Anand news:આણંદ કૃષિ યુનિવર્સિટીનો 22મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ભવ્ય રીતે યોજાયો હતો. આ સમારોહમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી તથા પદ્મશ્રી ડો. જે. એમ. વ્યાસ વિશેષ ઉપસ્થિતિ તરીકે હાજર રહ્યા હતા.
સમારોહ દરમિયાન કુલ 589 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી, જેમાં 387 સ્નાતક (Graduates) અને 202 અનુસ્નાતક (Post Graduates) વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

Anand news:મેડલ્સ અને એવોર્ડ્સનું વિતરણ
પદવીદાન સમારોહ દરમિયાન શ્રેષ્ઠ શિક્ષક અને શ્રેષ્ઠ સંશોધન કરનારને વિશેષ એવોર્ડ્સ આપવામાં આવ્યા હતા. સાથે જ તેજસ્વી વિદ્યાર્થીઓને 13 ગોલ્ડ મેડલ્સ, 77 ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ્સ, 6 કેશ પ્રાઇઝ, દરેક ફેકલ્ટી માટે 3 ચાન્સલર ગોલ્ડ મેડલ્સ અને 5 વાઇસ ચાન્સલર ગોલ્ડ મેડલ્સ એનાયત કરાયા હતા.
Anand news:નવા બિલ્ડિંગ અને કેન્દ્રોના ઉદ્ઘાટન

સમારોહના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે યુનિવર્સિટી પરિસરમાં
- રૂ. 4.07 કરોડના ખર્ચે નિર્મિત સેન્ટર ફોર પ્રિસિઝન ફાર્મિંગ સિસ્ટમ,
- રૂ. 4.10 કરોડના ખર્ચે બનેલું ડિપાર્ટમેન્ટ ઓફ બેઝિક સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝનું નવું બિલ્ડિંગ
અને - સેન્ટર ફોર ક્લાઇમેટ સ્માર્ટ માઇક્રોબિયલ ટેકનોલોજી એન્ડ GHG મોનિટરિંગના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ ઉપરાંત, આણંદ કૃષિ યુનિવર્સિટી અને આત્માના સહયોગથી બોરસદ ચોકડી ખાતે આવેલા કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્રમાં પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ કેન્દ્રનું પણ રાજ્યપાલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તેમણે ત્યાં ઉપસ્થિત ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો હતો.
Anand news:પ્રાકૃતિક ખેતી પર ભાર

સમારોહના અંતે રાજ્યપાલે યુનિવર્સિટીના એગ્રોનોમી ફાર્મની મુલાકાત લીધી અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉગાડવામાં આવેલા વિવિધ પાકોની માહિતી મેળવી. તેમણે યુવા સ્નાતકોને રાસાયણિક ખેતીના પ્રચારથી દૂર રહી પ્રાકૃતિક ખેતી પર સંશોધન કરવા અપીલ કરી હતી.
રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીને માનવતાની સૌથી મોટી સેવા ગણાવી અને જણાવ્યું કે તે પર્યાવરણ, પાણી, ધરતી માતા, ગૌમાતા, માનવ સ્વાસ્થ્ય અને ખેડૂતની આવક—આ બધાનું એકસાથે સંરક્ષણ કરે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આણંદ કૃષિ યુનિવર્સિટી આ મિશનમાં દેશનું નેતૃત્વ કરશે અને સૌને ‘રાષ્ટ્ર પ્રથમ’ના ભાવ સાથે સંશોધન અને ઇનોવેશન કરવા પ્રોત્સાહિત કર્યા.
14 મેડલ મેળવનાર વિદ્યાર્થીની નિયતી પંચાલ

પદવીદાન સમારોહમાં 14 મેડલ મેળવનાર વિદ્યાર્થીની નિયતી પંચાલએ પોતાની સફળતાનો શ્રેય ભગવાન, માતા-પિતા અને શિક્ષકોને આપ્યો હતો. તેમણે કહ્યું કે, “માતા-પિતા અને શિક્ષકોના સતત સહકારથી આજે મને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. આગળનો સફર હજુ લાંબી છે.”
આ પણ વાંચો :Unnao Rape Case:ઉન્નાવ દુષ્કર્મ કેસ: સુપ્રીમ કોર્ટનો સ્ટે, કુલદીપ સેંગર જેલમાં જ રહેશે




