Ayesha Gilani Murder: પાકિસ્તાનની જાણીતી ઇન્ફ્લુએન્સર અને ટિકટોકર આયેશા ગિલાનીની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. 28 વર્ષની આયેશાના સોશિયલ મીડિયા પર 13 લાખથી વધુ ફોલોઅર્સ હોવાનું જણાવવામાં આવે છે. મળતી માહિતી મુજબ, આયેશા કાર ચલાવીને જઈ રહી હતી ત્યારે બે અજાણ્યા બાઈકસવારોએ તેની ચાલતી કાર પર ગોળીબાર કર્યો હતો. ગોળી વાગ્યા બાદ કાર બેકાબૂ બનીને રસ્તા પરથી ઉતરી ગઈ હતી. હવે સમગ્ર ઘટનાનો CCTV વીડિયો પણ સામે આવ્યો છે.
Ayesha Gilani Murder: એક ફોન કૉલ બાદ ઘરેથી નીકળી હતી

મળતી માહિતી અનુસાર, ઘટનાના થોડા સમય પહેલાં આયેશાના મોબાઈલ પર એક ફોન કૉલ આવ્યો હતો. પરિવાર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, કાશિફ ઉર્ફે કાશી નામના વ્યક્તિએ આયેશાને મળવા માટે બહાર બોલાવી હતી. ત્યારબાદ આયેશા પોતાની 15 વર્ષની નાની બહેન અને નાના ભાઈ નૈમતુલ્લાહ સાથે કારમાં ઘરેથી નીકળી હતી.
આયેશા પોતે કાર ચલાવી રહી હતી. ઘરેથી નીકળ્યાના થોડા સમય બાદ જ બે બાઈકસવારોએ તેમની કારનો પીછો કરી ગોળીબાર શરૂ કર્યો હોવાની માહિતી સામે આવી છે.
Ayesha Gilani Murder: ચાલતી કારમાં ગોળીઓ વરસાવી

CCTVમાં જોવા મળતી માહિતી મુજબ, બે શખ્સોએ કાર પર ગોળીબાર કર્યો હતો. ફાયરિંગ દરમિયાન આયેશાને ગરદનમાં ગોળી વાગી હતી. ગોળી વાગતાં કાર બેકાબૂ થઈને રસ્તા પરથી નીચે ઉતરી ગઈ હતી. ગંભીર ઈજાઓને કારણે આયેશાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેની નાની બહેન પણ ઈજાગ્રસ્ત થઈ હતી.
ઘટનાની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. આયેશાના પિતાએ હોસ્પિટલમાં તેના મૃતદેહની ઓળખ કરી હતી.
Ayesha Gilani Murder: પૈસાની લેવડદેવડને લઈને ધમકીઓનો આક્ષેપ

આયેશાના પરિવાર દ્વારા પોલીસમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે છેલ્લા કેટલાક દિવસોથી તેને ધમકીઓ મળી રહી હતી. ફરિયાદમાં કૌસર અને જાવેદ નામના બે વ્યક્તિઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પરિવારનો આક્ષેપ છે કે પૈસાની લેવડદેવડના મુદ્દે આયેશાને ધમકાવવામાં આવતી હતી. આ મામલે ઇસ્લામાબાદમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હોવાનું જણાવવામાં આવે છે. હવે પોલીસ આ જૂના વિવાદ અને તાજેતરની હત્યા વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરી રહી છે.
Ayesha Gilani Murder: હત્યાના CCTVથી તપાસમાં મદદ મળશે

ધોળા દિવસે થયેલી આ હત્યાનો CCTV વીડિયો સામે આવતા પોલીસની તપાસમાં મહત્વની કડી મળી શકે છે. હુમલાખોરો કોણ હતા, આયેશાને ફોન કરીને બહાર કોણે બોલાવી હતી અને હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
હાલ સમગ્ર મામલે પરિવારના આક્ષેપો, CCTV ફૂટેજ અને પોલીસ ફરિયાદના આધારે તપાસ આગળ વધી રહી છે. આયેશાના મોટી સંખ્યામાં સોશિયલ મીડિયા ફોલોઅર્સ હોવાથી તેની હત્યાના સમાચાર બાદ સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા જોવા મળી રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: પાઉટ એક્સપ્રેશનની મજાક પડી ભારે, લાઈવ ટીવી પર માંજરેકર-કાર્તિક વચ્ચે ચકમક

