Wildlife Alert in Naswadi: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પંથકમાં વન્યજીવ અને માનવ વસ્તી વચ્ચેના સંઘર્ષની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નસવાડી પાસેથી પસાર થતી નર્મદા મેન કેનાલમાંથી એક વિશાળકાય મગર બહાર નીકળીને જાહેરમાં રોડ પર આવી પહોંચતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
Wildlife Alert in Naswadi: પોલીસ બની ‘મગર મિત્ર’
ઘટનાની વિગત એવી છે કે, નસવાડી પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તણખલા રોડ પર બરોલી કેનાલ પાસે પોલીસને એક વિશાળ મગર રોડની વચ્ચે લટાર મારતો જોવા મળ્યો હતો. મુખ્ય માર્ગ પર મગર હોવાથી અકસ્માત થવાની કે મગર દ્વારા કોઈને ઈજા પહોંચાડવાની શક્યતા હતી.
પોલીસ કર્મચારીઓએ સમયસૂચકતા વાપરીને હિંમત દાખવી હતી. મગરની નજીક ગયા વિના, પોલીસે પોતાની ગાડીમાં બેઠા-બેઠા જ મોટા અવાજે હોર્ન વગાડી અને અવાજ કરીને મગરને રોડ પરથી દૂર ખસેડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની સતત મહેનત રંગ લાવી હતી અને થોડી જ વારમાં મગર રોડ પરથી નીચે ઉતરીને નજીકના કોતરમાં જતો રહ્યો હતો, જેના કારણે સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.
Wildlife Alert in Naswadi: વનવિભાગની કામગીરી પર સવાલો
કેનાલમાંથી મગર બહાર આવવાની આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ પણ અનેકવાર મગરો કેનાલમાંથી બહાર આવીને ખેતરો કે રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતા હોવાની ફરિયાદો ઉઠી છે. સ્થાનિકોનું કહેવું છે કે, નર્મદા કેનાલ પાસે સુરક્ષા વ્યવસ્થા કે ફેન્સિંગના અભાવે મગરો સરળતાથી બહાર આવી જાય છે, જે પશુઓ અને મનુષ્યો માટે જોખમી સાબિત થઈ શકે છે.
સદનસીબે, પોલીસની સમયસરની દરમિયાનગીરીથી કોઈ પણ પ્રકારની જાનહાનિ ટળી હતી. હાલમાં વનવિભાગ દ્વારા આ વિસ્તારમાં સતર્કતા વધારવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: લસકાણા પોલીસની મોટી સફળતા, મર્ડર કેસના આરોપી અને ચેઈન સ્નેચર પિતા-પુત્રની જોડી જેલના સળિયા પાછળ




