ભરૂચના શુક્લતીર્થમા કાર્યરત ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ  પાયલોટ પ્રોજેક્ટ – જાણો કેવી રીતે બને છે ગંદા પાણી માંથી શુદ્ધ પાણી

0
129
ગંદુ પાણી
ગંદુ પાણી

રાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં રોજિંદા વપરાશથી ઉત્પન્ન થતા ગંદા પાણી ના નિકાલની સમસ્યા દૂર કરવા માટે રાજ્ય સરકારના ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા “ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ” પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. ગંદા પાણી ના શુદ્ધિકરણ થકી જળ સંરક્ષણ કરવા માટેનો આ મહત્વપૂર્ણ પ્લાન્ટ ભરૂચના શુક્લતીર્થ ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે કાર્યરત કરવામાં આવ્યો હતો. જેના થકી આજે ગંદા પાણી ને ચોખ્ખું બનાવી બિનઉપયોગી પાણીને ઉપયોગી બનાવવામાં સફળતા મળી છે. આ પાયલોટ પ્રોજેક્ટ અન્ય જીલ્લાઓ તથા ગ્રામિણ વિસ્તારો માટે પણ પ્રેરણારૂપ પ્રોજેક્ટ છે. જે ગ્રામિણ સ્તરે રોજિંદા વપરાશ બાદ એકત્રિત થતા ગંદા પાણીના નિકાલ માટે મદદરૂપ સાબિત થશે.

WhatsApp Image 2023 07 10 at 15.32.48

ગ્રે વોટર શુદ્ધિકરણ યોજના શું છે?

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ગ્રામિણ કક્ષાએ ગ્રે વોટરનું શુદ્ધિકરણ કરવા માટે વિવિધ ટેક્નોલોજી આધારિત પાઇલોટ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. જેના અનુસંધાને વર્ષ ૨૦૨૨માં શુકલતીર્થ ગામમાં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે ૭૦૦ કેએલડી ક્ષમતા ધરાવતા ગ્રે વોટર શુદ્ધિકરણ યોજનાને ૫ વર્ષના મરામત અને નિભાવણી માટે રૂ. ૧.૯૭ કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી અને ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો. આ પ્લાન્ટ Soil Bio Technology પર આધારિત છે. આ ટેકનોલોજીનો ફાયદો એ છે કે ગ્રામ પંચાયત દ્વારા જ ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને સરળતાથી ઓછા ખર્ચ સાથે મેનેજ કરી શકાય છે.

આ ટેક્નોલોજીની ખાસ વાત એ છે કે તેમાં સ્લજ બનતું થતું નથી તેમજ ખુબ ઓછી જગ્યામાં પ્લાન્ટનું નિર્માણ થાય છે તેમજ તેની રોજીંદી જાળવણી ખુબ જ સરળ રહે છે. આ પ્લાન્ટ ઇકો ફ્રેન્ડલી અને નયનરમ્ય છે, તેમજ તેનું વાતાવરણ બિલકુલ દુર્ગંધરહીત છે.

ગ્રે વોટર શુદ્ધિકરણ પ્લાન્ટ કઈ રીતે કામ કરે છે?

સૌ પ્રથમ ગામના તમામ ઘરોમાંથી નીકળતા ગ્રે વોટરને ૨.૩ કિલોમીટર લાંબી પાઈપલાઈન દ્વારા ગ્રેવીટીથી પ્લાન્ટના વેટ વેલમાં લાવવામાં આવે છે. ત્યારબાદ તેને કોર્સ અને પેરાબોલિક ફાઈન સ્ક્રીનમાંથી પસાર કરી ૩ મિલીમીટરથી મોટા કચરાને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ ગ્રે વોટરને પ્રિ-સેડીમેન્ટેશન ટેંકમાં, જ્યાં સેડીમેન્ટેશનની પ્રકિયા થયા બાદ સોઈલ બાયો ટેકનોલોજી આધારિત બાયો રિએક્ટર્સમાં ગોઠવેલ મીડિયા લેયર ઉપર સમાંતરે પાથરવામાં આવેલ પાઈપલાઈન દ્વારા છંટકાવ કરવામાં આવે છે. આ લેયર અલગ-અલગ સાઇઝના મીડિયા તથા કલ્ચર કેટલીસ્ટથી બનેલું હોય છે, જે ગ્રે વોટરમાં સામેલ સ્લજ તથા અશુદ્ધીઓને દૂર કરે છે. આ બાયો રિએક્ટર્સમાંથી બહાર નીકળતા ફિલ્ટર પાણીનું કલોરીનેશન કરી નર્મદા નદીમાં નિકાલ કરવામાં આવે છે. હાલમાં આ શુદ્ધિકરણ થયેલ પાણીનો વપરાશ નર્મદા નદીના કાંઠે વાવેલ વૃક્ષો અને ફૂલ છોડને સિંચન માટે કરવામાં આવી રહ્યો છે. આ શુદ્ધિકરણ થયેલ પાણીનું લેબોરેટરીમાં પરીક્ષણ કરાવતા મળેલ ઉત્તમ પરિણામ આ પ્લાન્ટની કાર્યક્ષમતા સાબિત કરે છે.

