Onion Prices in Focus: દેશમાં ડુંગળીના ભાવને લઈને ફરી ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યાં છે. સરકારના બફર સ્ટોકમાં રાખવામાં આવેલી ડુંગળીનો મોટો જથ્થો બગડી ગયો હોવાના દાવા વચ્ચે આગામી દિવસોમાં બજારમાં પુરવઠો ઘટે તો ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અહેવાલ મુજબ, સરકારના આશરે 1.2 લાખ ટન ડુંગળીના બફર સ્ટોકમાંથી લગભગ 40 ટકા ડુંગળી બગડી હોવાનું કહેવાઈ રહ્યું છે. કમોસમી વરસાદ અને સંગ્રહ દરમિયાન થયેલા નુકસાનને કારણે સ્ટોક પર અસર પડી હોવાનું જણાવવામાં આવે છે. જો બજારમાં આવક ઘટે અને માંગ યથાવત રહે તો ડુંગળીના ભાવ પર સીધી અસર પડી શકે છે.
Onion Prices in Focus: ભાવ કાબૂમાં રાખવા ‘કાંદા એક્સપ્રેસ’

ભાવ વધવાની શક્યતા વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા મોટા શહેરોમાં પુરવઠો જાળવી રાખવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. લાસલગાંવથી દિલ્હી, કોલકાતા અને ચેન્નઈ તરફ ‘કાંદા એક્સપ્રેસ’ મારફતે ડુંગળી મોકલવામાં આવી રહી છે.
આ વ્યવસ્થાનો હેતુ મુખ્ય બજારોમાં ડુંગળીનો પૂરતો પુરવઠો જાળવી રાખવાનો અને અચાનક ભાવવધારો અટકાવવાનો છે.
Onion Prices in Focus: ₹35 પ્રતિ કિલોના ભાવે સબ્સિડીવાળી ડુંગળી
ગ્રાહકોને રાહત આપવા સરકાર દ્વારા ₹35 પ્રતિ કિલોના સબ્સિડીવાળા દરે ડુંગળીનું વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે. મોટા શહેરોમાં સરકારના આ હસ્તક્ષેપથી છૂટક બજારમાં ભાવને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
Onion Prices in Focus: કમોસમી વરસાદથી સંગ્રહ પર અસર

ડુંગળીના ઉત્પાદનમાં હવામાનની ભૂમિકા ખૂબ મહત્વની છે. કમોસમી વરસાદને કારણે તૈયાર પાક, પરિવહન અને સંગ્રહ—ત્રણે તબક્કે નુકસાન થવાની શક્યતા રહે છે. લાંબા સમય સુધી યોગ્ય સ્થિતિમાં સંગ્રહ ન થાય તો ડુંગળી ઝડપથી બગડી શકે છે.
હવે બજારની આવક પર રહેશે નજર
આગામી દિવસોમાં ડુંગળીની નવી આવક કેટલી રહે છે અને સરકાર કેટલો બફર સ્ટોક બજારમાં ઉતારે છે તેના પર ભાવની દિશા નિર્ભર રહેશે. જો આવકમાં મોટો ઘટાડો થાય અને બગડેલા સ્ટોકને કારણે ઉપલબ્ધ જથ્થો ઘટે તો ડુંગળીના ભાવ ફરી સામાન્ય ગ્રાહકોના બજેટ પર ભાર મૂકી શકે છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: હિમાલયમાં છુપાયેલા ‘જળબોમ્બ’! 63 હજારથી વધુ ગ્લેશિયર, ગ્લેશિયર લેક બની રહ્યા છે મોટો ખતરો

