Bagdana Assault Case :મહુવાના બગદાણામાં નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસને લઈને રાજ્યની રાજનીતિ ગરમાઈ છે. સમગ્ર ઘટનામાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠતા અને કોળી સમાજમાં વ્યાપક રોષ જોવા મળતા, હવે રાજ્ય સરકારે આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

Bagdana Assault Case :ગાંધીનગરમાં કોળી સમાજના નેતાઓની બેઠક
આજે (5 જાન્યુઆરી) ગાંધીનગરમાં મંત્રી પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને કોળી સમાજના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં મંત્રી કુંવરજી બાવળીયા, સાંસદ તથા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા સહિત કોળી સમાજના અનેક ધારાસભ્યો અને સાંસદો હાજર રહ્યા હતા.
બેઠક બાદ કોળી સમાજના 3 સાંસદ અને 15 ધારાસભ્યોએ બગદાણા હુમલા કેસમાં ન્યાયિક તપાસની માગ સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. ગાંધીનગરમાં થયેલી આ રજૂઆત બાદ રાજ્ય સરકારે સમગ્ર કેસની તપાસ માટે SITની રચનાનો આદેશ આપ્યો છે.

Bagdana Assault Case :શું છે બગદાણા હુમલા કેસ?
મહુવાના બગદાણામાં મોણપર ગામ નજીક 29 ડિસેમ્બરની મોડી રાત્રે નવનીત બાલધિયા પર આઠ શખસોએ ધોકા અને પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં નવનીત બાલધિયા ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે પોલીસ દ્વારા આઠ શખસો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
જયરાજ આહીર પર ગંભીર આરોપ
પીડિત નવનીત બાલધિયાએ લોકકલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર પર હુમલાના દોરીસંચારના ગંભીર આરોપ લગાવ્યા હતા. આ કેસમાં મહત્વની વાત એ છે કે, મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન માયાભાઈ આહીરે બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટી અંગે નિવેદન આપ્યું હતું.
ત્યારબાદ નવનીત બાલધિયાએ માયાભાઈ આહીરને ફોન કરીને જણાવ્યું હતું કે હજી સુધી કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નક્કી કરવામાં આવ્યા નથી. ભૂલ સમજાતા માયાભાઈ આહીરે માફી માંગતો વીડિયો પણ જાહેર કર્યો હતો. જોકે આ ઘટનાની દાઝ રાખીને માયાભાઈના પુત્ર જયરાજે હુમલો કરાવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
પોલીસની ભૂમિકા સામે કેમ ઉઠ્યો રોષ?
આ સમગ્ર મામલે કોળી સમાજમાં પોલીસની ભૂમિકા સામે પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. પીડિતે જયરાજ આહીરની સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો હોવા છતાં, મહુવાના ઇન્ચાર્જ DYSP અને PIએ પ્રાથમિક તપાસમાં જ જયરાજની કોઈ સંડોવણી નથી તેમ કહી ક્લીનચિટ આપી દીધી હતી.
આ ક્લીનચિટને લઈને સમાજમાં અસંતોષ ફેલાયો હતો અને કેસને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ જ કારણોસર SIT દ્વારા નિષ્પક્ષ અને પારદર્શક તપાસની માગ ઉઠી હતી.
SIT કરશે ફરીથી તપાસ

હવે SITની રચના થયા બાદ સમગ્ર કેસની ફરીથી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. તમામ આરોપો, પોલીસની અત્યાર સુધીની કાર્યવાહી અને પીડિતના નિવેદનોને આધારે SIT તપાસ કરશે. SITના અહેવાલ બાદ આગામી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો :Anand news:CMને ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર ખેડૂતને જીવતો સળગાવવાનો પ્રયાસ, અંબાવમાં ચકચાર




