HomeGujaratIPL Expansion 2028: IPLમાં ગુજરાતની વધુ એક ટીમની એન્ટ્રીની ચર્ચા: 2028થી બે...

IPL Expansion 2028: IPLમાં ગુજરાતની વધુ એક ટીમની એન્ટ્રીની ચર્ચા: 2028થી બે નવી ફ્રેન્ચાઇઝી ઉમેરવાની તૈયારી, વડોદરા અને પુણેના નામ ચર્ચામાં

IPL Expansion 2028: ભારતીય ક્રિકેટપ્રેમીઓ માટે IPLને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLમાં આગામી 2028ની સીઝનથી બે નવી ટીમ ઉમેરવાની શક્યતા અંગે ચર્ચા તેજ બની છે. મીડિયા અહેવાલો અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) લીગના વિસ્તરણ અંગે વિચારણા કરી રહ્યું છે. જો આ યોજના અમલમાં આવે તો IPLમાં હાલની 10 ટીમોની સંખ્યા વધીને 12 થઈ શકે છે. ખાસ વાત એ છે કે નવી ફ્રેન્ચાઇઝીની રેસમાં ગુજરાતના વડોદરા શહેરનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. વડોદરાની સાથે પુણેને પણ નવી ટીમ માટેના સંભવિત શહેરોમાં અગ્રસ્થાન આપવામાં આવી રહ્યું છે. જોકે, આ અંગે હજુ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી અને સમગ્ર પ્રક્રિયા પ્રારંભિક તબક્કામાં હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

IPL Expansion 2028: નવી ટીમની કિંમત ₹8,900 કરોડથી વધુ રહેવાની શક્યતા

IPL Expansion 2028

નવી IPL ફ્રેન્ચાઇઝીની કિંમત એક અબજ અમેરિકન ડોલર એટલે કે ભારતીય ચલણ પ્રમાણે આશરે ₹8,900 કરોડથી પણ વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તાજેતરમાં RCBનું વેચાણ 1.78 બિલિયન ડોલર અને રાજસ્થાન રોયલ્સનું વેચાણ આશરે 1.65 બિલિયન ડોલરની વેલ્યુએશન પર થયું હોવાના અહેવાલો બાદ IPL ટીમોની બજારકિંમતને લઈને રોકાણકારોમાં રસ વધ્યો છે. નવી ટીમ ખરીદવા માટે પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ, વેસ્ટ એશિયાના સોવેરિન વેલ્થ ફંડ, અમેરિકન ફેમિલી ઑફિસ અને ભારતીય બિઝનેસ ગ્રુપ્સ રસ દાખવી રહ્યાં હોવાનું કહેવાય છે. આ સંભવિત રોકાણકારોમાં પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ પરમિરાનું નામ પણ ચર્ચામાં છે.

IPL Expansion 2028: 2022માં ગુજરાત ટાઇટન્સે પ્રથમ જ સિઝનમાં જીત્યું હતું ટાઇટલ

IPLમાં છેલ્લે 2022ની સીઝન પહેલાં બે નવી ફ્રેન્ચાઇઝીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. લખનઉ સુપર જાયન્ટ્સને RPSG ગ્રુપે 940 મિલિયન ડોલરમાં ખરીદી હતી, જ્યારે ગુજરાત ટાઇટન્સની માલિકી CVC કેપિટલ પાર્ટનર્સે 750 મિલિયન ડોલરમાં મેળવી હતી. ગુજરાત ટાઇટન્સે પોતાની પ્રથમ જ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરીને હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ IPL 2022નું ટાઇટલ જીતી લીધું હતું. હવે વડોદરાની નવી ટીમ અંગેની ચર્ચાએ ગુજરાતના ક્રિકેટપ્રેમીઓમાં પણ ઉત્સુકતા જગાવી છે.

IPL Expansion 2028: IPLના આગામી મીડિયા રાઇટ્સ સાથે જોડાયેલી યોજના

2028થી 2032ના આગામી મીડિયા રાઇટ્સ સાયકલને ધ્યાનમાં રાખીને ટીમોની સંખ્યા વધારવાની ચર્ચા થઈ રહી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. IPLના 2023થી 2027ના વર્તમાન મીડિયા રાઇટ્સ 6.2 બિલિયન ડોલરમાં વેચાયા હતા. જોકે, નવી ટીમો ઉમેરતા પહેલાં BCCIએ અનેક મહત્વપૂર્ણ પાસાઓ પર વિચાર કરવો પડશે. તેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું વ્યસ્ત કેલેન્ડર, ખેલાડીઓની ઉપલબ્ધતા અને બ્રોડકાસ્ટર્સની રુચિનો સમાવેશ થાય છે. બે ટીમ વધવાથી ટૂર્નામેન્ટમાં મેચોની સંખ્યા પણ વધશે, જેના કારણે પ્રસારણ અને આયોજન ખર્ચમાં વધારો થઈ શકે છે.

IPL Expansion 2028: પુણેમાં અગાઉ પણ IPLની ટીમો રમી ચૂકી છે

IPL Expansion 2028

પુણે શહેર IPL માટે નવું નથી. અહીં અગાઉ બે ફ્રેન્ચાઇઝી પોતાની હાજરી નોંધાવી ચૂકી છે. પુણે વૉરિયર્સ ઇન્ડિયાએ 2011થી 2013 સુધી IPLમાં ભાગ લીધો હતો. ત્યારબાદ 2016 અને 2017માં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સે લીગમાં ભાગ લીધો હતો. આ ટીમ 2017માં ફાઇનલ સુધી પહોંચી હતી, પરંતુ રોમાંચક મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સ સામે માત્ર એક રનથી હારી ગઈ હતી.

હાલમાં વડોદરા અને પુણેમાંથી કયા શહેરને નવી ફ્રેન્ચાઇઝી મળશે તે અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી. જોકે, જો વડોદરાને IPLની ટીમ મળે તો ગુજરાત ટાઇટન્સ બાદ રાજ્યને બીજી IPL ફ્રેન્ચાઇઝી મળવાની શક્યતા ઊભી થશે. આથી ગુજરાતના ક્રિકેટપ્રેમીઓની નજર હવે BCCIના આગામી નિર્ણય પર રહેશે.

વધુ સામાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અનાજની વૈશ્વિક હેરફેરને સરળ બનાવવા ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ બની શકે, યુક્રેન મધ્યસ્થી માટે તૈયાર

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments