Major Decision on Char Dham: ચારધામ યાત્રાને લઈને એક મોટો અને વિવાદાસ્પદ નિર્ણય સામે આવ્યો છે. બદ્રીનાથ–કેદારનાથ મંદિર સમિતિ (BKTC)એ ચારધામ તથા તેની સાથે જોડાયેલા કુલ 48 પવિત્ર મંદિર, કુંડ અને સમાધિ સ્થળોમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ નિર્ણયને લઈ ધાર્મિક વર્તુળોમાં સમર્થન જ્યારે રાજકીય મથામણ શરૂ થઈ ગઈ છે.
BKTCના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “બદ્રીનાથ અને કેદારનાથ કોઈ પ્રવાસન સ્થળ નથી, પરંતુ સનાતન ધર્મના સર્વોચ્ચ આધ્યાત્મિક કેન્દ્ર છે. અહીં પ્રવેશને નાગરિક અધિકાર નહીં પરંતુ ધાર્મિક પરંપરાના આધારે જોવું જોઈએ.”
Major Decision on Char Dham: ‘ચારધામ યાત્રા આસ્થા છે, પ્રવાસ નહીં’

હેમંત દ્વિવેદીએ કહ્યું કે સંત સમાજ અને પ્રમુખ ધાર્મિક ગુરુઓનું પણ એકમત માનવું છે કે આ પવિત્ર તીર્થસ્થાનોમાં બિન હિન્દુઓનો પ્રવેશ ન હોવો જોઈએ. તેમણે ઉમેર્યું કે ચારધામ યાત્રા આસ્થા, સાધના અને સનાતન પરંપરાનો પ્રતિક છે, પ્રવાસન પ્રવૃત્તિ નથી.
Major Decision on Char Dham: ઉત્તરાખંડ સરકારનું આડકતરું સમર્થન
આ પ્રસ્તાવ પર ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે દેવભૂમિ ઉત્તરાખંડના તીર્થસ્થાનોનું સંચાલન કરનારી સંસ્થાઓ જે નિર્ણય લેશે, રાજ્ય સરકાર તે મુજબ કાર્યવાહી કરશે. આ નિવેદનથી સરકારનો આ પ્રસ્તાવ પ્રત્યે સહાનુભૂતિભર્યો વલણ હોવાનું સ્પષ્ટ થાય છે.
Major Decision on Char Dham: કુલ 48 મંદિર–તીર્થસ્થાનોનો સમાવેશ
BKTC દ્વારા તૈયાર કરાયેલા પ્રસ્તાવિત લિસ્ટમાં કેદારનાથ ધામ, બદ્રીનાથ ધામ, તુંગનાથ, મધ્યમહેશ્વર, ત્રિયુગીનારાયણ, ગૌરીકુંડ, વસુંધારા સહિત અનેક મંદિર, કુંડ અને સમાધિ સ્થળોનો સમાવેશ થાય છે, જ્યાં બિન હિન્દુ પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી ચાલી રહી છે.
કોંગ્રેસનો વિરોધ, હરીશ રાવતે ઉઠાવ્યા સવાલ

બીજી તરફ આ મુદ્દે રાજકીય વિરોધ પણ શરૂ થયો છે. ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા હરીશ રાવતે આ પ્રસ્તાવ પર તંજ કસતા કહ્યું કે, “જો પ્રતિબંધ મૂકવો હોય તો સરકાર ખૂલીને મૂકે. એક તરફ ભારત પોતાની સંસ્કૃતિ વિશ્વને બતાવવા આમંત્રણ આપે છે અને બીજી તરફ અહીં ઉલ્ટો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે.”
તેમણે વધુમાં સવાલ ઉઠાવ્યો કે અનેક મંદિરો અને કાવડ યાત્રાઓમાં બિન હિન્દુ લોકો સેવાઓ આપે છે અને વ્યવસ્થાપનમાં જોડાયેલા છે, તો આવા પ્રતિબંધ પાછળનો વિચાર શું છે તે સરકાર જ સ્પષ્ટ કરી શકે.
ચર્ચાનો વિષય બનશે પ્રસ્તાવ
આ પ્રસ્તાવને લઈ આવનારા દિવસોમાં ધાર્મિક, સામાજિક અને બંધારણીય સ્તરે તીવ્ર ચર્ચા થવાની પૂરી શક્યતા છે. જ્યાં એક તરફ સંત સમાજ અને ધાર્મિક સંગઠનો તરફથી સમર્થન મળવાની વાત છે, ત્યાં બીજી તરફ બંધારણમાં આપેલા સમાનતાના અધિકાર અને ધાર્મિક સ્વતંત્રતા અંગે સવાલો ઉઠી શકે છે.




