Bagdana news :બગદાણામાં યુવક પર થયેલા જીવલેણ હુમલા બાદ સમગ્ર કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. હાસ્ય કલાકાર માયાભાઈ આહીર દ્વારા બગદાણાના ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટીને લઈને કરાયેલી ટીપ્પણી બાદ માફી માંગવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ આ મામલો ગંભીર વળાંક લઈ ગયો છે. માયાભાઈ આહીર અને તેમના પુત્ર સાથે ફોન પર વાત કરનાર નવનીત બાલધીયા નામના યુવક પર આઠ શખસો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધીયાએ આ હુમલા પાછળ માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનો હાથ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. નવનીત બાલધીયાની હાલત ગંભીર હોવાથી તેમને મહુવાની હનુમંત હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

Bagdana news :હીરા સોલંકી હોસ્પિટલ પહોંચ્યા, તમામ મદદની ખાતરી
નવનીત બાલધીયાની મદદ માટે કોળી સમાજના આગેવાનો અને રાજુલાના ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો પણ હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા. નવનીત બાલધીયાની મુલાકાત બાદ હીરા સોલંકીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “હું એવું કરીને જવાનો છું કે ભવિષ્યમાં કોઈ કોળીનો ચાળો ન કરે.” સાથે જ તેમણે પોલીસને ચેતવણી આપતાં કહ્યું કે, આ કેસમાં ગુનેગારોને બચાવવાનો કોઈ પ્રયાસ ન થવો જોઈએ.
Bagdana news : “જયરાજ આહીરે આખું ષડયંત્ર રચ્યું” – નવનીત બાલધીયાનો આક્ષેપ
નવનીત બાલધીયાએ જણાવ્યું હતું કે, મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ખોટું નામ ઉલ્લેખ્યું હતું. આ બાબતે મેં તેમને ફોન કરીને જાણ કરી હતી, ત્યારબાદ માયાભાઈએ જાતે માફી માંગતો વીડિયો મોકલ્યો હતો. આ વીડિયો મેં મારા કેટલાક મિત્રો સુધી ફોરવર્ડ કર્યો હતો. માયાભાઈએ માફી માગતા તેના પુત્ર જયરાજને ખોટું લાગી આવ્યું અને ત્યારબાદ તેને મળવા બોલાવી આખું ષડયંત્ર રચાયું હોવાનો નવનીતનો દાવો છે.
નવનીતે આક્ષેપ કર્યો છે કે, પોલીસ મારું કેસ ડાયવર્ટ કરવાનો પ્રયાસ કરી રહી છે. હુમલા સમયે હુમલાખોરો વીડિયો કોલ પર કોની સાથે વાત કરતા હતા તેની પણ તપાસ થવી જોઈએ તેવી મારી માંગ છે.

સોમવારે ગાંધીનગરમાં રજૂઆતની જાહેરાત
કોળી સમાજના આગેવાનો અને ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યું કે, જો નવનીત બાલધીયાને ન્યાય નહીં મળે તો તેઓ અન્ય કોળી સમાજના ધારાસભ્યો સાથે સોમવારે ગાંધીનગર જઈ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરશે. તેમણે જણાવ્યું કે, હુમલાખોરો વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે અને ઉપલબ્ધ પુરાવાના આધારે કડક કાર્યવાહી થવી જોઈએ.
પોલીસનો દાવો – માયાભાઈ આહીરના પુત્રની સંડોવણીનો પુરાવો નથી
આ મામલે ડીવાયએસપી રીમાબા ઝાલાએ જણાવ્યું હતું કે, નવનીત બાલધીયા રેતી ચોરી અને દારૂના ધંધા અંગે બાતમી આપતા હોવાથી ખાર રાખીને હુમલો કરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આઠ આરોપીઓમાંથી એક મુખ્ય આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે અને અન્ય સાત આરોપીઓની ઓળખ થઈ ગઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, હજી સુધી આ હુમલાનો માયાભાઈ આહીર અથવા તેમના પુત્રના નિવેદન સાથે કોઈ સીધો સંબંધ હોવાનો પુરાવો મળ્યો નથી.




