Big Digital Move by EPFO: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના કરોડો સભ્યો માટે ખુશખબર સામે આવી છે. EPFO ટૂંક સમયમાં PF ખાતામાંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવા જઈ રહ્યું છે. હવે EPFO સભ્યો BHIM UPI એપ દ્વારા તાત્કાલિક PF એડવાન્સ (Instant Advance Withdrawal) ઉપાડી શકશે. આ નવી સુવિધાનો લાભ દેશના 30 કરોડથી વધુ EPFO સભ્યોને મળશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ સુવિધા આગામી 2થી 3 મહિનામાં શરૂ થઈ શકે છે.
Big Digital Move by EPFO: ATM જેવી સરળ રહેશે નવી PF ઉપાડ વ્યવસ્થા

EPFO દ્વારા લાવવામાં આવતી આ નવી સિસ્ટમ હેઠળ, PFમાંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયા લગભગ ATMમાંથી રૂપિયા ઉપાડવા જેવી સરળ બની જશે. એટલે કે, કોઈ તાત્કાલિક જરૂર પડ્યે કર્મચારીઓ લાંબી રાહ જોયા વગર તરત જ પોતાના PF ખાતામાંથી મંજૂર રકમ મેળવી શકશે. આ પગલું EPFOને વધુ ડિજિટલ અને યુઝર-ફ્રેન્ડલી બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
Big Digital Move by EPFO: NPCI સાથે ભાગીદારી, BHIM એપથી થશે ટ્રાન્સફર
આ નવી વ્યવસ્થા માટે EPFOએ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) સાથે ભાગીદારી કરી છે. BHIM એપ પર EPFO સભ્યો આરોગ્ય, શિક્ષણ, લગ્ન અથવા અન્ય મંજૂર કેટેગરીઓ હેઠળ PF એડવાન્સ માટે દાવો કરી શકશે. દાવો દાખલ થતાં જ EPFOની બેકએન્ડ સિસ્ટમ દ્વારા તેની ચકાસણી કરવામાં આવશે. વેરિફિકેશન પૂર્ણ થતાં જ મંજૂર રકમ SBI મારફતે સભ્યના UPI સાથે જોડાયેલા બેંક ખાતામાં તરત જ ટ્રાન્સફર કરવામાં આવશે.

Big Digital Move by EPFO: શરૂઆતમાં માત્ર BHIM એપ પર મળશે સુવિધા
શરૂઆતમાં આ સુવિધા માત્ર BHIM UPI એપ પર જ ઉપલબ્ધ રહેશે. જોકે, ભવિષ્યમાં EPFO દ્વારા અન્ય UPI આધારિત ફિનટેક એપ્સ પર પણ આ સુવિધા શરૂ કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આથી PF ઉપાડ પ્રક્રિયા વધુ વ્યાપક અને સરળ બનશે.
PF ઉપાડ પર રહેશે મર્યાદા
EPFOની આ નવી સુવિધા સાથે કેટલીક મર્યાદાઓ પણ લાગુ કરવામાં આવી શકે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, શરૂઆતમાં સંપૂર્ણ PF રકમ ઉપાડવાની મંજૂરી આપવામાં નહીં આવે. RBI દ્વારા નક્કી કરાયેલી UPI ટ્રાન્ઝેક્શન મર્યાદાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ઉપાડની મહત્તમ રકમ નક્કી કરવામાં આવશે, જેથી કોઈ પ્રકારનો દુરુપયોગ ન થાય. હાલમાં આ મર્યાદા કેટલી રહેશે તે અંગે અંતિમ નિર્ણય લેવાઈ રહ્યો છે.

હાલ PF ઉપાડમાં લાગે છે અનેક દિવસો
હાલમાં PF ઉપાડવાની પ્રક્રિયા સમયખોર છે. ઓટો-મોડ હેઠળ ₹5 લાખ સુધીના ઓનલાઈન એડવાન્સ માટે પણ ઓછામાં ઓછા 3 કામકાજી દિવસો લાગી જાય છે. જ્યારે વધુ રકમ અથવા મેન્યુઅલ દાવા માટે વધુ સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં, BHIM એપ દ્વારા તાત્કાલિક PF ઉપાડની સુવિધા ખાસ કરીને કટોકટીની જરૂરિયાત સમયે કર્મચારીઓ માટે મોટી રાહત સાબિત થશે.




