Junagadh Police Insensitivity: શહેરના રોહીદાસ પરા વિસ્તારમાં રહેતા એક ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મજૂરી કામ માટે ગયેલો યુવાન દીકરો ગુમ થયો છે અને અજાણ્યા શખ્સો તેના જીવના બદલામાં ₹50,000ની ખંડણી માંગી રહ્યા છે. આ ગંભીર મામલે જ્યારે માતા પોલીસ પાસે મદદ માંગવા ગઈ, ત્યારે જૂનાગઢ પોલીસે મદદ કરવાને બદલે અત્યંત તોછડું વર્તન કરી માનવતા નેવે મૂકી હોવાનો આક્ષેપ થયો છે.

Junagadh Police Insensitivity: શું છે સમગ્ર ઘટના?
જૂનાગઢના મીનાબેન સોંદરવાનો પુત્ર વિજય આર્થિક તંગીને કારણે મજૂરી કામ અર્થે કચ્છ ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે અમદાવાદ પાસે તેનો સંપર્ક તૂટી ગયો હતો. ટૂંક સમયમાં જ વિજયના ફોન પરથી એક હિન્દી ભાષી શખ્સનો ફોન આવ્યો, જેણે દાવો કર્યો કે વિજયની હાલત નાજુક છે, તેને લોહીની ઉલટીઓ થાય છે. જો તેને જીવતો જોવો હોય તો ₹50,000 મોકલી આપો.

Junagadh Police Insensitivity: વીડિયો કોલ કરી બતાવી પુત્રની હાલત
અપહરણકર્તાએ માતાને ડરાવવા માટે વીડિયો કોલ પણ કર્યો હતો, જેમાં વિજય એક બાંકડા પર અર્ધબેભાન અવસ્થામાં પડેલો જોવા મળ્યો હતો. આ જોઈ ગભરાયેલી માતા જ્યારે જૂનાગઢના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચી, ત્યારે ત્યાં હાજર પીએસઓ (PSO) એ સંવેદના બતાવવાને બદલે કહ્યું:
“આવા કેસો તો રોજ આવે છે, રોવા-ધોવાનું બંધ કરો. તમારો છોકરો દારૂ પીતો હશે અને પૈસા પડાવવા પોતે જ નાટક કરતો હશે.”

Junagadh Police Insensitivity: પોલીસની બેદરકારીથી અપહરણકર્તા સાવધ થયો
જ્યારે પોલીસ સ્ટેશનમાં જ અપહરણકર્તાનો ફોન આવ્યો, ત્યારે પોલીસે તપાસ કરવાને બદલે સીધી ધમકી આપી કે “હું પોલીસ સ્ટેશનથી બોલું છું.” આ સાંભળતા જ સામેવાળા શખ્સે ફોન કાપી નાખ્યો અને મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો. આમ, ટેકનિકલ રીતે લોકેશન મેળવવાની તક પોલીસે ગુમાવી દીધી હોય તેમ જણાય છે.

Junagadh Police Insensitivity: ‘અમે કંઈ ન કરી શકીએ’ – પોલીસની છટકબારી
આ મામલે એ-ડિવિઝનના પીએસઆઈ સોલંકીએ જણાવ્યું કે યુવાન રાજકોટથી ગુમ થયો હોવાથી ત્યાં ફરિયાદ નોંધાવવી પડે, અમે આમાં કંઈ કરી શકીએ નહીં. સાયબર સેલની મદદ લેવાને બદલે પોલીસે હાથ ઊંચા કરી દેતા પાંચ દિવસથી ગુમ વિજયનો જીવ હવે જોખમમાં છે.
એક તરફ સરકાર ‘મહિલા સુરક્ષા’ના દાવા કરે છે, ત્યારે જૂનાગઢ પોલીસનું આવું તોછડું વર્તન ખાખીની છબી ખરડાવી રહ્યું છે. હવે પરિવારની આશા માત્ર ઉચ્ચ અધિકારીઓ પર ટકેલી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
ચિંતાજનક સમાચાર સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેને હાર્ટ એટેક, મુંબઈની હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ




