From Samantha to Dia Mirza: લગ્ન એટલે પરંપરાગત વિધિઓ, પંડિત, મંત્રોચ્ચાર, અગ્નિની સાક્ષીએ સાત ફેરા અને પરિવારજનોની હાજરીમાં યોજાતો ભવ્ય સમારોહ, એવી સામાન્ય માન્યતા છે. જોકે, હવે મનોરંજન જગતની અનેક જાણીતી હસ્તીઓ લગ્નની પરંપરાગત પદ્ધતિથી અલગ રસ્તો પસંદ કરી રહી છે. તાજેતરમાં મ્યુઝિક કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદર અને સનરાઇઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારને ગ્રીસમાં ‘સેલ્ફ રિસ્પેક્ટ મેરેજ’ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ લગ્નમાં ન તો પંડિત હતા, ન મંત્રોચ્ચાર અને ન તો અગ્નિની સામે સાત ફેરા લેવામાં આવ્યા હતા. બંનેએ એકબીજાને હાર અને ચેન પહેરાવીને જીવનસાથી તરીકે સ્વીકાર્યા હતા. આ પહેલાં અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ ‘ભૂત શુદ્ધિ વિવાહ’ પદ્ધતિથી લગ્ન કર્યા હતા. દિયા મિર્ઝા, ઈરા ખાન, આલિયા ભટ્ટ અને યામી ગૌતમ સહિતની હસ્તીઓએ પણ પરંપરાગત લગ્નવિધિઓમાં પોતાની પસંદગી મુજબ ફેરફાર કરીને લગ્ન કર્યા છે. આ ઘટનાઓને કારણે સેલિબ્રિટીઓમાં લગ્નની બદલાતી વિચારધારા અને નવા વેડિંગ ટ્રેન્ડની ચર્ચા શરૂ થઈ છે.
From Samantha to Dia Mirza: અનિરુદ્ધ-કાવ્યાના સેલ્ફ રિસ્પેક્ટ મેરેજની ખાસિયત શું છે?

મ્યુઝિક કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદર અને કાવ્યા મારે 11 નવેમ્બરે ગ્રીસમાં લગ્ન કર્યા હતા. બંનેએ પરંપરાગત હિંદુ લગ્નવિધિને બદલે સેલ્ફ રિસ્પેક્ટ મેરેજ પસંદ કર્યા હતા. આ પદ્ધતિમાં ધાર્મિક વિધિઓ કરતાં વર-વધૂની પરસ્પર સંમતિ, સમાનતા અને એકબીજાને જીવનસાથી તરીકે સ્વીકારવાને વધુ મહત્વ આપવામાં આવે છે. લગ્ન દરમિયાન બંને એકબીજાને હાર પહેરાવી શકે છે, વીંટીની આપ-લે કરી શકે છે અથવા મંગળસૂત્ર બાંધી શકે છે. અનિરુદ્ધ અને કાવ્યાના લગ્નમાં પણ એકબીજાને હાર અને ચેન પહેરાવીને લગ્નની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સુપરસ્ટાર રજનીકાંતે કાવ્યાને ચેન આપી હતી, જ્યારે તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમકે સ્ટાલિને અનિરુદ્ધને ચેન સોંપી હતી. ત્યારબાદ બંનેએ એકબીજાને ચેન પહેરાવી હતી. લગ્ન સમારોહમાં રજનીકાંત, એમકે સ્ટાલિન અને ઉદયનિધિ સ્ટાલિન સહિત અનેક મહેમાનો હાજર રહ્યા હતા.
From Samantha to Dia Mirza: સેલ્ફ રિસ્પેક્ટ મેરેજને તમિલનાડુમાં કાનૂની માન્યતા
સેલ્ફ રિસ્પેક્ટ મેરેજ પદ્ધતિને તમિલનાડુમાં 1967માં કાનૂની માન્યતા આપવામાં આવી હતી. આ માટે હિંદુ મેરેજ એક્ટ, 1955માં કલમ 7-A ઉમેરવામાં આવી હતી. આ જોગવાઈ હેઠળ બે હિંદુ વ્યક્તિઓ પરસ્પર સંમતિથી એકબીજાને પતિ-પત્ની તરીકે સ્વીકારીને લગ્ન કરી શકે છે. લગ્ન સમયે સંબંધીઓ, મિત્રો અથવા અન્ય લોકોની હાજરીમાં બંનેએ એકબીજાને જીવનસાથી તરીકે સ્વીકારવાની ઘોષણા કરવાની હોય છે. તેઓ હાર અથવા વીંટીની આપ-લે કરીને કે મંગળસૂત્ર બાંધીને પણ લગ્ન કરી શકે છે. આ પદ્ધતિમાં પંડિત, મંત્રોચ્ચાર, અગ્નિની સામે સાત ફેરા કે સપ્તપદી ફરજિયાત નથી. જોકે, કલમ 7-A સમગ્ર ભારતમાં લાગુ પડતી નથી. તે તમિલનાડુની વિશેષ કાનૂની જોગવાઈ છે અને પુડુચેરીમાં પણ આવી જ જોગવાઈ છે. આથી આ લગ્ન પદ્ધતિની કાનૂની માન્યતા અંગે રાજ્ય અને લાગુ પડતા કાયદાકીય નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે.
