Aravalli:અરવલ્લી પર્વતમાળાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. અરવલ્લી બચાવો આંદોલન ઉગ્ર બન્યા બાદ હવે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર અરવલ્લી પર્વતમાળામાં નવી માઇનિંગ મંજૂરી અને નવી લીઝ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કેન્દ્રીય પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલયે બુધવારે અરવલ્લી રેન્જમાં આવનારા તમામ રાજ્યોને આદેશ જારી કર્યો છે. આ આદેશ મુજબ દિલ્હીથી લઈને ગુજરાત સુધી અરવલ્લી પર્વતમાળાના કોઈપણ ભાગમાં હવે નવી માઇનિંગ મંજૂરી આપવામાં નહીં આવે. સરકારના જણાવ્યા અનુસાર, આ નિર્ણયનો હેતુ અરવલ્લી પર્વતમાળાનું સંરક્ષણ કરવાનો અને ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓને અટકાવવાનો છે.

Aravalli:ICFREને વધુ વિસ્તારોની ઓળખ કરવાની સૂચના
મંત્રાલયે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન (ICFRE)ને આદેશ આપ્યો છે કે, હાલ પ્રતિબંધિત ઝોન સિવાય એવા વધુ વિસ્તારોની ઓળખ કરવામાં આવે જ્યાં માઇનિંગ પર પ્રતિબંધ મૂકવો શક્ય છે. આ ઓળખ પર્યાવરણીય, ભૂગર્ભીય અને લેન્ડસ્કેપ સ્તરે કરવામાં આવશે.
અગાઉ ICFREને અરવલ્લીમાં ટકાઉ માઇનિંગ માટે વૈજ્ઞાનિક પદ્ધતિ આધારિત મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. હાલ જ્યાં માઇનિંગને મંજૂરી આપવામાં આવી છે અથવા માઇનિંગ ચાલી રહ્યું છે, ત્યાં પર્યાવરણના તમામ નિયમોનું કડક પાલન થાય તેની જવાબદારી રાજ્યો પર મુકવામાં આવી છે.
Aravalli:100 મીટર ઉંચાઈની વ્યાખ્યા પર વિવાદ
કેન્દ્ર સરકાર દ્વારા અરવલ્લીની વ્યાખ્યા તરીકે 100 મીટર અથવા તેથી વધુ ઉંચા પહાડોને સામેલ કરવાની ભલામણ કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે સ્વીકારી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે રચેલી પેનલે આ વ્યાખ્યાનો વિરોધ કરી તેને સ્વીકારવાની ના પાડી હતી.
આ વિરોધાભાસ વચ્ચે હવે 100 મીટરની ઉંચાઈને આધારે અરવલ્લીની વ્યાખ્યાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે અરજી સ્વીકારી છે અને આ મુદ્દે હરિયાણા, રાજસ્થાન તથા કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે.

11000 પહાડો પર ખતરો હોવાનો દાવો
અરજદાર દ્વારા ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા (FSI)નો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. તેમાં દાવો કરાયો છે કે ભારતમાં કુલ 12,081 પહાડો છે, જેમાંથી માત્ર 1,048 પહાડો જ 100 મીટર કે તેથી વધુ ઉંચા છે. બાકીના લગભગ 11,000 પહાડોની ઉંચાઈ 100 મીટરથી ઓછી છે, જેને નવી વ્યાખ્યા મુજબ માઇનિંગ માટે ખુલ્લા મૂકવાની શક્યતા છે. આ કારણે અરવલ્લી પર્વતમાળાના લગભગ 90 ટકા પહાડો નાશ પામશે તેવી ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
અરવલ્લીના સંરક્ષણ માટે કેન્દ્ર સરકારના આ નવા પ્રતિબંધને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે, જોકે 100 મીટરની વ્યાખ્યા અંગેનો વિવાદ હજુ સુપ્રીમ કોર્ટમાં નિરાકરણની રાહ જોઈ રહ્યો છે.




