Trouble for GIFT City WTC: ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી (GIFT City)ના પ્રતિષ્ઠિત વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) પ્રોજેક્ટ સામે ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (GujRERA) દ્વારા આકરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમયમર્યાદા વીતી જવા છતાં ટાવર A, B અને Dનું બાંધકામ અધૂરું રહેતાં અને નિયમોનું ઉલ્લંઘન થતાં રેરાએ પ્રોજેક્ટનું બેન્ક એકાઉન્ટ તાત્કાલિક અસરથી ફ્રીઝ કરી દીધું છે તેમજ કોઈપણ નવા યુનિટના વેચાણ કે બુકિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે.

Trouble for GIFT City WTC: પ્રોજેક્ટની સમયમર્યાદા પૂર્ણ, છતાં કામ અધૂરું
આ સમગ્ર વિવાદની વિગતો મુજબ, WTC નોઈડા ડેવલપમેન્ટ કંપની દ્વારા ગિફ્ટ સિટીના નોન-સેઝ (Non-SEZ) વિસ્તારમાં બ્લોક-51 હેઠળ આ પ્રોજેક્ટનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું. ગિફ્ટ સિટી ઓથોરિટી દ્વારા ડેવલપરને વર્ષ ૨૦૧૪માં બાંધકામ માટેની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટેની નિર્ધારિત સમયમર્યાદા ૩૦ જૂન, ૨૦૨૪ના રોજ જ સમાપ્ત થઈ ગઈ હતી.
મુદત પૂરી થયા બાદ પણ ડેવલપર દ્વારા બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું નહોતું અને નિયમ મુજબનો કમ્પ્લાયન્સ રિપોર્ટ પણ રેરા સમક્ષ રજૂ કરાયો નહોતો. રેરા દ્વારા ૨૪ માર્ચ, ૨૦૨૬ના રોજ એક સામાન્ય આદેશ જારી કરીને પ્રમોટરને બાંધકામ પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી હતી. આમ છતાં ડેવલપર દ્વારા કોઈ સકારાત્મક પગલાં લેવાયાં નહોતાં કે આ આદેશ સામે એપેલેટ ટ્રિબ્યુનલમાં કોઈ અપીલ પણ દાખલ કરવામાં આવી નહોતી.

Trouble for GIFT City WTC: રેરા દ્વારા લેવાયેલાં કડક પગલાં
ડેવલપરની આ ગંભીર બેદરકારી સામે રેરાએ સખત વલણ અપનાવી નીચે મુજબના આદેશો કર્યા છે:
- પ્રોજેક્ટના ડેઝિગ્નેટેડ RERA બેન્ક એકાઉન્ટને તાત્કાલિક અસરથી ફ્રીઝ કરવામાં આવ્યું છે.
- પ્રોજેક્ટમાં કોઈપણ નવા યુનિટનું બુકિંગ લેવા કે વેચાણ કરવા પર સંપૂર્ણ રોક લગાવાઈ છે.
- પ્રમોટરનું સત્તાવાર RERA પોર્ટલ એક્સેસ રદ કરી દેવામાં આવ્યું છે.
- બાકી રહેલા અધૂરા બાંધકામને અન્ય વિકલ્પો દ્વારા પૂર્ણ કરવા માટે વિચારણા શરૂ કરવામાં આવી છે.
Trouble for GIFT City WTC: ૧૧૬૮ જેટલા ખરીદદારોની મૂડી અટવાઈ
આ પ્રોજેક્ટ કોમર્શિયલ ઓફિસ સ્પેસ માટે ખૂબ મોટો ગણાય છે. મૂળ યોજનામાં ચાર ટાવર—A, B, C અને Dનો સમાવેશ થાય છે. જેમાં ટાવર A, B અને D હેઠળ કુલ ૧,૧૮૮ જેટલા કોમર્શિયલ યુનિટ્સ નોંધાયેલા છે, જેમાંથી ૧,૧૬૮ જેટલા યુનિટ્સનું બુકિંગ થઈ ચૂક્યું છે. બાંધકામ સમયસર પૂરું ન થતાં આટલી મોટી સંખ્યામાં રોકાણકારો અને ફાળવણીકારો પોતાના યુનિટના પઝેશન (કબજા) માટે વર્ષોથી રાહ જોઈ રહ્યા છે. આ સિવાય અલગ રેરા રજિસ્ટ્રેશન ધરાવતા ટાવર Cમાં પણ ૩૧૨માંથી ૩૧૧ યુનિટ બુક હોવા છતાં બાંધકામ માત્ર આશરે ૨૮ ટકા જેટલું જ થયું હોવાનું સામે આવ્યું છે.
Trouble for GIFT City WTC: કલમ-૮ હેઠળ અસરગ્રસ્તો પાસેથી દાવા મંગાવાયા
ફાળવણીકારો અને નિર્દોષ ખરીદદારોના હિતોનું રક્ષણ કરવા માટે રેરાએ હવે રેરા એક્ટની કલમ-૮ હેઠળ અધૂરું બાંધકામ પોતાના હસ્તક લઈને કે અન્ય એજન્સી દ્વારા પૂરું કરાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ માટે રેરા દ્વારા જાહેર નોટિસ બહાર પાડીને અસરગ્રસ્ત પક્ષકારો અને ફાળવણીકારો પાસેથી વાંધા તેમજ દાવા મંગાવવામાં આવ્યા છે. તમામ અસરગ્રસ્તો ૨ નવેમ્બર, ૨૦૨૬ સુધીમાં ડિજિટલ માધ્યમથી અથવા ગાંધીનગર સ્થિત ગુજરાત રેરાની કચેરીમાં રૂબરૂ લેખિત દાવા રજૂ કરી શકશે.
Trouble for GIFT City WTC: કેન્દ્રીય એજન્સીઓની તપાસ અને એગ્રીમેન્ટ રદ
પ્રમોટરની મુશ્કેલીઓ માત્ર બાંધકામ પૂરતી સીમિત નથી. રેરાની નોટિસ અનુસાર, પ્રમોટર સામે નાણાકીય ગેરરીતિઓને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સહિતની કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા પણ તપાસ ચાલી રહી છે. સ્થાનિક ઓથોરિટી દ્વારા ગત ૪ જૂન, ૨૦૨૫ના રોજ પ્રમોટર સાથેનો યુઝર્સ એગ્રીમેન્ટ પહેલેથી જ રદ કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત WTC ટ્રેડમાર્કના ઉપયોગ બાબતે દિલ્હી હાઈકોર્ટના આદેશોના પાલનનો વિવાદ પણ ઊભો થયો છે. સ્થિતિની ગંભીરતા જોતાં પ્રોજેક્ટના મોટાભાગના ખરીદદારોએ પોતાના હિતોના રક્ષણ માટે અલગથી સોસાયટીની નોંધણી પણ કરાવી લીધી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

