Tragedy in Andhra: આંધ્ર પ્રદેશના કાકીનાડા જિલ્લામાં શનિવારે એક ભયાનક દુર્ઘટના ઘટી છે. જિલ્લાના વેટલાપલેમ ગામમાં આવેલી એક ફટાકડા બનાવવાની ફેક્ટરી (Fireworks Unit) માં અચાનક પ્રચંડ વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
Tragedy in Andhra: કામકાજ દરમિયાન જ થયો બ્લાસ્ટ

મળતી માહિતી મુજબ, જ્યારે આ વિસ્ફોટ થયો ત્યારે ફેક્ટરીમાં અંદાજે 20 થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ફેક્ટરીની આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને વહીવટીતંત્ર બચાવ કામગીરી માટે દોડી ગયું હતું.
Tragedy in Andhra: મૃત્યુઆંક વધવાની આશંકા

રાજ્યના ગૃહમંત્રી વંગાલપુડી અનિતાએ આ ઘટના અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ઘાયલોમાં કેટલાક લોકોની હાલત અત્યંત નાજુક હોવાથી મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ
મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આ દુર્ઘટના પર ઘેરો શોક વ્યક્ત કર્યો છે. તેમણે વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કામગીરી પર દેખરેખ રાખવા આદેશ આપ્યા છે. સરકારે મૃતકોના પરિવારજનોને સહાય અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવાની ખાતરી આપી છે. પોલીસ હાલમાં વિસ્ફોટ પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ કરી રહી છે.




