Aadhaar Card Bribe Case:અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલા સિવિક સેન્ટરમાં આધાર કાર્ડ કઢાવવાના નામે લાંચ માંગવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આધાર કાર્ડ ઝડપથી અને કોઈ અડચણ વિના બનાવી આપવાના બહાને એક નાગરિક પાસેથી કુલ ₹32 હજારની લાંચ માંગવામાં આવી હતી. આ મામલે ફરિયાદ બાદ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ છટકું ગોઠવી સિવિક સેન્ટરના પ્યુન સહિત ત્રણ લોકોને લાંચ લેતા ઝડપી લીધા છે, જ્યારે મુખ્ય આરોપી કોમ્પ્યુટર ઓપરેટર હાલ ફરાર છે.
Aadhaar Card Bribe Case: “કોઈ ઝંઝટ નહીં પડે” કહી લાંચની માંગ
ફરિયાદી સરસપુર સ્થિત સિવિક સેન્ટરમાં આધાર કાર્ડ કઢાવવા ગયા ત્યારે ત્યાં કાર્યરત કોમ્પ્યુટર ઓપરેટર ભાગ્યેશ સોલંકીએ તેમનો સંપર્ક કર્યો હતો. આધાર કાર્ડ ઝડપથી અને કોઈ ટેક્નિકલ કે દસ્તાવેજી અડચણ વિના કાઢી આપવા બદલ ભાગ્યેશે શરૂઆતમાં ₹25 હજારની માંગણી કરી હતી. બાદમાં વધુ ₹7 હજાર ઉમેરી કુલ ₹32 હજારની લાંચ માંગવામાં આવી હતી.
Aadhaar Card Bribe Case: ACBએ ગોઠવ્યું છટકું
લાંચની માંગથી કંટાળી ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ સમગ્ર મામલે છટકું ગોઠવ્યું. ભાગ્યેશ સોલંકીના કહ્યા મુજબ ફરિયાદીને કલેક્ટર કચેરી સ્થિત જનસેવા કેન્દ્ર ખાતે બોલાવવામાં આવ્યો હતો. અહીં ભાગ્યેશની તરફથી જય પંચોલીએ વાતચીત કરી અને લાંચ લેવાની વ્યવસ્થા ગોઠવી હતી.
ખાનગી વ્યક્તિ સહિત ત્રણ ઝડપાયા



લાંચ લેવા માટે સંદીપ પ્રજાપતિ નામનો ખાનગી વ્યક્તિ ફરિયાદી પાસે પહોંચ્યો હતો. તે સમયે ACBની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી સંદીપ પ્રજાપતિ, સિવિક સેન્ટરના પ્યુન અને અન્ય એક વ્યક્તિને રંગે હાથ ઝડપી લીધા હતા. જો કે, લાંચ માંગનાર મુખ્ય આરોપી કોમ્પ્યુટર ઓપરેટર ભાગ્યેશ સોલંકી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આરોપીઓની ઉંમર 22થી 27 વર્ષની
ઝડપાયેલા આરોપીઓની ઉંમર 22થી 27 વર્ષની હોવાનું સામે આવ્યું છે. જય પંચોલી સરસપુરનો રહેવાસી છે, જ્યારે ભાગ્યેશ સોલંકી અમરાઈવાડી અને સંદીપ પ્રજાપતિ સરસપુર વિસ્તારમાં રહે છે.
કલેક્ટર કચેરીમાં અન્ય સંડોવણીની તપાસ
આ લાંચ કેસમાં કલેક્ટર કચેરી અથવા સિવિક સેન્ટરના અન્ય કોઈ કર્મચારી સંડોવાયેલા છે કે નહીં તેની પણ ACB દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ સરકારી સેવાઓમાં ચાલતી લાંચપ્રથાને ફરી એકવાર ઉઘાડી પાડી છે.
આ પણ વાંચો :Aadhaar App:નવી આધાર એપ લોન્ચ: QR કોડથી ઓળખ, 50થી વધુ નવા ફીચર્સ




