Gujarat Weather Update:10 દિવસના વિરામ બાદ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો, 14 ઓગસ્ટ બાદ લો પ્રેશર સિસ્ટમથી વરસાદ વધવાની શક્યતા; અંબાલાલ પટેલે 23 ઓગસ્ટ સુધી સારા વરસાદની આગાહી કરી
અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં 10 દિવસના લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે બપોર બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયા બાદ આજે વહેલી સવારથી અમદાવાદ, મહીસાગર, અમરેલી સહિતના જિલ્લાઓમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આજે 11 ઓગસ્ટે રાજ્યના પાંચ જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 14 ઓગસ્ટ બાદ લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા વ્યક્ત કરી છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાં વધવાની શક્યતા છે.

Gujarat Weather Update:અમદાવાદમાં બે કલાકમાં એક ઈંચ સુધી વરસાદ
અમદાવાદ શહેરમાં આજે સવારે 7થી 9 વાગ્યા દરમિયાન અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં કઠવાડા, નિકોલ, વસ્ત્રાલ, ઓઢવ, હંસપુરા, જશોદાનગર અને એરપોર્ટ સહિતના વિસ્તારોમાં આશરે એક ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. જ્યારે પશ્ચિમ વિસ્તારમાં પ્રહલાદનગર, જોધપુર, આનંદનગર, સોલા અને એસ.જી. હાઇવે સહિતના વિસ્તારોમાં અડધા ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.

વરસાદ અને ગાઢ વાદળછાયા વાતાવરણના કારણે શહેરના અનેક રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી ગઈ હતી. પરિણામે સવારના સમયે નોકરી-ધંધા માટે નીકળેલા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં વાહનચાલકોએ હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવું પડ્યું હતું.
Gujarat Weather Update:અમરેલીમાં પણ વરસાદી ઝાપટાં
અમદાવાદની સાથે અમરેલી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ગઈકાલે મોડી રાતથી અમરેલી શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા હતા. બાબરા તાલુકાના લુણકી, ઈંગોરાળા સહિતના ગામોમાં પણ વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
Gujarat Weather Update:મહીસાગરમાં સતત બીજા દિવસે મેઘમહેર
મહીસાગર જિલ્લામાં 10 દિવસના વિરામ બાદ શરૂ થયેલો વરસાદ આજે સતત બીજા દિવસે પણ યથાવત્ રહ્યો હતો. લુણાવાડા, ખાનપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયા બાદ કેટલાક સ્થળોએ ધોધમાર વરસાદ પણ પડ્યો હતો. બે દિવસના વરસાદથી સુકાઈ રહેલા પાકને રાહત મળતાં ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે. જોકે, જળાશયો અને તળાવો ભરાય તેમજ ખેતી માટે પૂરતો પાણીનો જથ્થો મળી રહે તે માટે ખેડૂતો હજુ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.

14 ઓગસ્ટ બાદ વરસાદ વધવાની શક્યતા
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 13 ઓગસ્ટ સુધી અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહી શકે છે. ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લીમાં વધુ વરસાદની શક્યતા છે.
14 ઓગસ્ટ બાદ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે. આ સિસ્ટમની અસરથી 17થી 19 ઓગસ્ટ તથા 22 અને 23 ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાંમાં વધારો થઈ શકે છે. અંબાલાલ પટેલે 23 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.
સપ્ટેમ્બરમાં ભારે વરસાદની શક્યતા
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 31 ઓગસ્ટથી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર બેસવાની સાથે વરસાદી માહોલ વધુ સક્રિય થઈ શકે છે. સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે.
આગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદ
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આગામી બે દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાકની આસપાસ રહેવાની શક્યતા છે. ગુજરાતની આસપાસ સક્રિય હવામાન પ્રણાલીઓના કારણે રાજ્યમાં વરસાદી પ્રવૃત્તિ આગામી દિવસોમાં પણ યથાવત્ રહેવાની સંભાવના છે.