Middle East Crisis: શાંતિ અને યુદ્ધ વિરામની મંત્રણાઓ વચ્ચે પશ્ચિમ એશિયામાં સ્થિતિ વધુ વણસી છે. ઈરાન ફરી એકવાર પૂરા જોશ સાથે યુદ્ધ મેદાનમાં ઉતરી આવ્યું છે અને તેણે અમેરિકી જહાજો પર ગોળીબાર શરૂ કરીને અમેરિકાને વળતો આકરો જવાબ આપ્યો છે. આ સૈન્ય ટકરાવ વચ્ચે ઈરાને વ્યુહાત્મક રીતે મહત્વની ગણાતી ‘સ્ટ્રેઇટ્સ ઓફ હોર્મુઝ’ પર અંદરની બાજુએથી નાકાબંધી કરી દીધી છે, જેના જવાબમાં અમેરિકાએ બહારની બાજુએ અરબી સમુદ્રમાં નાકાબંધી કરીને ઈરાનનાં અન્ય બંદરોને પણ ઘેરી લીધા છે.

Middle East Crisis: કુવૈત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રચંડ હુમલો: તમામ ફ્લાઈટ્સ રદ
ઈરાને ડ્રોન વિમાનો દ્વારા અમેરિકાના આશ્રિત દેશ એવા કુવૈતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રચંડ હુમલા કર્યા છે. ઈરાની ડ્રોન્સે કુવૈત એરપોર્ટના પેસેન્જર બિલ્ડિંગને નિશાન બનાવ્યું છે, જેને કારણે બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ હુમલાના પગલે કુવૈતથી ઉપડતી અને ત્યાં આવતી તમામ ફ્લાઇટ્સ તાત્કાલિક ધોરણે રદ્દ કરી દેવામાં આવી છે.
Middle East Crisis: મિસાઈલ વોર: અમેરિકાએ ઈરાનનું સૈન્ય મથક તબાહ કર્યું
આ ભયાનક હુમલો એવા સમયે થયો છે જ્યારે મંગળવારે રાત્રે બંને દેશોએ એકબીજા પર ભારે મિસાઈલ મારો કર્યો હતો. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દાવો કર્યો છે કે, કશ્મ ટાપુ (Qeshm Island) પર અમેરિકાએ કરેલા હુમલાના જવાબમાં તેમણે કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે. બીજી તરફ, અમેરિકી સેનાના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું છે કે તેમણે ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલાને તોડી પાડ્યા છે અને વળતી કાર્યવાહીમાં ઈરાનનું એક આખું સૈન્ય મથક તબાહ કરી નાખ્યું છે.
Middle East Crisis: હોર્મુઝની નાકાબંધી તોડવાનો પ્રયાસ: અમેરિકાનું હેલફાયર મિસાઈલથી ઓપરેશન
સ્ટ્રેઇટ્સ ઓફ હોર્મુઝમાં તણાવ ચરમસીમાએ છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય જળસીમામાં અમેરિકાની નાકાબંધી તોડવાનો પ્રયાસ કરી રહેલા એક ખાલી ટેન્કરને રોકવા માટે અમેરિકી દળોએ કાર્યવાહી કરવી પડી હતી. બોત્સ્વાનાનો ધ્વજ ધરાવતું આ ટેન્કર વારંવારની ચેતવણીઓ છતાં ઈરાનના ‘ખાર્ગ ટાપુ’ તરફ તેલ લેવા માટે આગળ વધી રહ્યું હતું. આખરે આ જહાજને રોકવા માટે અમેરિકાએ તેની પર પ્રચંડ ‘હેલફાયર મિસાઈલ’ છોડીને તેનું એન્જિન નિષ્ક્રિય કરી દીધું હતું.
Middle East Crisis: ચીનની એન્ટ્રી: પાકિસ્તાન સુધી ભૂગર્ભ પાઈપલાઈનનું આયોજન
આ મહાયુદ્ધની વચ્ચે હવે ચીને પણ આડકતરી એન્ટ્રી કરી લીધી છે. ચીને પ્રસ્તાવ મૂક્યો છે કે, દરિયાઈ નાકાબંધીથી બચવા માટે ઈરાનનું ક્રૂડ ઓઈલ સમુદ્ર તટે ભૂગર્ભ પાઈપલાઈન (Underground Pipeline) દ્વારા છેક પાકિસ્તાનના ગ્વાડર બંદર સુધી પહોંચાડવામાં આવે, જેથી ઈરાન ત્યાંથી પોતાનું ઓઈલ એક્સપોર્ટ કરી શકે. જોકે, સંરક્ષણ નિષ્ણાંતો સામે મોટો પ્રશ્ન એ છે કે આટલી લાંબી પાઈપલાઈન નાખવામાં ઘણો સમય લાગી શકે છે અને ત્યાં સુધીમાં તો ઈરાન સંપૂર્ણપણે ખેદાન-મેદાન થઈ જવાની ભીતિ છે.
વૈશ્વિક યુદ્ધના એંધાણ: હવે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણાની કોઈ શક્યતા રહી નથી. અમેરિકા સંપૂર્ણ તાકાત સાથે યુદ્ધ માટે તૈનાત છે, જ્યારે રશિયા અને ચીન પણ ઈરાનને પડદા પાછળથી શસ્ત્રો સપ્લાય કરી રહ્યા છે. મહાસત્તાઓની આ આમને-સામનેની લડાઈને કારણે વિશ્વ પર હવે ત્રીજા વિશ્વયુદ્ધ (World War 3) ના ભણકારા વાગી રહ્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




