વિકાસની અંતિમયાત્રા #anand #vikasdeath #bhajapa #bjp #gujarat – આણંદ મહાનગરપાલિકામાં સામેલ દેવરાજપુરા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાને કારણે નાગરિકો રોષે ભરાયા. રોડ, ગટર, પાણી અને સ્ટ્રીટલાઇટ ન મળતા ગામલોકોએ વિકાસની અંતિમયાત્રા કાઢી અનોખો વિરોધ કર્યો.
દેવરાજપુરામાં પ્રાથમિક સુવિધાનો અભાવ
આણંદ મહાનગરપાલિકામાં સામેલ કરમસદ ગામના દેવરાજપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી પ્રાથમિક સુવિધાઓનો ગંભીર અભાવ અનુભવાઈ રહ્યો છે. ગામના નાગરિકો વારંવાર તંત્રને રજૂઆતો કરવા છતાં સમસ્યાઓ યથાવત રહી છે. પાણીની તકલીફ, ગટરનું અભાવ, રસ્તાઓની ખરાબ હાલત અને સ્ટ્રીટલાઇટની અછતને કારણે સ્થાનિકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

રોડ-રસ્તાં, ગટર, પાણી, સ્ટ્રીટલાઇટની સમસ્યા
દેવરાજપુરાના ગ્રામજનોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. પહેલા કરમસદ નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી, બાદમાં આણંદ મહાનગરપાલિકામાં પણ આ મુદ્દે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સમસ્યાનું નિરાકરણ હજી સુધી આવ્યું નથી.
ગામમાં આવતા-આવતાં વિકાસ મરણ પામ્યો
સરકાર દ્વારા સતત વિકાસની વાતો કરવામાં આવે છે, પરંતુ દેવરાજપુરા જેવા વિસ્તારમાં વિકાસ પહોંચ્યો નથી. ગામલોકોએ કટાક્ષરૂપે જણાવ્યું કે ગામ સુધી પહોંચતા પહેલાં જ વિકાસનું “મરણ” થઈ ગયું છે. આ જ વિચાર સાથે નાગરિકોએ આજે અનોખો વિરોધ નોંધાવ્યો.
આણંદ : કરમસદમાં વિકાસની અંતિમયાત્રા
સ્થાનિક નાગરિકોએ દેવરાજપુરાના વિકાસની અંતિમયાત્રા કાઢી. પંડિત, મંત્રોચ્ચાર અને નનામી સાથે ગામલોકો આણંદ મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. આ અનોખો વિરોધ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો હતો.




દેવરાજપુરાના સ્થાનિકોનો મનપામાં વિરોધ
કચેરીએ પહોંચ્યા પછી નાગરિકોને અંદર પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. પોલીસ પહેલેથી જ હાજર હોવાથી મનપા કચેરીનો મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે ગામલોકો કચેરીની બહાર જ એકત્રિત થઈ ગયા અને ત્યાં જ બેસી રામધૂન બોલાવવાનું શરૂ કર્યું. આ વિરોધ દરમિયાન ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હવે વધુ રાહ જોવી શક્ય નથી. તંત્રે તાત્કાલિક રીતે સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ.
તંત્રને અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહી
આ વિરોધ બાદ દેવરાજપુરાના નાગરિકોએ જણાવ્યું કે ગામમાં પ્રાથમિક સુવિધાઓ વગર જીવવું મુશ્કેલ બની ગયું છે. વરસાદી મોસમમાં ગટરની વ્યવસ્થા ન હોવાને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે. સ્વચ્છ પાણી ન મળતા આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે. સ્ટ્રીટલાઇટ ન હોવાથી સાંજ પછી સુરક્ષા અંગે ચિંતાઓ વધી જાય છે.
વહેલીતકે સમસ્યાનું નિરાકરણ કરવા માંગ ઉચ્ચારી
નાગરિકોના રોષભર્યા અવાજથી સ્પષ્ટ થઈ ગયું છે કે દેવરાજપુરામાં લાંબા સમયથી અવગણના થઈ રહી છે. એક તરફ સરકાર વિકાસના ઢોલ પીટે છે, પરંતુ બીજી તરફ આ વિસ્તારના નાગરિકો મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે.
વિરોધનો સંદેશ તંત્ર સુધી સ્પષ્ટ રીતે પહોંચ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આણંદ મહાનગરપાલિકા કે રાજ્ય સરકાર દેવરાજપુરાના નાગરિકોની માંગને ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી કરે છે કે નહીં.
હિન્દીમાં સમાચાર જોવા માટે વી.આર.ન્યુઝ લાઇવ પર અહિયાં ક્લિક કરીને વિઝીટ કરો
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે