Surat Bounces Back: સુરતમાં તાજેતરમાં 6 જુલાઈના રોજ થયેલા અતિભારે વરસાદ અને ત્યારબાદ સર્જાયેલી પૂરની સ્થિતિને પગલે અસરગ્રસ્ત બનેલા વેપારીઓ અને નાગરિકોને મોટી રાહત આપતા રાજ્ય સરકારે ₹550 કરોડના વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે. કેબિનેટ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી આ નિર્ણયની વિગતો આપી હતી.
Surat Bounces Back: અસરગ્રસ્તો માટે સીધી સહાય અને વેપાર પુનઃસ્થાપન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર બાદ સુરતની મુલાકાત લઈ સર્વેના આદેશ આપ્યા હતા, જેના આધારે આ પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે. વીમા કવચ ન ધરાવતા વેપારીઓ ધંધો ફરી શરૂ કરી શકે તે મુખ્ય ઉદ્દેશ્ય છે.

Surat Bounces Back: સહાયના મુખ્ય પાસાઓ:
- રોકડ સહાય: લારી-રેકડી ધારકોને ₹7,500, 50 ચોરસ ફૂટથી મોટી દુકાનો માટે ₹50,000 અને પાકી દુકાનો માટે ₹1 લાખ સુધીની સહાય આપવામાં આવશે.
- લોન અને વ્યાજ સહાય: GST રિટર્ન ભરનારા વેપારીઓ માટે સહાયની કોઈ મર્યાદા રાખવામાં આવી નથી. જરૂરિયાત મુજબ ₹20 લાખ કે ₹30 લાખ સુધીની લોન પર ત્રણ વર્ષ માટે 7 ટકા વ્યાજ સહાય આપવામાં આવશે.
- વિકલ્પ: વેપારીઓ રોકડ સહાય અથવા વ્યાજ સહાય – તેમાંથી પોતાની અનુકૂળતા મુજબ કોઈ એક વિકલ્પ પસંદ કરી શકશે.
Surat Bounces Back: અન્ય મહત્વના રાહત નિર્ણયો
- વેરામાંથી મુક્તિ: જે રહેણાંક અને કોમર્શિયલ એકમોમાં પાણી ભરાયા હતા, તેમને એક વર્ષ માટે મહાનગરપાલિકાના વેરામાંથી મુક્તિ આપવામાં આવશે.
- ઝડપી અમલીકરણ: સહાય માટેની અરજી સ્વીકારવાની પ્રક્રિયા આગામી 48 કલાકમાં કલેક્ટર કક્ષાએ શરૂ કરી દેવામાં આવશે.
- ભવિષ્યનું આયોજન: શહેરમાં ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે ખાડીઓ અને ડ્રેનેજ સિસ્ટમને સુધારવા માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રીએ શહેરમાં 9 હજારથી વધુ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા સ્વચ્છતા અભિયાનની પ્રશંસા કરી હતી અને અત્યાર સુધી 19 હજારથી વધુ નાગરિકોને કેશ ડોલ અને ઘરવખરીની સહાય પહોંચાડવામાં આવી હોવાની માહિતી આપી હતી.
કેબિનેટના અન્ય નિર્ણયો
- પશુધન સંભાળ: રાજ્યના ઓછા વરસાદવાળા વિસ્તારોમાં ગૌશાળાઓ અને પશુધનને કોઈ તકલીફ ન પડે તે માટે કલેક્ટરોને જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.
- રથયાત્રા: રાજ્યભરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને શાંતિપૂર્ણ આયોજન માટે તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
- મુખ્યમંત્રીનો જન્મદિવસ: કેબિનેટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ મુખ્યમંત્રીએ અપીલ કરી હતી કે, તેમના જન્મદિવસની ઉજવણી હાર-તોરા કે જાહેરાતોથી દૂર રહી માત્ર સમાજસેવાના કાર્યો દ્વારા કરવામાં આવે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ભારત-UK વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ લાગુ: હવે સસ્તામાં મળશે લક્ઝરી કાર, સ્કોચ અને બ્રાન્ડેડ કપડાં!




