Budget Session 2026:બજેટ સત્ર પહેલાં સરકારની સર્વપક્ષીય બેઠક આજે, 35થી વધુ રાજકીય પક્ષોના સાંસદો હાજર રહેશે

0
103
Budget Session
Budget Session

Budget Session 2026:નવી દિલ્હી: સંસદના બજેટ સત્રની શરૂઆત પહેલાં કેન્દ્ર સરકારે આજે મહત્વની સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુના જણાવ્યા મુજબ, રક્ષા મંત્રીની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠક સંસદ ભવન એનેક્સીના મુખ્ય સમિતિ રૂમમાં યોજાશે. બેઠકમાં દેશભરના 35થી વધુ રાજકીય પક્ષોના સાંસદો ભાગ લઈ બજેટ સત્ર દરમિયાનના કાયદાકીય, નીતિગત અને સંસદીય એજન્ડા અંગે ચર્ચા કરશે.

Budget Session 2026:28 જાન્યુઆરીથી બજેટ સત્રની શરૂઆત

Budget Session 2026

બજેટ સત્રની શરૂઆત 28 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધન સાથે થશે. ત્યારબાદ 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે. નોંધનીય છે કે બજેટ રજૂ થવાનો દિવસ રવિવાર છે.

Budget Session 2026:રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા માટે ખાસ સમય

બજેટ સત્ર દરમિયાન લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અંગે ચર્ચા માટે કામચલાઉ ધોરણે 2થી 4 ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસ ફાળવવામાં આવ્યા છે. 28 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ સંસદમાં શૂન્યકાળ નહીં યોજાય.

Budget Session 2026:નિર્મલા સીતારમણનું નવમું બજેટ

Budget Session 2026

નાણા મંત્રી નિર્મલા સીતારમણનું આ સતત નવમું બજેટ હશે. આ સાથે આ મોદી 3.0 સરકારનું ત્રીજું પૂર્ણ બજેટ ગણાશે. વૈશ્વિક ભૂ-રાજકીય અનિશ્ચિતતા, મહેસૂલી પડકારો અને અંદાજે 7.4 ટકા વિકાસ દરના લક્ષ્યાંક વચ્ચે બજેટ રજૂ થવાનું છે, જેને લઈ તમામ ક્ષેત્રોની નજર સરકાર પર ટકેલી છે.

બે તબક્કામાં યોજાશે બજેટ સત્ર

બજેટ સત્ર 28 જાન્યુઆરીથી શરૂ થઈ 2 એપ્રિલ સુધી ચાલશે. સત્ર દરમિયાન એક ઇન્ટરસેશન બ્રેક રહેશે. પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરી સુધી અને બીજો તબક્કો 9 માર્ચથી 2 એપ્રિલ સુધી યોજાશે. સમગ્ર સત્ર દરમિયાન કુલ 30 બેઠકો યોજાવાની સંભાવના છે.

મહત્વના વિધેયકો પર ચર્ચાની શક્યતા

બજેટ સત્ર દરમિયાન લોકસભામાં કુલ 9 પેન્ડિંગ બિલો પર ચર્ચા થવાની શક્યતા છે. જેમાં વિકસિત ભારત શિક્ષણ અધિષ્ઠાન વિધેયક-2025, પ્રતિભૂતિ બજાર સંહિતા-2025 અને બંધારણ (129મો સુધારો) વિધેયક-2024 સહિતના મહત્વના વિધેયકો સામેલ છે. આ તમામ બિલો હાલમાં સંસદીય સ્થાયી સમિતિઓમાં વિચારાધીન છે.

કોંગ્રેસે પણ બોલાવી રણનીતિક બેઠક

સર્વપક્ષીય બેઠક પહેલાં કોંગ્રેસ પાર્ટીએ પણ બજેટ સત્ર માટે પોતાની રણનીતિ ઘડવા સંસદીય દળના સ્ટ્રેટેજી ગ્રુપની બેઠક બોલાવી છે. આ બેઠક મંગળવારે CPP ચેરપર્સન સોનિયા ગાંધીના નિવાસસ્થાને યોજાશે.

FY-27માં કેપેક્સ 12 લાખ કરોડથી વધુ થવાની શક્યતા

આ તરફ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના એક તાજા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકારનો મૂડી ખર્ચ FY-27માં 12 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ શકે છે. રિપોર્ટ મુજબ આ વાર્ષિક ધોરણે આશરે 10 ટકાનો વધારો દર્શાવે છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ પ્રોજેક્ટ્સ માટે મહત્વપૂર્ણ ગણાય છે.

આ પણ વાંચો :Nationwide Bank Strike: 5 દિવસનું સપ્તાહ અમલમાં મૂકવાની માગ: દેશવ્યાપી બેંક હડતાલથી કામગીરી ખોરવાઈ