Haridwar Ardh Kumbh 2027: ઉત્તરાખંડના હરિદ્વારમાં અર્ધકુંભ મેળા 2027ની તૈયારીઓ વચ્ચે આશરે ₹40 લાખની કિંમતનો હાઇટેક ડ્રોન ગુમ થવાની ઘટના સામે આવી છે. અર્ધકુંભની તૈયારીઓ માટે મેપિંગ અને અન્ય ટેક્નિકલ કામગીરીમાં ઉપયોગ કરવા IIT રૂડકીથી આ ડ્રોન લાવવામાં આવ્યો હતો. જોકે, ઉડાન ભર્યા બાદ ડ્રોનનો સંપર્ક તૂટી ગયો હતો અને ત્યારબાદ તેની કોઈ ભાળ મળી નથી. આ ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્રમાં ચિંતા ફેલાઈ છે.
Haridwar Ardh Kumbh 2027: ભોપતવાલા વિસ્તારમાં છેલ્લું લોકેશન

અહેવાલો અનુસાર, ડ્રોનનું છેલ્લું લોકેશન હરિદ્વારના ઉત્તર વિસ્તારમાં આવેલા ભોપતવાલામાં નોંધાયું હતું. ત્યારબાદ તેની શોધખોળ કરવામાં આવી, પરંતુ સફળતા મળી નહોતી. ડ્રોન જંગલ વિસ્તારમાં પડ્યો હોવાની અથવા આસપાસના રહેણાક વિસ્તારમાં પડ્યા બાદ કોઈ તેને લઈ ગયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ અંગે હજી કોઈ અંતિમ પુષ્ટિ થઈ નથી.
Haridwar Ardh Kumbh 2027: પોલીસે તપાસ શરૂ કરી

ડ્રોનનો પત્તો નહીં મળતાં હરિદ્વારની શહેર કોતવાલીમાં કેસ નોંધાવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ડ્રોનની શોધખોળ અને ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. ડ્રોન કયા કારણોસર ગુમ થયું, તેમાં ટેક્નિકલ ખામી હતી કે અન્ય કોઈ કારણ જવાબદાર છે, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
અર્ધકુંભ 2027ની તૈયારીઓમાં મેપિંગ જેવી કામગીરી માટે આ ડ્રોન ઉપયોગી હોવાથી તેની શોધખોળને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સોના-ચાંદીના ભાવમાં ફરી તેજી: MCX પર સોનું ₹1.50 લાખને પાર, ચાંદીમાં પણ જોરદાર ઉછાળો

