મહિલા પહેલવાનો પર પોલીસ કાર્યવાહી બાદ કોંગ્રેસ લાલઘૂમ

0
58

દિલ્હીના જંતર-મંતર પર પહેલવાનોના ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હી પોલીસે કડક કાર્યવાહી કરી છે. દિલ્હી પોલીસે જંતર-મંતરથી નવા સંસદ ભવન તરફ કૂચ કરી રહેલા કુસ્તીબાજોની અટકાયત કરી હતી અને તંબુ પણ હટાવી દીધો છે. આ અંગે હવે કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા કહ્યું છે કે, “રાજ્યાભિષેક સમાપ્ત થઈ ગયો છે. ‘ઘમંડી રાજા’ રસ્તા પર લોકોના અવાજને કચડી રહ્યો છે.” આ મામલે પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ કેન્દ્ર પર આકરા પ્રહાર કર્યા છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે, “ ભાજપ સરકારનો અહંકાર એટલો વધી ગયો છે કે સરકાર આપણી મહિલા ખેલાડીઓના અવાજને નિર્દયતાથી કચડી રહી છે. આ એકદમ ખોટું છે, આખો દેશ સરકારનો અહંકાર અને આ અન્યાય જોઈ રહ્યો છે.” મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે, “નવી સંસદનું ઉદ્ઘાટન કરવાનો અધિકાર રાષ્ટ્રપતિ પાસેથી છીનવાયો, મહિલા ખેલાડીઓને તાનાશાહી બળથી રસ્તા પર માર મારવામાં આવ્યો.”