પહેલી એપ્રિલથી ભાવ વધારો થશે લાગુ
ગુજરાતીઓએ 5 વર્ષમાં 14600 કરોડ ટોલટેક્સ ચૂકવ્યો
1લી એપ્રિલથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુસાફરી કરતા વાહનચાલકોએ ટોલ બૂથ પર 14 ટકા વધુ ટેક્સ ચૂકવવો પડશે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાર ચાલકોએ હવે 135 રૂપિયા ચૂકવવા પડશે. જથ્થાબંધ ફુગાવામાં થયેલા ફેરફારને આધારે ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. જો કે છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં ટોલની આવકમાં 60 ટકાનો ધરખમ વધારો થયો છે.વર્ષ 2021-22માં નેશનલ હાઇવે પરથી મુસાફરી કરતાં વાહનો દ્વારા કુલ 34 હજાર કરોડથી વધારે ટોલટેક્સ ભરવામાં આવ્યો છે. સૌથી વધારે 4 હજાર કરોડ ટોલટેક્સ રાજસ્થાનમાંથી આવ્યો છે જ્યારે ગુજરાત 3600 કરોડ સાથે ત્રીજા સ્થાને છે. ગુજરાતના નેશનલ હાઇવે પરથી પાંચ વર્ષમાં કુલ 14 હજાર કરોડથી વધારે ટેક્સની આવક થઇ છે. ગુજરાતમાંથી ટોલ ટેકસની આવકમાં 5 વર્ષમાં 51 ટકાનો વધારો નોંધાયો છે. દેશની વાર્ષિક સરેરાશ આવકમાં ગુજરાતનો હિસ્સો 10 ટકા છે. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.