ભાદરવી પૂનમ મેળાની પૂર્ણાહુતિ: મેળાનો નવો રિપોર્ટ જાહેર,અંબાજીમાં પ્રસાદથી લઈને ભેટ સુધીના તમામ રેકોર્ડ બ્રેક

0
136

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના આરાસુરી મા અંબાના ધામ અંબાજી માં 23 સપ્ટેમ્બરે શરૂ થયેલો સાત દિવસનો ભાદરવી પૂનમ ના મેળાની પૂર્ણાહુતી કરવામાં આવી છે. છેલ્લા દિવસે મા અંબાના દર્શન માટે લાખો માઈ ભક્તો અંબાજી પહોંચ્યા હતા. અંબાજીમાં આમ તો દર પૂનમ એ મોટી સંખ્યામાં ભક્તો મા અંબાજી ના દર્શને આવે છે, પરંતુ ભાદરવા મહિનાની પૂનમ નું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. આ વર્ષે લગભગ 48 લાખ ભક્તોએ મા અંબાના દર્શનનો લાહ્વો લીધો, અને ભેટ સોગાદ આપી છે.

અંબાજી મંદિર ટ્રસ્ટે ભાદરવી પૂનમના મેળાનો નવો રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં મેળામાં છેલ્લા દિવસે રાત્રિના 12 વાગ્યા સુધીમાં 48 લાખ શ્રદ્ધાળુઓએ મા અંબેના દર્શન કરીને પાવન થયા છે. પ્રસાદના કુલ 19 લાખ પેકેટનો વિતરણ કરાયું છે. જ્યારે મંદિરના શિખરે કુલ 995 ધજાવો ચઢવવામાં આવી છે. પ્રસાદ વિતરણ અને ભેટની કુલ આવક 7.15 કરોડ સુધી પહોંચી છે. મેળામાં આવેલા શ્રદ્ધાળુઓએ તમામ રેકોર્ડ બ્રેક કર્યા છે. વિશ્વભરમાં સૌથી મોટો મેળો અંબાજીનો ગણાય છે, જ્યાં સાત દિવસમાં 48 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. અંબાજીમાં 20 હજારની વસ્તીવાળા ગામમાં 48 લાખ શ્રદ્ધાળુઓનું સત્કાર કરવામાં આવ્યો છે.

ભાદરવી પૂનમના મેળાની પૂર્ણાહુતી
અંબાજી મંદિરના વહિવટદાર કલેક્ટર વરૂણ બરનવાળે મંદિરે ધજા ચઢાવી મેળાની પૂર્ણાહુતી કરી હતી. સવારની મંગળા આરતીમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે લાઈનમાં લાગી ગયા હતા. પૂર્ણાહુતી બાદ તેમણે મીડિયા સાથેની વાતચીતમાં પૂર્ણાહુતીની જાહેરાત કરતા વહીવટી તંત્રના સ્ટાફ, રાજ્ય સરકાર, પોલીસ ટીમ સહિત તમામ સ્વયં સેવકો અને ભક્તોનો આભાર વ્યક્ત કરી શાંતીથી તમામ આયોજન થયું તેનો સંતોષ વ્યક્ત કર્યો હતો.

સાત દિવસમાં 48 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
સાત દિવસના ભાદરવી પૂનમના મેળામાં અંબાજી ભક્તિ મય બની ગયું હતું. બોલ મારી અંબે, જય જય અંબેના નાદથી અંબાજી તરફ જતા તમામ રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા. દેશભરમાંથી શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શને ઉમટી પડતા અંબાજીમાં માનવ મહેરામણ જોવા મળી રહ્યું હતું. છેલ્લા દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. સાત દિવસમાં દર્શનનો લાભ લેનાર ભક્તોની સંખ્યા 48 લાખને પાર કરી ગઈ છે.

અંબાજી મંદિર ટ્રસ્ટ – સાત દિવસમાં કેટલી આવક થઈ
ભાદરવી પૂનમના સાત દિવસના મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું, અને મનમૂકિને માના દરબારમાં ભેટ, સોગાદ અને દાન કર્યું. કોઈએ સોનું અર્પણ કર્યું, તો કોઈએ પોતાની પાસે જે હોય તેમાંથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી, એમ માની રોકડની ભેટ મુકી, આ સિવાય મંદિર સંસ્થાનને પ્રસાદ, સહિતની કુલ સાત દિવસમાં 7.15 કરોડની આવક થઈ છે, સાતમા દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવ્યા હતા.

અંબાજીમાં મેળો પૂર્ણ થયા બાદ હવે સ્વચ્છતા અભિયાન
યાત્રાધામ અંબાજીમાં ભરાયેલા સાત દિવસીય ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ ઉમટી પડ્યા હતા. મેળા દરમિયાન જે પણ કઈ ગંદકી થઇ હોય કે જે તે વિસ્તારમાં થયેલી ગંદકી દૂર કરવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સ્વચ્છતા અભિયાનની કામગીરી હાથ ધરવામાં આવી છે. અંબાજીના અનેક વિસ્તારમાં ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે, ત્યારે સફાઈ કામદારો સહીત સ્વૈચ્છિક સંસ્થાને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા અંબાજીમાં અનેક વિસ્તારોની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ સફાઈ ઝુંબેશ ત્રણ દિવસ સુધી યથાવત રહેશે.

જિલ્લા વિકાસ અધિકારીના જણાવ્યા મુજબ સમગ્ર મેળા દરમિયાન હજાર જેટલા સફાઈ કામદારો સતત સફાઈ કામગીરી કરતા રહ્યા છે, તેમ છતાં મેળો પૂર્ણ થયા બાદ સ્વચ્છ અંબાજીને ધ્યાનમાં રાખી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. હાલ તબક્કે અંબાજીમાં હંગામી સ્ટોલો પણ ખોલવાની કામગીરી હાથ ધરાઈ રહી છે, ત્યારે ત્યાં પડેલો કચરો પણ તાકીદે દૂર કરાય તેવી સૂચના સ્ટોલ ધારકોને અપાઈ છે.