Allahabad High Court:અલ્લાહાબાદ હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, જે પત્ની સારી નોકરી ધરાવે છે અને પોતાનું ગુજરાન ચલાવવા માટે પૂરતી આવક કમાય છે, તે દંડ પ્રક્રિયા સંહિતા (CrPC)ની કલમ 125 હેઠળ ગુજરાન ભથ્થાની હકદાર નથી. કોર્ટે જણાવ્યું કે ગુજરાન ભથ્થું માત્ર એવી પત્નીને જ આપવામાં આવી શકે છે, જે પોતાનું ભરણપોષણ કરવા અસમર્થ હોય.

ગૌતમ બુદ્ધ નગરના અંકિત સાહા દ્વારા દાખલ કરાયેલી રિવ્યુ પિટિશનની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ મદન પાલ સિંહે ફેમિલી કોર્ટના અગાઉના આદેશને રદ કર્યો હતો. ફેમિલી કોર્ટે પતિને પત્નીને દર મહિને રૂ. 5,000 ગુજરાન ભથ્થું ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જ્યારે પત્ની પોતે દર મહિને રૂ. 36,000 કમાઈ રહી હતી.
હાઈકોર્ટે નોંધ્યું કે પત્નીએ શરૂઆતમાં પોતે બેરોજગાર અને અભણ હોવાનું કોર્ટમાં રજૂ કર્યું હતું, પરંતુ રેકોર્ડ પરથી સ્પષ્ટ થયું કે તે પોસ્ટ ગ્રેજ્યુએટ છે અને સીનિયર સેલ્સ કોઓર્ડિનેટર તરીકે કામ કરે છે. બાદમાં પત્નીએ પણ સ્વીકાર્યું હતું કે તે દર મહિને રૂ. 36,000ની આવક ધરાવે છે.
કોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે પત્ની કોર્ટ સમક્ષ “દૂધે ધોયેલી” બનીને આવી નથી અને તેણે હકીકતો છુપાવી હતી. કલમ 125 હેઠળ ગુજરાન ભથ્થું મેળવવા માટે પત્નીનું પોતાનું ભરણપોષણ કરવામાં અસમર્થ હોવું જરૂરી છે, જે આ કેસમાં લાગુ પડતું નથી.

Allahabad High Court: હાઈકોર્ટે જણાવ્યું કે
પત્ની પર કોઈ વિશેષ જવાબદારી નથી, જ્યારે પતિ પર તેના વૃદ્ધ માતા-પિતાની સંભાળ અને અન્ય સામાજિક જવાબદારીઓનો વધારાનો બોજ છે. તેથી, એક કમાનાર અને સ્વાવલંબી મહિલા તરીકે પત્ની કલમ 125(1)(a) હેઠળ પતિ પાસેથી ગુજરાન ભથ્થું મેળવવા હકદાર નથી.
આ ચુકાદાને ગુજરાન ભથ્થાં સંબંધિત મામલાઓમાં મહત્વપૂર્ણ નઝીર તરીકે જોવામાં આવી રહ્યો છે.
વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો




