૮માં આવેલ સિરિયલ બી.આર. ચોપરાના મહાભારતમાં શકુનીની આઇકોનિક ભૂમિકા માટે જાણીતા હતા. તેઓ માત્ર અભિનેતા જ નહોતા પરંતુ ૧૯૬૨ના ચીન-ભારત યુદ્ધ દરમિયાન ભારતીય સેનામાં પણ સેવા આપી હતી. ગુફી પેન્ટલનો જન્મ ૧૯૪૪માં પંજાબના લાહોરમાં થયો હતો અને ૭૮ વર્ષની ૫ જૂન, ૨૦૨૩ની વયે મુંબઈ, મહારાષ્ટ્રમાં તેમનું અવસાન થયું હતું.
આદિત્ય સિંહ રાજપૂત (૧૯ ઓગસ્ટ, ૧૯૯૦ – ૨૨ મે, ૨૦૨૩)
આદિત્ય સિંહ રાજપૂતે નાની ઉંમરમાં જ કામ કરવાની શરુઆત કરી દીધી હતી. તેણે ‘ગંદી બાત’, ‘રાજપૂતાના’, ‘લવ’, ‘બિગ બૉસ સિઝન ૧૨’માં કામ કર્યું હતું. આદિત્ય સિંહ રાજપૂતનો જન્મ દિલ્હીમાં થયો હતો અને 32 વર્ષની વયે મુંબઈમાં તેનું અવસાન થયું હતું.
વૈભવી ઉપાધ્યાય (૨૫ જુલાઈ, ૧૯૮૪ – ૨૨ મે, ૨૦૨૩)
ગુજરાતી અભિનેત્રી વૈભવી ટેલિવિઝનની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક હતી. તેણે ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ સિરિયલ દ્વારા ઘર-ઘરમાં લોકપ્રિયતા મેળવી હતી. તે ગરબાની શોખીન હતી. વૈભવી ઉપાધ્યાયનો જન્મ ગુજરાતમાં થયો હતો. ૩૮ વર્ષની ઉંમરે ૨૨ મે ૨૦૨૩ના રોજ કુલ્લુમાં માર્ગ અકસ્માતનાં તેનું મોત થયું હતું.
વૈભવીના મૃત્યુની પુષ્ટી અભિનેતા-નિર્માતા જેડી મજેઠિયાએ કરી હતી. જેડીએ વૈભવી સાથે ‘સારાભાઈ ટેક 2’ માં કામ કર્યું હતું. જેડી મજેઠિયાએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લખ્યું હતું કે “જીવન ખૂબ જ અણધાર્યું છે. એક ખૂબ જ સારી અભિનેત્રી, પ્રિય મિત્ર વૈભવી ઉપાધ્યાયનું અવસાન થયું. વૈભવી ‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’ની “જૈસ્મિન” તરીકે જાણીતી છે. તેને નોર્થમા અકસ્માત નડ્યો હતો. પરિવાર તેમને અંતિમ દર્શન માટે આવતીકાલે સવારે 11 વાગ્યે મુંબઈ લાવશે.
અનુપમા’ અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ પણ વૈભવીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. નોંધનીય છે કે રૂપાલીએ લોકપ્રિય સિટકોમ ‘સારાભાઈ વિરુદ્ધ સારાભાઈ’માં વૈભવી ઉપાધ્યાય સાથે સ્ક્રીન શેર કરી હતી. અનુપમા અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર હૃદયદ્રાવક પોસ્ટ સાથે તેની સહ-અભિનેત્રીના અકાળે અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વૈભવીની તસવીર શેર કરતાં રૂપાલી ગાંગુલીએ લખ્યું, “ખૂબ જ જલદી વૈભવી…” તે સિવાય તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વૈભવી ઉપાધ્યાયનો એક ઇન્સ્ટાગ્રામ રીલ વીડિયો શેર કર્યો, અને લખ્યું હતું કે આના પર વિશ્વાસ કરી શકતી નથી.
દિનેશ ફડણીસ (૨ નવેમ્બર, ૧૯૬૬ – ૫ ડિસેમ્બર, ૨૦૨૩)
CIDમાં ફેડ્રિક્સની ભૂમિકા ભજવીને ઘરઘરમાં જાણીતા બનેલા અભિનેતા દિનેશ ફડણીસની અચાનક વિદાયે દુનિયાને અચંબામાં મુકી દીધી હતી. દિનેશ ફણનીસનો જન્મ બિહારમાં થયો હતો અને તેમનું મૃત્યુ ૫ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ મુંબઈમાં થયું હતું.