Bagdana Case:બગદાણા મારામારી કેસ: જયરાજ આહીરનો કથિત વીડિયો વાયરલ, 4 આરોપીના 48 કલાકના રિમાન્ડ

0
274
Bagdana Case
Bagdana Case

Bagdana Case: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણામાં થયેલી જીવલેણ મારામારીની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર જગાવી છે. બગદાણાના નવનીત બાલધિયા પર આઠ શખ્સો દ્વારા ધોકા અને પાઈપ વડે કરવામાં આવેલા હુમલાના કેસમાં પોલીસે કુલ આઠ આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે ચાર મુખ્ય આરોપીઓને 48 કલાકના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે, જ્યારે અન્ય ચાર આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

પોલીસે નાજુ કામળિયા, રાજુ ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર અને સતીશ વનાળીયાને રિમાન્ડ પર લીધા છે. આ તમામ આરોપીઓના રિમાન્ડ આવતીકાલે બપોરે 4 વાગ્યે પૂર્ણ થશે. કેસની ગંભીરતા જોતા ફરિયાદમાં BNS કલમ 109 (IPC 307 – હત્યાના પ્રયાસ)નો ઉમેરો કરવામાં આવ્યો છે.

Bagdana Case

Bagdana Case: જયરાજ આહીરનો કથિત વીડિયો વાયરલ

આ સમગ્ર મામલે હવે નવા વળાંક સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોક કલાકાર માયાભાઈ આહીરના ફાર્મહાઉસ પર તેમના પુત્ર જયરાજ આહીર આરોપીઓ સાથે જોવા મળી રહ્યા હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે. આ કથિત મીટિંગ બાદ નવનીત બાલધિયા પર હુમલો થયો હોવાની અટકળો લગાવવામાં આવી રહી છે. જોકે, આ વીડિયોની સ્વતંત્ર રીતે કોઈ પુષ્ટિ થઈ નથી.

Bagdana Case: જયરાજ આહીર પર ષડયંત્રના આક્ષેપ

Bagdana Case

નવનીત બાલધિયા પર થયેલા હુમલાની પાછળ લોક કલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનું ષડયંત્ર હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ મામલે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો, પૂર્વ મંત્રીઓ, નગરસેવકો તેમજ કોળી સમાજના આગેવાનો મહુવાની હનુમંત હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં નવનીત બાલધિયા સારવાર હેઠળ છે. પરિસ્થિતિની નાજુકતા જોતા હોસ્પિટલ બહાર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Bagdana Case: ભાજપ-કોંગ્રેસ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ

એક તરફ ભાજપના નેતાઓ હુમલાખોરોને કડક સજા અપાવવાની ખાતરી આપી રહ્યા છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. કોળી સમાજ પણ આ મુદ્દે ખુલ્લેઆમ મેદાને ઉતર્યો છે.

આરોપીઓની સંપૂર્ણ યાદી

પોલીસે અત્યાર સુધીમાં નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીશ વનાળીયા, ભાવેશ શેલાણા, પંકજ મેર અને વીરુ સેરડાની ધરપકડ કરી છે. ગઈકાલે પોલીસ દ્વારા તમામ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું.

Bagdana Case

શું છે સમગ્ર મામલો?

29 ડિસેમ્બરની મોડી રાતે મોણપર ગામ નજીક આઠ શખ્સોએ નવનીત બાલધિયા પર હુમલો કર્યો હતો. પીડિતે લોક કલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર સામે ગંભીર આરોપો લગાવ્યા હતા. જોકે, મહુવાના ઇન્ચાર્જ DYSPએ પ્રાથમિક તપાસમાં દારૂની બાતમી આપ્યાની શંકાના કારણે હુમલો થયો હોવાનો દાવો કર્યો હતો.

પોલીસ પર પણ રોષ

પીડિત દ્વારા જયરાજ આહીરનું નામ ખુલ્લેઆમ લેવામાં આવ્યું હોવા છતાં PI અને DYSP દ્વારા શરૂઆતમાં જ જયરાજની સંડોવણી ન હોવાનું કહી દેવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

PI ડાંગરની બદલી

વિવાદ વધતા જિલ્લા પોલીસ વડાએ બગદાણાના PI ડી.વી. ડાંગરની તાત્કાલિક અસરથી બદલી કરીને તેમને લીવ રિઝર્વમાં મૂક્યા છે. કેસની તપાસ હવે મહુવા ટાઉનના PI પટેલને સોંપવામાં આવી છે.

Bagdana Case

કેસ ડાયવર્ટ નહીં થાય: જિલ્લા પોલીસ વડા

જિલ્લા પોલીસ વડા નિતેષ પાંડેએ સ્પષ્ટ કહ્યું છે કે કેસને ડાયવર્ટ કરવામાં આવી રહ્યો હોવાના આરોપો ખોટા છે. આરોપીઓની પૂછપરછ, CCTV ફૂટેજ અને ટેક્નિકલ પુરાવાના આધારે તપાસ ચાલી રહી છે અને કોઈને પણ બચાવવામાં નહીં આવે.

સોમવારે CM અને ગૃહમંત્રીને રજૂઆત

ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ હનુમંત હોસ્પિટલ ખાતે પીડિતની મુલાકાત લઈને કહ્યું કે કોળી સમાજે ઘણું સહન કર્યું છે. સોમવારે કોળી સમાજના ધારાસભ્યો સાથે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવશે અને આરોપીઓને કડક સજા અપાવાશે.

આ પણ વાંચો :S Jaishankar: આતંકવાદ કરશો તો જળ સંધિના લાભ નહીં મળે,“હું તમને પાણી આપું અને તમે આતંકવાદ ફેલાવો—એવું નહીં ચાલે”: વિદેશ મંત્રી જયશંકર