Arvalli Shocking Case:અરવલ્લી જિલ્લાના મેઘરજમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. તાલુકા પંચાયતમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા એક શખ્સે પોતાની અસલિયત છુપાવી, 25 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી દેશના વિવિધ રાજ્યોમાં ફેરવીને વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
Arvalli Shocking Case:ચાની દુકાનથી શરૂ થયેલી ‘પ્રેમજાળ’

ભોગ બનનાર યુવતીના પિતા છેલ્લા 16 વર્ષથી મેઘરજ તાલુકા પંચાયત કચેરી પાસે ચાની દુકાન ચલાવે છે. જાન્યુઆરી 2026માં અહીં ચા પીવા આવતા મહેશ ઓડ (રહે. રાયગઢ, હિંમતનગર) નામના યુવક સાથે યુવતીનો પરિચય થયો હતો. મહેશ તે સમયે મેઘરજમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતો હતો. પરિચયનો ગેરફાયદો ઉઠાવી તેણે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી.
Arvalli Shocking Case:વિવિધ રાજ્યોમાં પ્રવાસ અને વારંવાર દુષ્કર્મ
28 જાન્યુઆરી 2026ના રોજ આરોપી મહેશ યુવતીને ફરવા લઈ જવાના બહાને કારમાં બેસાડી રવાના થયો હતો. રિપોર્ટ મુજબ, આરોપી યુવતીને:
- શ્રીનગર (જમ્મુ)
- કુલ્લુ-મનાલી
- અમૃતસર (પંજાબ)
- દિલ્હી અને ઉદયપુર
- ગાંધીનગર
જેવા સ્થળોએ લઈ ગયો હતો. આ પ્રવાસ દરમિયાન વિવિધ હોટેલોમાં રોકાણ કરીને તેણે લગ્નની લાલચ આપી યુવતી સાથે વારંવાર મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. આરોપીએ વિશ્વાસ જીતવા માટે અમદાવાદમાં યુવતી સાથે મૈત્રીકરાર પણ કર્યા હતા.
સત્ય સામે આવતા ધમકી આપી
જ્યારે યુવતીએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે આરોપીનો અસલી ચહેરો સામે આવ્યો હતો. તેણે કબૂલાત કરી હતી કે તે પરણિત છે અને ચાર સંતાનોનો પિતા છે. લગ્નનો ઇનકાર કરી તેણે યુવતી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસ કાર્યવાહી અને ધરપકડ

બનાવ બાદ યુવતીએ હિંમત ભેગી કરી મોડાસા નારીગૃહનો સંપર્ક કર્યો અને બાદમાં પરિવારની મદદથી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મેઘરજ પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપી મહેશ ઓડની ધરપકડ કરી છે.
વર્તમાન સ્થિતિ: આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ, 26 ફેબ્રુઆરીના રોજ તેને મોડાસા સબજેલ હવાલે કરવામાં આવ્યો છે. હાલ પોલીસ આ મામલે વધુ પુરાવા એકત્ર કરી રહી છે.