WhatsApp Image 2023 07 10 at 15.32.49

ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ગ્રામજનોને ફાયદા

ગ્રામજનોને પાણીજન્ય રોગોથી મુક્તિ, સારું સ્વાસ્થ્ય અને તંદુરસ્ત જીવન મળી રહ્યું છે. એટલું જ નહિ, અશુદ્ધ પાણીનો નિકાલ થતા ગામમાં સ્વચ્છતા રહે છે. તેમજ પ્લાન્ટ ઇકો ફ્રેન્ડલી અને ઊર્જા સંરક્ષણ કરતો હોય ગ્રામજનોને આર્થિક રીતે ફાયદો પણ થાય છે.

જળ એ જ જીવન છે. સમગ્ર સૃષ્ટિ પંચ તત્વોથી નિર્માણ પામી છે અને જળ આ પાંચ તત્વો પૈકીનું એક તત્વ છે. દૈનિક જીવનમાં અને ઔદ્યોગિક હેતુસર પાણીનો વપરાશ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ સાથે જ વપરાશ બાદ અશુદ્ધ બનેલા પાણીનો પ્રશ્ન પણ ઉદભવે છે, જેને ગ્રે વોટર કહે છે. ગ્રે વોટરને સામાન્ય ભાષામાં સમજીએ તો ઘરકામ જેવા કે કપડાં ધોવા, વાસણ ધોવા વગેરેથી ઉત્પન્ન થતું ગંદુ પાણી. જેના સલામત નિકાલ ન કરાય તો પર્યાવરણને હાનિકારક બની શકે છે. ગામોમાં આ પ્રશ્ન વિશેષ કરીને ઉપસ્થિત થાય છે અને તળાવમાં ગંદા પાણીરૂપે એકઠું થાય છે. આ સમસ્યાનો નિકાલ લાવવાના હેતુથી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામમાં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે ૭૦૦ કેએલડીની ક્ષમતા ધરાવતા ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.

શુકલતીર્થ ભરૂચથી ૧૦ કિ.મી. દૂર આવેલું લોકપ્રિય અને પવિત્ર તીર્થ સ્થળ છે. શુકલતીર્થ ગામમાં ૮૫૦૦ થી વધુ લોકો વસવાટ કરે છે. આ ગામમાં રહેતા ગામ લોકોને ગંદા પાણીના નિકાલની ગંભીર સમસ્યાનો પ્રતિદિન સામનો કરવો પડતો હતો. ગામમાં રોજિંદા ઘરકામ જેમકે કપડાં ધોવા, રસોઈ કરવા વગેરેથી ઉત્પન્ન થતાં ગંદા પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હતી. આ ગંદા પાણીના નિકાલના ભાગરૂપે ગામનું ગંદુ પાણી સીધું ગામના મધ્યમાં આવેલ તળાવમાં કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ વગર છોડી દેવામાં આવતું હતું. જેના કારણે ગામ લોકોને ગંદકી, દુર્ગંધ અને પાણીજન્ય રોગો જેવા ગંભીર પ્રશ્નોનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં આ પાણી છલકાઈને આસપાસના વિસ્તારોમાં ભરાઈ જતું અને ગ્રામજનો સામે સ્વચ્છતા અને આરોગ્યના ગંભીર પ્રશ્નો ઉભા થતા હતા.

આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ગુજરાત સરકાર હસ્તકના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા વર્ષ ૨૦૨૨માં શુકલતીર્થ ગામમાં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે ૭૦૦ કેએલડી ક્ષમતા ધરાવતા ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ પ્લાન્ટ થકી શુકલતીર્થ ગામમાં ગ્રે વોટરનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. જેનાથી પાણીજન્ય રોગો, સ્વચ્છતાના પ્રશ્ન તેમજ ગંદા પાણીના નિકાલની સમસ્યાનું નિરાકરણ આવ્યું છે. ગ્રે વોટર શુદ્ધિકરણ યોજના ગ્રામિણ સ્તરે દૈનિક વપરાશના પરિણામે ઉત્પન્ન થતા અશુદ્ધ પાણીની સમસ્યા નિવારવામાં ગેમ ચેન્જર સાબિત થશે, તેમાં કોઈ શંકા નથી