Gujarat Bomb Threats: ગુજરાતમાં ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેઇલ મળતાં સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. અમદાવાદ, સુરત અને વડોદરાની વિવિધ બેંકોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. બેંક ઓફ બરોડા (BOB) અને બેંક ઓફ ઈન્ડિયા (BOI)ની શાખાઓને ધમકીભર્યા ઈમેઇલ મળતાં સ્થાનિક પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS), ડોગ સ્ક્વોડ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો તપાસ માટે દોડી ગઈ હતી. સુરક્ષાના ભાગરૂપે કેટલીક બેંકોમાં કર્મચારીઓ અને ગ્રાહકોને બહાર કાઢીને પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, ધમકીભર્યા ઈમેઇલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 21 નવેમ્બરે યોજાનારા દિલજીત દોસાંઝના કોન્સર્ટ, અમદાવાદ મેટ્રો અને મુંબઈમાં અમિતાભ બચ્ચનના બંગલા ‘જલસા’ને પણ નિશાન બનાવવાની ધમકીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Gujarat Bomb Threats: અમદાવાદની બેંક ઓફ ઈન્ડિયાની નવરંગપુરા બ્રાંચને ધમકી
અમદાવાદમાં બેંક ઓફ ઈન્ડિયાની નવરંગપુરા શાખાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેઇલ મળ્યો છે. આ ઈમેઇલમાં બેંક ઉપરાંત અમદાવાદ મેટ્રો અને 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા પંજાબી ગાયક દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં બ્લાસ્ટ કરવાની ધમકીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકારની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સંબંધિત સ્થળોની સુરક્ષા અને તપાસ અંગે તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે.

Gujarat Bomb Threats: સુરતના ઘોડદોડ રોડ પર આવેલી બેંક ઓફ બરોડાને ધમકી
સુરતના પોશ અને વ્યસ્ત ગણાતા ઘોડદોડ રોડ પર આવેલી બેંક ઓફ બરોડાની શાખાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેઇલ મળ્યો છે. બેંકના સત્તાવાર ઈમેઇલ એકાઉન્ટ પર અજાણ્યા શખ્સ દ્વારા ધમકીભર્યો સંદેશ મોકલવામાં આવતાં બેંક સંચાલકોમાં ચિંતા ફેલાઈ હતી. બેંક દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.
સુરક્ષાના ભાગરૂપે બેંકમાં હાજર તમામ કર્મચારીઓ અને સ્ટાફને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા બેંકના દરેક ખૂણાની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા બેંક પરિસર અને આસપાસના વિસ્તારમાં પણ તકેદારી રાખવામાં આવી હતી. ધમકીભર્યો ઈમેઇલ મોકલનારની ઓળખ મેળવવા માટે સાયબર ક્રાઈમની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે.

Gujarat Bomb Threats: વડોદરાની બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ બરોડાને પણ ધમકી
વડોદરા શહેરમાં પણ બે અલગ-અલગ બેંકોને ધમકીભર્યા ઈમેઇલ મળતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું. રાવપુરા રોડ પર આવેલી બેંક ઓફ ઈન્ડિયા અને સયાજીગંજ વિસ્તારમાં સૂરજ પ્લાઝા બિલ્ડિંગમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખાને નિશાન બનાવવામાં આવી હતી. આ ઉપરાંત ગોરવા વિસ્તારમાં આવેલી બેંક ઓફ ઈન્ડિયાની શાખાને પણ ધમકીભર્યો ઈમેઇલ મળ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી.
સયાજીગંજની બેંક ઓફ બરોડાના મેનેજર એસ.કે. ત્યાગીના જણાવ્યા અનુસાર, બેંકના સત્તાવાર Gmail એકાઉન્ટ પર અજાણ્યા શખ્સ દ્વારા ધમકીભર્યો ઈમેઇલ મોકલવામાં આવ્યો હતો. ઈમેઇલની જાણ થતાં જ બેંક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને સુરક્ષાના ભાગરૂપે સમગ્ર સ્ટાફને બહાર કાઢીને બેંક ખાલી કરાવવામાં આવી હતી.

Gujarat Bomb Threats: BDS, SOG અને પોલીસની ટીમો દ્વારા સઘન તપાસ
વડોદરાના DCP ઝોન-1 ડૉ. જે.એમ. ચાવડાએ જણાવ્યું હતું કે, બેંક ઓફ બરોડાના અધિકૃત વ્યક્તિ દ્વારા વડોદરા પોલીસ કંટ્રોલ રૂમને બોમ્બ થ્રેટ ઈમેઇલ અંગે જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ સ્થાનિક પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સયાજીગંજ પોલીસ સ્ટેશન હેઠળના સૂરજ પ્લાઝા બિલ્ડિંગમાં આવેલી બેંકની શાખામાં સ્થાનિક પોલીસ, BDS અને SOGની ટીમો દ્વારા અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ‘સીરા કોન્તે’ (Sira Conte) નામથી અને conte734@gmail.com ઈમેઇલ આઈડી પરથી ધમકીભર્યો સંદેશ મોકલવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. વડોદરા શહેરની અન્ય બેંકોમાં પણ આ પ્રકારના ઈમેઇલ મળ્યા હોવાની માહિતી મળતાં અલગ-અલગ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

Gujarat Bomb Threats: 21 અને 27 નવેમ્બરની તારીખોનો ઉલ્લેખ
ધમકીભર્યા ઈમેઇલમાં આગામી તારીખોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. તેમાં 21 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને 27 નવેમ્બરે મુંબઈમાં અમિતાભ બચ્ચનના બંગલા ‘જલસા’ ખાતે બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હોવાનો ઉલ્લેખ છે. આ ઉપરાંત ઈમેઇલમાં ‘ખાલિસ્તાન નેશનલ આર્મી’ અને ‘બબ્બર ખાલસા’ નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, ઈમેઇલમાં કરવામાં આવેલા આવા દાવાઓની સત્યતા અંગે તપાસ ચાલી રહી છે. માત્ર ઈમેઇલમાં નામનો ઉલ્લેખ થવાથી કોઈ સંગઠનની સંડોવણી સાબિત થતી નથી.

Gujarat Bomb Threats: અગાઉ હાઈકોર્ટ અને CM ઓફિસને પણ મળી હતી ધમકી
ઉલ્લેખનીય છે કે, 6 નવેમ્બરે ગુજરાત હાઈકોર્ટ અને મુખ્યમંત્રી કાર્યાલયને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેઇલ મળ્યો હતો. તે સમયે પણ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. છેલ્લા 11 મહિનામાં ગુજરાતમાં અલગ-અલગ સ્થળોને નિશાન બનાવીને આશરે 10 જેટલા ધમકીભર્યા ઈમેઇલ મળ્યા હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.
હાલમાં બેંકોને મળેલા ઈમેઇલના આધારે સાયબર ક્રાઈમની મદદથી મોકલનારની ઓળખ, ઈમેઇલના સ્ત્રોત અને સંભવિત સંડોવણી અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વિવિધ સ્થળોએ તપાસ અને સુરક્ષા ચકાસણી પૂર્ણ થયા બાદ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વારંવાર મળી રહેલી આવી ધમકીઓના પગલે રાજ્યની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

