Bulldozer Action in Rajkot: રાજકોટ પોલીસ અને મહાનગરપાલિકાએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે દબાણો અને ગુનેગારોના આર્થિક સ્ત્રોત પર મોટો પ્રહાર કર્યો છે. વર્ષોથી આ વિસ્તારમાં દબદબો ધરાવતા 11 જેટલા નામચીન હિસ્ટ્રીશીટરોએ સરકારી જમીન પર ખડકેલા ગેરકાયદે બાંધકામોને તંત્રએ બુલડોઝર ફેરવીને જમીનદોસ્ત કરી દીધા છે.
Bulldozer Action in Rajkot: ભાડાનું નેટવર્ક અને ગેરકાયદે બાંધકામ
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ માહિતી આપતા જણાવ્યું કે, આ હિસ્ટ્રીશીટરો સરકારી જમીન પર ગેરકાયદે ઓરડીઓ બાંધીને ગરીબ લોકો પાસેથી માસિક ભાડું વસૂલતા હતા. પોલીસના રેકોર્ડ પર રહેલા 11 ગુનેગારોની મિલકતો પર આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં:
- 8 પાક્કા મકાનો
- 97 ઓરડીઓ
- 2 દુકાનો
- 1 પ્લોટ પર કરાયેલું બાંધકામ તોડી પડાયું છે.
Bulldozer Action in Rajkot: મુખ્ય હુમલાખોરો અને ગુનેગારોની યાદી (ડિમોલેશનની વિગત):

તંત્રએ જે ગુનેગારોની મિલકતો તોડી પાડી છે તેમાં મુખ્યત્વે શામેલ છે:
- રહેમત ઉર્ફે રમા જુણેજા (ગાંજા પેડલર): સૌથી વધુ 48 ઓરડીઓ, 3 મકાન અને 3000 ફૂટનો વંડો તોડી પાડવામાં આવ્યો છે.
- સમીર ઉર્ફે સંજલો (ગુજસીટોક આરોપી): 16 ઓરડીઓ ધરાશાયી.
- સમીર ઉર્ફે મુરઘો (યાસીન પઠાણ): 14 ગુના ધરાવતા આ આરોપીની 3 ઓરડીઓ તોડવામાં આવી.
- ઉમરેટિયા પરિવાર (બુટલેગર્સ): તોસીફ ઉર્ફે બાઘો, અસીમ હાજીભાઈ અને ઈમરાન ઉર્ફે ટીકડો નામના બુટલેગરોના મકાનો અને અંદાજે 20થી વધુ ઓરડીઓ અને દુકાનો જમીનદોસ્ત કરી દેવાઈ છે.
- આશીફ ઉર્ફે ગંધારો અને તનવીર શિશાંગિયા: આ હિસ્ટ્રીશીટરોના મકાન અને દુકાનો પર પણ તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે.
પોલીસનો કડક સંદેશ
રાજકોટ પોલીસની આ કાર્યવાહીથી ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જંગલેશ્વર જેવા ગીચ વિસ્તારમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ હવે ગુનેગારોની ‘આર્થિક કરોડરજ્જુ’ તોડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ડિમોલેશન દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.




