Centre Responds to UGC Row :UGC વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો, કેન્દ્ર સરકારે આપ્યું આશ્વાસન – ‘કોઈની પણ સાથે ભેદભાવ નહીં થાય’

0
144
UGC
UGC

Centre Responds to UGC Row : યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નોટિફિકેશનને લઈને દેશભરમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે હવે આ વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. મામલો ગંભીર બનતા કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે નવી વ્યવસ્થા હેઠળ કોઈ ઉમેદવાર કે શિક્ષક સાથે ભેદભાવ થવા દેવામાં આવશે નહીં.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે સરકાર બંધારણની મર્યાદામાં રહીને જ તમામ પગલાં લઈ રહી છે. તેમણે કહ્યું, “હું નમ્રતાપૂર્વક સ્પષ્ટ કરવા માગું છું કે કોઈનું શોષણ થવા દેવામાં આવશે નહીં અને કોઈની સાથે ભેદભાવ નહીં થાય. ડિસ્ક્રિમિનેશનના નામે કાયદાનો દુરુપયોગ કરવાની છૂટ કોઈને નથી — પછી તે UGC હોય, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર.”

Centre Responds to UGC Row : ‘કાયદાનો દુરુપયોગ થવા નહીં દઈએ’: ધર્મેન્દ્ર પ્રધાન

શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું કે આ સમગ્ર પ્રક્રિયા સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ છે. “જે પણ વ્યવસ્થા અમલમાં મૂકાશે તે સંપૂર્ણપણે બંધારણના દાયરામાં જ હશે. કોઈપણ વર્ગ સાથે અન્યાય કે અત્યાચાર નહીં થાય તેવી હું ખાતરી આપું છું,” એમ તેમણે કહ્યું.

Centre Responds to UGC Row :શું છે UGC નોટિફિકેશનનો વિવાદ?

UGC દ્વારા તાજેતરમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવાના નિયમો, 2026’ (Promotion of Equity in Higher Education Institutions Regulations, 2026) જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમો હેઠળ ચાર મુખ્ય જોગવાઈઓ કરવામાં આવી છે—

  1. દરેક યુનિવર્સિટી અને કોલેજમાં ઈક્વિટી કમિટી અને ઈક્વિટી સ્ક્વોડ્સની રચના
  2. તમામ સંસ્થાઓમાં 24 કલાક હેલ્પલાઈન અને ફરિયાદ નિવારણ વ્યવસ્થા
  3. SC-ST વર્ગના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવું
  4. નિયમોનું ઉલ્લંઘન કરનારી સંસ્થાઓની માન્યતા રદ કરવી અથવા ફંડ પર પ્રતિબંધ મૂકવો

આ જોગવાઈઓ સામે કેટલાક વર્ગો દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે.

Centre Responds to UGC Row

સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ

UGCના નોટિફિકેશનના નિયમ 3(C) સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આ નિયમ હેઠળ બિનઅનામત (જનરલ કેટેગરી) ઉમેદવારો અને શિક્ષકો સાથે જ્ઞાતિ આધારિત ભેદભાવ થાય છે.

અરજી મુજબ, UGCની નવી વ્યાખ્યામાં જ્ઞાતિ આધારિત ભેદભાવ માત્ર SC, ST અને OBC વર્ગ સુધી જ સીમિત દર્શાવવામાં આવ્યો છે, જ્યારે જનરલ કેટેગરીના ઉમેદવારોને પડતી મુશ્કેલીઓની અવગણના કરવામાં આવી છે. અરજદારોનો દાવો છે કે વાસ્તવમાં જનરલ કેટેગરીના ઉમેદવારો પણ જ્ઞાતિના આધારે ભેદભાવ અને સમસ્યાઓનો સામનો કરે છે.

હવે આગળ શું?

સુપ્રીમ કોર્ટ હવે આ મામલે કેન્દ્ર સરકાર અને UGC પાસેથી જવાબ માગી શકે છે. કોર્ટના નિર્ણય પર હવે UGCના નવા નિયમોનું ભવિષ્ય નિર્ભર રહેશે.

આ પણ વાંચો :અવિમુક્તેશ્વરાનંદ વિવાદ બાદ કિન્નર અખાડાનો કડક નિર્ણય, મહામંડલેશ્વર મમતા કુલકર્ણીને બહાર કાઢ્યાં