Ahmedabad Voter List Digitization:અમદાવાદ જિલ્લામાં 14.52 લાખ મતદારોના ફોર્મ બાકી, 48.06 લાખનું ડિજિટાઈઝેશન પૂર્ણ

0
104
Voter List
Voter List

Ahmedabad Voter List Digitization: અમદાવાદ જિલ્લામાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special Intensive Revision – SIR) અંતર્ગત મહત્વની માહિતી સામે આવી છે. જિલ્લામાં નોંધાયેલા કુલ 62,59,620 મતદારોમાંથી 48,06,811 મતદારોના એન્યુમરેશન ફોર્મનું સફળતાપૂર્વક ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે. જ્યારે કુલ મતદારોમાંથી અંદાજે 23 ટકા એટલે કે 14,52,816 મતદારોના ફોર્મ મૃત્યુ, ગેરહાજરી, કાયમી સ્થળાંતર અથવા અન્ય કારણોસર પરત ન મળ્યા હોવાનું બહાર આવ્યું છે.

ચૂંટણી તંત્ર દ્વારા અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો માટે ડ્રાફ્ટ મતદારયાદી જાહેર કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારે જણાવ્યું હતું કે, SIR અંતર્ગત જિલ્લામાં 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મતદારોને સરળતા રહે તે માટે કલેક્ટર કચેરી ખાતે મતદાર સહાયતા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

Ahmedabad Voter List Digitization

આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં તમામ ઈઆરઓ કચેરીઓ તેમજ અન્ય સરકારી કચેરીઓ સહિત કુલ 50થી વધુ સહાયતા કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. આ તમામ કેન્દ્રો પર ડ્રાફ્ટ મતદારયાદી ઉપલબ્ધ રહેશે. મતદારો પોતાના વાંધા, હક-દાવાઓ અને સુધારા આ કેન્દ્રો પર અથવા વોટર્સ હેલ્પલાઇન એપ મારફતે ઓનલાઈન પણ રજૂ કરી શકશે.

કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, રાજ્ય ચૂંટણી અધિકારીની કચેરી પાસેથી કુલ 737 મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓની નિમણૂક માટે રજૂઆત કરવામાં આવી છે. આ અધિકારીઓ દરરોજ આશરે 50 જેટલા મતદારોના વાંધા-દાવાઓ અંગે સુનાવણી કરશે. નોંધનીય છે કે, અમદાવાદ જિલ્લામાં રાજ્યના કુલ મતદારોમાંથી 12 ટકા કરતાં વધુ મતદારો નોંધાયેલા છે અને તે જ પ્રમાણમાં અહીં વિધાનસભા બેઠકો પણ આવેલી છે.

Ahmedabad Voter List Digitization: મતદારોને કોઈપણ માહિતી માટે ટોલ ફ્રી નંબર જાહેર

મતદારોને કોઈપણ માહિતી કે સહાય માટે ટોલ ફ્રી નંબર 1950 પર સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે. સાથે સાથે નવા નામ ઉમેરવા, નામ કમી કરવા અથવા સુધારા માટે કયા ફોર્મ ભરવાના તેની પણ વિગત આપવામાં આવી છે.

Ahmedabad Voter List Digitization

Ahmedabad Voter List Digitization: મતદાર યાદી સુધારણા માટેના ફોર્મ:

  • ફોર્મ-6: નવું નામ ઉમેરવા માટે
  • ફોર્મ-7: નામ કમી કરવા અથવા વાંધો રજૂ કરવા માટે
  • ફોર્મ-8: નામમાં સુધારો, સ્થળાંતર, નવું ચૂંટણી કાર્ડ કઢાવવા તથા દિવ્યાંગતા સંબંધિત સુધારા માટે

ચૂંટણી તંત્ર દ્વારા તમામ પાત્ર મતદારોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ પોતાની વિગતો ચકાસી સમયસર જરૂરી સુધારા કરી લે, જેથી મતદારયાદી વધુ સચોટ અને પારદર્શક બની શકે.

આ પણ વાંચો :SIR 2026: ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા; 73.73 લાખ નામ કપાયા