Bhavnagar Court: ભાવનગર કોર્ટમાં જજ અને વકીલ વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા: વિજય સરઘસના ઘોંઘાટ મુદ્દે જાહેરમાં તીખી તડાફડી

0
137

Bhavnagar Court: ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટનું પ્રાંગણ આજે એક અભૂતપૂર્વ અને ચોંકાવનારી ઘટનાનું સાક્ષી બન્યું હતું. સામાન્ય રીતે જ્યાં કાયદા અને મર્યાદાના પાઠ ભણાવવામાં આવે છે, તે જ કોર્ટના ગેટ પાસે ન્યાયિક ગરિમા અને વિજયના ઉત્સાહ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું. ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં હેટ્રિક વિજય મેળવનાર એડવોકેટ અનિરૂદ્ધસિંહ ઝાલાના વિજય સરઘસ દરમિયાન ઢોલ-નગારા વગાડવા મુદ્દે ડિસ્ટ્રિક્ટ જજ અને વકીલ સામસામે આવી ગયા હતા.

Bhavnagar Court: શું હતી સમગ્ર ઘટના?

Bhavnagar Court

ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં સતત ત્રીજી વખત વિજેતા બનેલા જાણીતા એડવોકેટ અનિરૂદ્ધસિંહ ઝાલાનું આજે સવારે 10:30 વાગ્યે ભાવનગર કોર્ટ ખાતે ભવ્ય સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું હતું. વકીલ આલમમાં ભારે ઉત્સાહ હતો અને સમર્થકો દ્વારા રૂપમ ચોકથી કોર્ટના ગેટ સુધી ઢોલ, નગારા, શરણાઈ અને ફટાકડા સાથે વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.

જોકે, આ ભવ્ય ઉજવણીનો અવાજ કોર્ટની અંદર ચાલતી ન્યાયિક કાર્યવાહીમાં ખલેલ પહોંચાડી રહ્યો હતો. અવાજ એટલો પ્રચંડ હતો કે ડિસ્ટ્રિક્ટ જજ પોતે ડાયસ પરથી ઉતરીને કોર્ટના ગેટ સુધી દોડી આવ્યા હતા અને આ ઘોંઘાટ તાત્કાલિક બંધ કરાવવા આદેશ આપ્યો હતો.

Bhavnagar Court: “મિસ્ટર… તમે તમારી ખુરશી સંભાળો”: વકીલનો આક્રમક તેવર

Bhavnagar Court

જ્યારે જજે કોર્ટની મર્યાદા જાળવવા ઢોલ-નગારા બંધ કરવાનું કહ્યું, ત્યારે વાતાવરણ એકાએક ગરમાઈ ગયું હતું. વિજયના કેફમાં રહેલા વકીલે નમ્રતાના બદલે આક્રમક વલણ અપનાવ્યું હતું. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો મુજબ, વકીલે જજને જાહેરમાં જ પડકારતા કહ્યું કે:

મિસ્ટર… તમે તમારી ખુરશી સંભાળો… સાહેબ તમે કોણ છો તમને ખબર છે? ઓ ડિસ્ટ્રિક્ટ જજ… તમે ત્યાં જઈને બેસીને ઓર્ડર કરો… આજે તો વગાડ… હું બેઠો છું, વગાડ!”

આ ઉગ્ર બોલાચાલી જોઈને કોર્ટ સંકુલમાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. એક બાજુ ન્યાયિક શિસ્ત જાળવવાનો આગ્રહ હતો, તો બીજી તરફ પાંચ વર્ષે આવતા વિજય ઉત્સવનો ઉન્માદ હતો.

Bhavnagar Court

એડવોકેટ અનિરૂદ્ધસિંહ ઝાલાનો પક્ષ

આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા એડવોકેટ અનિરૂદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, “બાર કાઉન્સિલમાં મારી જીતથી વકીલોમાં ભારે ઉત્સાહ હતો. જજ સાહેબ ચાલુ કેસે બોર્ડ પરથી ઉતરીને રોડ પર આવ્યા હતા અને ઢોલ બંધ કરવા કહ્યું હતું. મેં તેમને વિનંતી કરી હતી કે આ અમારો 5 વર્ષનો ઉત્સવ છે અને માત્ર 15 મિનિટનો પ્રોગ્રામ છે. માહોલ ગરમ હોવાથી કદાચ ઊંચા અવાજે બોલાયું હોય, બાકી વિશેષ કંઈ નથી.”

ગંભીર સવાલો અને અસરો

આ ઘટનાનો વીડિયો વાયરલ થતા જ કાયદાકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે કે શું વકીલ દ્વારા જજ પ્રત્યે આ પ્રકારની ભાષાનો પ્રયોગ યોગ્ય છે? કોર્ટની ગરિમા જાળવવી એ વકીલ અને જજ બંનેની જવાબદારી છે. હાલમાં આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ આ કિસ્સાએ ન્યાયતંત્ર અને બાર એસોસિએશન વચ્ચેના સંબંધો પર સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચો :PM મોદી અને ટ્રમ્પ વચ્ચે ફોન પર મહત્વની ચર્ચા: મિડલ ઈસ્ટના જંગ વચ્ચે ‘હોર્મુઝ સ્ટ્રેટ’ ખોલવા પર બંને દેશો સહમત