Abhyuday Mahasammelan: ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ, શિક્ષણ, રોજગાર અને સર્વાંગી વિકાસ અંગે ચિંતન કરવા માટે ગાંધીનગરના રામકથા મેદાનમાં ભવ્ય **‘અભ્યુદય મહાસંમેલન’**નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક સંમેલનમાં અડધી રાત્રે 3 વાગ્યા પહેલા જ રાજ્યભરના 7 હજારથી વધુ ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા હતા.
Abhyuday Mahasammelan: સરસ્વતી વંદના સાથે સંમેલનની ભવ્ય શરૂઆત

સંમેલનની શરૂઆત સરસ્વતી વંદનાથી થઈ હતી. ત્યારબાદ ઢોલીના તાલે અને ગરબાએ સમગ્ર મેદાનમાં ઉલ્લાસ છલકાવ્યો હતો. લોકપ્રિય ગાયક રાકેશ બારોટ અને કીર્તિદાન ગઢવીના ગીતો પર લોકો ઝંડા ફરકાવતા ઝૂમી ઉઠ્યા હતા. કાર્યક્રમના અંતે અડાલજ ખાતે બનનાર સરસ્વતી ધામ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને સમાજને શિક્ષણના ઉચ્ચ સ્તરે પહોંચાડવાનો સંકલ્પ લેવાયો.
Abhyuday Mahasammelan: અલ્પેશ ઠાકોરનો ભાવુક અને આક્રમક સંબોધન
અલ્પેશ ઠાકોરે સંમેલનને સંબોધતા કહ્યું કે, “આજે સમાજ અને રાજકીય શ્રેષ્ઠીઓ એક મંચ પર છે. સરકારના વર્તમાન અને પૂર્વ મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો અહીં હાજર છે. રાત્રે 3 વાગ્યે સંમેલન રાખ્યું એટલે અનેક શંકાઓ થઈ, પરંતુ અલ્પેશ ઠાકોર રાતોરાત ઊભો થયો નથી. 15 વર્ષથી સમાજને એક કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું.”
તેમણે વ્યસનમુક્તિ અભિયાનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે 2016માં જ્યારે વ્યસનમુક્તિની વાત કરી ત્યારે લોકો હસતા હતા, પરંતુ આજે રાજ્યના ગામડાઓમાં 90થી 95 ટકા ઠાકોર સમાજ વ્યસનમુક્ત થયો છે.
“જો વર્ષો પહેલા વ્યસનમુક્તિ થઈ હોત તો આજે અડધી જમીન ઠાકોર સમાજ પાસે હોત,” એવો તેમણે સ્પષ્ટ હુંકાર કર્યો.

Abhyuday Mahasammelan: ‘સમાજે પોતાની લડાઈ જાતે લડવી પડશે’
અલ્પેશ ઠાકોરે કહ્યું કે સમાજમાં હવે માત્ર હોદ્દા નહીં, પરંતુ SP, કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ ઊભા કરવા પડશે. તેમણે લગ્નમાં ખોટા ખર્ચા ટાળવા, જમીન સાચવવા અને તાલુકા-જિલ્લા સ્તરે સંસ્થાઓ ઊભી કરવાની અપીલ કરી.
તેમણે સ્પષ્ટ કહ્યું કે, “હું રાજનીતિમાં સમાજને કંઈ આપી ન શકું તો રાજનીતિ છોડી દઈશ. 2036માં સમાજની દીકરી SP કે કલેક્ટર બનીને અહીં ભાષણ કરશે.”
Abhyuday Mahasammelan: ગેનીબેન ઠાકોરનો સંદેશ: ‘હવે પટાવાળા નહીં, IAS-IPS’
સાંસદ ગેનીબેન ઠાકોરએ જણાવ્યું કે, “આપણો સમાજ હવે પટાવાળા અને સિક્યુરિટીથી બહાર નીકળી IAS-IPS બને. દીકરીઓના લગ્ન 12મા ધોરણ પછી થાય એવો સંકલ્પ લેવો પડશે અને દરેક તાલુકામાં દીકરીઓ માટે હોસ્ટેલ બનાવવી પડશે.”
તેમણે મહિલાઓના રોજગાર, શિક્ષણ અને સમાજની એકતાને સમયની માંગ ગણાવી.

સમાજના અભ્યુદય માટે ઐતિહાસિક સંમેલન
સંમેલનમાં બળદેવજી ઠાકોર, ધવલસિંહ ઝાલા, કેશાજી ઠાકોર, શોભનાબેન બારૈયા અને કેબિનેટ મંત્રી રમણસિંહ સોલંકી સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.
બળદેવજી ઠાકોરે જણાવ્યું કે, “દેશના ઇતિહાસમાં આ ત્રીજી વખત અડધી રાતે લાખો લોકો એકત્ર થયા છે. આમાંથી સમાજે જાગૃતિ અને દિશા શીખવી પડશે.”
રાજકીય હેતુ હોવાનો ઇન્કાર
અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ કર્યું કે આ કાર્યક્રમ પાછળ કોઈ રાજકીય હેતુ નથી. અન્ય સમાજોની જેમ ઠાકોર સમાજે પણ પોતાના વિકાસ માટે આ સંમેલનનું આયોજન કર્યું છે. સંમેલનમાં 7 હજારથી વધુ સ્વયંસેવકો અને વોલન્ટિયરો જોડાયા હતા.




