No Logbooks Maintained: જૂનાગઢમાં યોજાયેલા ભવનાથ મહાશિવરાત્રિ મેળામાં સરકારી નાણાંના આડેધડ ખર્ચનો વધુ એક ગંભીર વિવાદ સામે આવ્યો છે. મેળામાં કલાકારો પાછળ લાખો રૂપિયાની લ્હાણી કરવાના વિવાદની શાહી હજી સુકાઈ નથી, ત્યાં VVIP લોકોને માત્ર 6 કિલોમીટરના અંતરે લાવવા-લઈ જવા માટે વાહનો પાછળ 20 લાખ રૂપિયાથી વધુનો માતબર ખર્ચ કરાયો હોવાનો ઘટસ્ફોટ થયો છે. એક તરફ તંત્રે ‘VVIP કલ્ચર નાબૂદ’ કરવાના મોટા દાવા કર્યા હતા, ત્યારે બીજી તરફ થયેલા આ તોતિંગ ખર્ચે અનેક સવાલો ઊભા કર્યા છે.

No Logbooks Maintained: RTIમાં ભાંડો ફૂટ્યો: કુલ ₹35.58 લાખનો વાહન ખર્ચ
જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણા દ્વારા જૂનાગઢ RTO કચેરી પાસેથી RTI (માહિતી અધિકાર) હેઠળ માંગવામાં આવેલી વિગતોમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. મેળવેલી માહિતી મુજબ, શિવરાત્રિ મેળા દરમિયાન વિવિધ વાહન સેવાઓ ભાડે રાખવા પાછળ કુલ ₹35,58,044નો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. આ કુલ રકમમાંથી માત્ર નેતાઓ અને VVIP લોકો માટે અર્બેનિયા અને અન્ય લક્ઝુરિયસ ગાડીઓ પાછળ જ ₹20 લાખથી વધુની રકમ ખર્ચી નાખવામાં આવી છે.
No Logbooks Maintained: VVIP પગપાળા ગયા તો વાહનોનો ખર્ચ કોના નામે?
વિરોધ પક્ષે આક્ષેપ કર્યો છે કે મેળા દરમિયાન મોટાભાગના નેતાઓ અને મહાનુભાવો પગપાળા જતા હોવાના દાવા અને તસવીરો સામે આવી હતી. જો VVIPs પગપાળા ગયા હતા, તો પછી તેમના નામે અર્બેનિયા અને મોંઘીદાટ ગાડીઓનું લાખો રૂપિયાનું ભાડું કોણે અને કેમ ચૂકવ્યું? એક તરફ કડકડતી ઠંડીમાં દૂર-દૂરથી આવેલા સામાન્ય શ્રદ્ધાળુઓ, વૃદ્ધો અને દિવ્યાંગો માટે પરિવહનની પૂરતી વ્યવસ્થા ન હોવાથી તેઓ રઝળી પડ્યા હતા, જ્યારે બીજી તરફ જનતાના ટેક્સના પૈસા વીઆઈપી સરભરા પાછળ વેડફાયા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
No Logbooks Maintained: બિલોમાં ગરબડ અને લોગબુક જ ગાયબ
આ સમગ્ર મામલે સૌથી મોટી ગેરરીતિ લોગબુક અને વાહનોના બિલિંગમાં સામે આવી છે. સરકારી નિયમો અનુસાર ભાડે રાખેલા કોઈપણ વાહન માટે વિગતવાર લોગબુક અને રજિસ્ટર નિભાવવું કાયદેસર રીતે ફરજિયાત છે. પરંતુ આશ્ચર્યજનક રીતે કયા VIPએ કયા વાહનમાં મુસાફરી કરી તેની કોઈ લોગબુક જ રાખવામાં આવી નથી. આ ઉપરાંત એક જ અર્બેનિયા ગાડીના એક દિવસના અને પાંચ દિવસના ભાડાના બિલોમાં મોટો તફાવત જોવા મળ્યો છે. આ ગેરરીતિઓની ગંભીરતા જોતાં સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ તેજ બની છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