From Samantha to Dia Mirza: સામંથા અને જિયા માણેકે પસંદ કરી ભૂત શુદ્ધિ વિવાહ પદ્ધતિ
અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ ફિલ્મમેકર રાજ નિદિમોરુ સાથે 1 ડિસેમ્બર 2025ના રોજ કોઈમ્બતૂર સ્થિત ઈશા યોગ કેન્દ્રના લિંગ ભૈરવી મંદિરમાં ભૂત શુદ્ધિ વિવાહ કર્યો હતો. આ લગ્ન સમારોહમાં આશરે 30 નજીકના સંબંધીઓ અને મિત્રો હાજર રહ્યા હતા. ભૂત શુદ્ધિ વિવાહ યોગિક પરંપરા પર આધારિત છે. તેમાં માનવ શરીર અને અસ્તિત્વ સાથે જોડાયેલા પાંચ તત્વો એટલે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશના શુદ્ધિકરણ તથા સંતુલન પર ભાર મૂકવામાં આવે છે. આ વિધિમાં દેવીનું પેન્ડન્ટ પણ સામેલ હોય છે. આ પદ્ધતિમાં લગ્નને માત્ર સામાજિક પ્રસંગ નહીં, પરંતુ આધ્યાત્મિક જોડાણ તરીકે જોવામાં આવે છે. ‘સાથ નિભાના સાથિયા’ ફેમ અભિનેત્રી જિયા માણેકે પણ અભિનેતા વરુણ જૈન સાથે ઓગસ્ટ 2025માં ભૂત શુદ્ધિ વિવાહ કર્યો હતો. આ બંને સેલિબ્રિટી લગ્નોએ પણ આ વિશિષ્ટ લગ્ન પદ્ધતિને ચર્ચામાં લાવી હતી.
From Samantha to Dia Mirza: દિયા મિર્ઝાથી યામી ગૌતમ સુધી, લગ્નની પરંપરામાં પોતાની પસંદગી

અભિનેત્રી દિયા મિર્ઝાએ 15 ફેબ્રુઆરી 2021ના રોજ બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નની ખાસિયત એ હતી કે સમગ્ર વૈદિક વિધિ મહિલા પૂજારી શીલા અત્તાએ સંપન્ન કરાવી હતી. દિયાએ લગ્નમાં કન્યાદાન અને વિદાય જેવી વિધિઓ પણ કરી નહોતી. તેમનું માનવું હતું કે દીકરી કોઈ વસ્તુ નથી કે તેનું દાન કરવામાં આવે. લગ્ન સમારોહમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવામાં આવ્યો હતો અને સજાવટ માટે કુદરતી તથા બાયોડિગ્રેડેબલ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીજી તરફ, આમિર ખાનની પુત્રી ઈરા ખાનના લગ્ન પણ અનોખા અંદાજને કારણે ચર્ચામાં રહ્યા હતા. જાન્યુઆરી 2024માં ઈરા સાથે લગ્ન કરવા માટે નૂપુર શિખરે ઘોડી પર બેસવાને બદલે જિમ વેસ્ટ, શોર્ટ્સ અને સ્પોર્ટ્સ શૂઝ પહેરીને આશરે 8 કિલોમીટર દોડીને લગ્નસ્થળે પહોંચ્યા હતા. વ્યવસાયે ફિટનેસ ટ્રેનર નૂપુરે પોતાની જીવનશૈલીને જ લગ્નની જાનનો ભાગ બનાવી હતી. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે એપ્રિલ 2022માં મુંબઈમાં પોતાના ઘરની બાલ્કનીમાં પરિવારજનો અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. આલિયાએ પરંપરાગત લાલ લહેંગાને બદલે આઇવરી ઓર્ગેન્ઝા સાડી પહેરી હતી. યામી ગૌતમ અને આદિત્ય ધરે જૂન 2021માં હિમાચલ પ્રદેશમાં યામીના ઘરે ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. યામીએ પોતાની માતાની સાડી પહેરીને પરંપરાગત પહાડી રીતરિવાજો મુજબ લગ્ન કર્યા હતા.
આ તમામ ઉદાહરણો દર્શાવે છે કે લગ્નની ઉજવણીમાં હવે વ્યક્તિગત પસંદગી, સાદગી, સમાનતા અને આધ્યાત્મિક માન્યતાઓને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે. કોઈ સેલિબ્રિટી પરંપરાગત વિધિઓમાં ફેરફાર કરી રહી છે તો કોઈ નાનકડા સમારોહને પ્રાથમિકતા આપી રહી છે. આમ, લગ્નનો ટ્રેન્ડ હવે માત્ર ભવ્ય આયોજન પૂરતો મર્યાદિત ન રહેતાં વ્યક્તિગત વિચારધારા અને પસંદગી સાથે જોડાઈ રહ્યો છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અંડર-19 એશિયા કપમાં ભારતની શાનદાર જીત: ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી નવમી વખત ખિતાબ જીત્યો

