Republic Day 2026: પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી, 2026ના રોજ ગુજરાત રાજ્યના સુરક્ષા અને સેવા ક્ષેત્રે ફરજ બજાવતા હોમગાર્ડ્ઝ, બોર્ડર વિંગ હોમગાર્ડ્ઝ, નાગરિક સંરક્ષણ અને ગ્રામરક્ષક દળના 43 અધિકારી-કર્મચારીઓને વિશિષ્ટ અને પ્રશંસનીય સેવાઓ બદલ રાજ્ય સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવશે. રાજ્યપાલ અને મુખ્યમંત્રીની હાજરીમાં યોજાનાર સમારોહમાં આ જવાનોને “ચંદ્રક” એનાયત કરવામાં આવશે.
Republic Day 2026: પ્રશંસનીય સેવાને મળ્યું રાજ્યનું માન
ગુજરાત સરકારના નિયંત્રણ હેઠળ કાર્યરત ડાયરેક્ટર જનરલ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ્ઝ વિભાગ દ્વારા જાહેર કરાયેલ યાદી અનુસાર, ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી, આપત્તિ સમયે માનવસેવા, કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ સમાજ સુરક્ષામાં નોંધપાત્ર યોગદાન બદલ આ જવાનોને પસંદ કરવામાં આવ્યા છે.
Republic Day 2026: 43 જવાનોને મળશે સન્માન
રાજ્ય સરકારે જાહેર કરેલા આ સન્માનમાં કુલ 43 અધિકારી-કર્મચારીઓનો સમાવેશ થાય છે, જેમાં
- 25 હોમગાર્ડ્ઝ,
- 3 બોર્ડર વિંગ હોમગાર્ડ્ઝ,
- 5 નાગરિક સંરક્ષણ (Civil Defence) અને
- 10 ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળના જવાનોનો સમાવેશ થાય છે.
આ તમામ જવાનોએ વિવિધ પરિસ્થિતિઓમાં નિસ્વાર્થ ભાવથી ફરજ બજાવી રાજ્ય અને નાગરિકોની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
પ્રજાસત્તાક દિવસ પર વિશેષ ગૌરવ
26મી જાન્યુઆરીના પવિત્ર દિવસે આ સન્માન આપવામાં આવતાં રાજ્યના સુરક્ષા દળોમાં ઉત્સાહ અને ગૌરવનો માહોલ જોવા મળશે. સરકારનું માનવું છે કે આ પ્રકારના સન્માનો જવાનોમાં વધુ જવાબદારી, ઉત્સાહ અને સેવા ભાવનાને પ્રોત્સાહન આપે છે.
રાજ્ય સરકાર દ્વારા આ પ્રસંગે સન્માનિત થનારા તમામ જવાનોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમના ભવિષ્યના સેવાકાર્યો માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.







