Monsoon Fury in Gujarat: ગુજરાતમાં જૂન મહિનાની સુસ્તી બાદ જુલાઈ મહિનાના પ્રારંભ સાથે જ મેઘરાજાએ રૌદ્ર અને ભવ્ય સ્વરૂપે એન્ટ્રી કરી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૦૭થી વધુ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં સુરતનું પલસાણા ૭.૯૯ ઇંચ વરસાદ સાથે મોખરે રહ્યું છે. આજે સવારે પણ મેઘસવારી ચાલુ રહી હતી અને માત્ર ૪ કલાકમાં જ ૪૪ તાલુકાઓ પાણી-પાણી થઈ ગયા હતા. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, તો બીજી તરફ વહીવટી તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીના લીરેલીરા ઊડી ગયા છે.

Monsoon Fury in Gujarat: ગીર સોમનાથ: વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિર અને વેરાવળના શિવ મંદિરો પાણીમાં ગરકાવ
આજે સવારે ૬થી ૧૦ વાગ્યા સુધીમાં ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ ૨.૮૦ ઇંચ વરસાદ ખાબક્યો હતો.
- યાત્રિકો મુશ્કેલીમાં: વિશ્વવિખ્યાત સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર નજીક ગોઠણસમા વરસાદી અને ગટરના ગંદા પાણી ભરાઈ જતાં દેશ-વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. સ્થાનિકોએ પાલિકા અને મંદિર ટ્રસ્ટની બેદરકારી સામે રોષ ઠાલવ્યો હતો.
- શિવ મંદિરમાં પાણી: વેરાવળના ઐતિહાસિક ‘દુઃખ દરિદ્ર ભંજન શિવ મંદિર’ તેમજ તપેશ્વર મંદિર પરિસરમાં પાણી ઘૂસી ગયા હતા. ગટર સફાઈ ન થવાના કારણે પાલિકાના પ્રિ-મોન્સૂન દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે.

Monsoon Fury in Gujarat: સુરતમાં ૪૦ મીટર રોડ બેસી ગયો: ભ્રષ્ટાચારના આક્ષેપો
સુરતના ડીંડોલી વિસ્તારમાં જી-નાઇન સર્કલ પાસે અચાનક આશરે ૪૦ મીટર જેટલો રોડ ભૂગર્ભમાં ધસી ગયો હતો. આ મોત સમાન ખાડામાં એક મોટું ટેન્કર ફસાઈ ગયું હતું. આ મામલે ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીએ મુલાકાત લીધી હતી, પરંતુ ભ્રષ્ટાચાર અને હદ વિસ્તાર (મનપા વિરુદ્ધ સુડા)ના વિવાદ વચ્ચે તેઓ ગોળ-ગોળ જવાબો આપતા નજરે પડ્યા હતા.

Monsoon Fury in Gujarat: અમરેલી-રાજુલા: હાઈવે ફાટ્યો, રાયડી નદીમાં ઘોડાપૂર
- હાઈવે પર તિરાડો: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા નજીક ચારનાળા બ્રિજ પર તાજેતરમાં જ કરાયેલું સીસી રોડનું સમારકામ ધોવાઈ ગયું છે અને રોડ પર મોટી તિરાડો પડી ગઈ છે.
- મહિલાઓનો આબાદ બચાવ: રાજુલાની રાયડી નદીમાં અચાનક ઘોડાપૂર આવતા ૩૫ બકરા તણાયા હતા, જ્યારે પૂરના પાણીમાં ફસાયેલી મહિલાઓને સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ આબાદ બચાવી લીધી હતી.

Monsoon Fury in Gujarat: દેવભૂમિ દ્વારકા માટે ‘હાઈ વેવ એલર્ટ’: દરિયામાં ૧૧ ફૂટ ઊંચા મોજા ઉછળશે
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (NDEM) પોર્ટલ અને ઇનકોઇસ (INCOIS) ના અહેવાલ મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનારથી હર્ષદ સુધીના દરિયાકાંઠે હાઈ વેવ એલર્ટ જાહેર કરાયું છે. ૨ જુલાઈની રાત્રિથી ૩ જુલાઈની રાત સુધી દરિયામાં ૩.૪થી ૩.૬ મીટર (૧૧ ફૂટથી વધુ) ઊંચા રાક્ષસી મોજા ઉછળવાની પ્રબળ શક્યતા છે. માછીમારો અને પ્રવાસીઓને દરિયાકિનારે ન જવા સખત સૂચના અપાઈ છે.
Monsoon Fury in Gujarat: હવામાન વિભાગની આગાહી: ૫ જુલાઈ સુધી ‘રેડ’ અને ‘ઓરેન્જ’ એલર્ટ
“રાજ્યમાં આગામી ૫ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આજે ચાર જિલ્લામાં રેડ એલર્ટ અને પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડા સાથે ૪૦થી ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે અને વીજળી પડવાની પણ આશંકા છે. અમદાવાદ અને રાજકોટમાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં ચાલુ રહેશે.” — હવામાન વિભાગ (IMD)
રાજ્યભરમાં શરૂ થયેલા આ તોફાની બીજા રાઉન્ડના કારણે ખેડૂતોમાં ક્યાંક ખુશીનો માહોલ છે, તો શહેરી વિસ્તારોમાં નબળા તંત્રના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




