New Traffic Challan Rules in Gujarat: ગુજરાત સરકાર અને રાજ્ય પોલીસે ટ્રાફિક નિયમોના પાલનને વધુ સચોટ, પારદર્શક અને ઝડપી બનાવવા માટે ૧૨ ઓગસ્ટ, ૨૦૨૬થી રાજ્યમાં અત્યાધુનિક “નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમ” અમલમાં મૂકી દીધી છે. આ નવી વ્યવસ્થા હેઠળ ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ-ચલણ મોકલવાની પ્રક્રિયાથી લઈને વાહન ડિટેઈન કરવા સુધીના કડક નિયમો નક્કી કરવામાં આવ્યા છે, જેની માહિતી દરેક વાહનચાલક માટે જાણવી અત્યંત આવશ્યક છે.

New Traffic Challan Rules in Gujarat: સમયમર્યાદા અને ડિજિટલ પહોંચ
નવી સિસ્ટમ અમલમાં આવ્યા બાદ હવે ટ્રાફિક પોલીસ દ્વારા નિયમભંગ કરનાર વાહનચાલક સુધી સમયસર દંડ પહોંચાડવા માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરાઈ છે. આ નિયમ મુજબ વાહનચાલકોને ડિજિટલ ઈ-ચલણ માત્ર ૩ દિવસમાં અને ભૌતિક (હાર્ડ કોપી) ચલણ ૧૫ દિવસમાં પહોંચાડવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ચલણ મળ્યા બાદ નાગરિકોને તેની ચુકવણી કરવા માટે વધારાના ૩૦ દિવસ આપવામાં આવશે.
New Traffic Challan Rules in Gujarat: ૪૫ દિવસનો મહત્વપૂર્ણ નિયમ અને વિકલ્પો
જો કોઈ વાહનચાલકને ચલણ મળ્યા બાદ ૪૫ દિવસની અંદર તે અંગે પોર્ટલ પર કોઈ વાંધો કે અરજી નહીં નોંધાવે, તો એવું સ્વીકારી લેવામાં આવશે કે તેણે આ ચલણ સ્વીકારી લીધું છે. ચલણ મળ્યા પછી નાગરિક પાસે બે મુખ્ય વિકલ્પો રહે છે: કાં તો તે ચલણની રકમ ભરી શકે છે અથવા પૂરતા દસ્તાવેજી પુરાવા સાથે ઓનલાઈન પોર્ટલ પર તેને પડકારી શકે છે. જો નાગરિક ચલણ સામે વાંધો નોંધાવે, તો પોતાનો દાવો સાચો સાબિત કરવા માટે સ્થાનિક નોટિફિકેશન, પરમિશન અથવા પ્રતિબંધ અંગેની સૂચના જેવા દસ્તાવેજો રજૂ કરવાની જવાબદારી વાહનમાલિકની રહેશે.
New Traffic Challan Rules in Gujarat: વાંધો ફગાવાય અને ખોટા ચલણનો કિસ્સો
જો સક્ષમ સત્તાધિકારી નાગરિકનો વાંધો નામંજૂર કરે, તો આદેશ મળ્યાની તારીખથી ૩૦ દિવસની અંદર દંડની રકમ ભરપાઈ કરવી પડશે. આ પ્રક્રિયામાં ચલણની રકમના ૫૦ ટકા જમા કરાવીને કાયદેસરની કાર્યવાહી માટે કોર્ટનો સંપર્ક કરવાનો વિકલ્પ પણ ખુલ્લો રહેશે. ઘણીવાર ટેકનિકલ ખામી કે કેમેરાની અસ્પષ્ટ છબીના કારણે વાહનચાલકે નિયમ ન તોડ્યો હોવા છતાં ભૂલથી ચલણ જારી થઈ શકે છે. આવા કિસ્સામાં નાગરિકો અધિકૃત વેબસાઇટના “ફરિયાદ” વિભાગમાં જઈને વાહન નંબર, ચલણ નંબર અને યોગ્ય કારણ દર્શાવીને ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકે છે.
New Traffic Challan Rules in Gujarat: વાહન ડિટેઈન અને લાયસન્સ અટકી જવાના કિસ્સાઓ
મોટર વાહન અધિનિયમના સુધારેલા નિયમ-૨૧ મુજબ, ૧ જાન્યુઆરી, ૨૦૨૬થી એક વર્ષના સમયગાળામાં પાંચ કે તેથી વધુ વખત નિયમ તોડનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે (જેમાં અગાઉના ગુના ધ્યાને લેવાશે નહીં). જો નિર્ધારિત સમયમર્યાદામાં ઈ-ચલણની ચુકવણી નહીં થાય, તો વાહન પોર્ટલ પર “Not to be Transacted” દર્શાવી દેવાશે. આ સ્થિતિમાં ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન રજિસ્ટ્રેશન જેવી મહત્વની અરજીઓની પ્રક્રિયા અટકી જશે. આ ઉપરાંત, અદાલતના આદેશ અનુસાર જવાબદાર અધિકારીઓને નિયમભંગ કરનાર વાહનને ડિટેઈન કરવાની પણ સત્તા આપવામાં આવી છે.
New Traffic Challan Rules in Gujarat: નાગરિકો માટે ખાસ અપીલ
સમયસર ઈ-ચલણ અને ટ્રાફિક ઉલ્લંઘનની માહિતી મેળવવા માટે દરેક નાગરિકે પરિવહન પોર્ટલ પર પોતાના વાહન અને ડ્રાઇવિંગ લાયસન્સ સાથે જોડાયેલો સક્રિય મોબાઇલ નંબર અપડેટ રાખવો અનિવાર્ય છે. પોલીસે તમામ વાહનમાલિકોને ચલણની સ્થિતિ નિયમિત તપાસવા અને સમયસર પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ કર્યો છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

