Khodaldham Organisation:રાજકોટ જિલ્લાના કાગવડ સ્થિત લેઉવા પાટીદાર સમાજની આસ્થાનું કેન્દ્ર ગણાતા ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આજે એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ જાહેરાત કરવામાં આવી છે. ખોડલધામ ખાતે યોજાયેલી ‘કન્વીનર મીટ–2026’ દરમિયાન ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનાં પુત્રી અનાર પટેલને ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર કર્યા છે. મંચ પરથી આ જાહેરાત થતા જ સમગ્ર સભા તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠી હતી.
Khodaldham Organisation:સંગઠનના પાયાના કામકાજની જવાબદારી હવે અનાર પટેલના શિરે

નરેશ પટેલે જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું કે, ખોડલધામ સંગઠનને વધુ મજબૂત બનાવવું, યુવા શક્તિ અને મહિલા શક્તિને સક્રિય રીતે જોડવી અને ભવિષ્યની સામાજિક જવાબદારીઓ માટે સશક્ત નેતૃત્વ ઊભું કરવું એ મુખ્ય હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ખોડલધામના સંગઠન સંબંધિત તમામ પાયાના કામકાજની જવાબદારી અનાર પટેલ સંભાળશે.
Khodaldham Organisation:સેવાકીય પ્રવૃત્તિઓથી સંગઠનના નેતૃત્વ સુધીનો પ્રવાસ
અનાર પટેલ અત્યાર સુધી ખોડલધામ સાથે પડદા પાછળ રહીને વિવિધ સેવાકીય અને સંગઠનલક્ષી પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે જોડાયેલા રહ્યા છે. હવે તેઓ સીધા સંગઠનના નેતૃત્વમાં આવી રહ્યા છે, જેને સમાજના અગ્રણીઓએ આવકાર આપ્યો છે. કન્વીનર મીટમાં ઉપસ્થિત પાટીદાર સમાજના આગેવાનો અને સ્વયંસેવકો દ્વારા આ નિર્ણયને સર્વસંમતિથી વધાવ્યો હતો.
Khodaldham Organisation:ખોડલધામના ટ્રસ્ટી તરીકેનો અનુભવ

ઉલ્લેખનીય છે કે અનાર પટેલ અગાઉ પણ ખોડલધામના ટ્રસ્ટી તરીકે જવાબદારી નિભાવેલી છે. ખોડલધામ પાટોત્સવ દરમિયાન નિયુક્ત કરાયેલા 43 નવા ટ્રસ્ટીઓમાં અનાર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સમાજકારણમાં તેમની સક્રિય ભૂમિકાને કારણે તેઓ પાટીદાર સમાજમાં એક ઓળખ ધરાવે છે.
રાજકારણની ચર્ચાઓ બાદ સમાજકારણમાં મજબૂત પ્રવેશ
અગાઉ અનાર પટેલના સક્રિય રાજકારણમાં પ્રવેશ અને વિધાનસભાની ચૂંટણી લડવાની ચર્ચાઓ પણ વહેતી થઈ હતી, પરંતુ અંતે તેમણે ખોડલધામ માધ્યમથી સમાજકારણનો માર્ગ પસંદ કર્યો. હવે ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે તેમની ભૂમિકા આગામી સમયમાં નિર્ણાયક સાબિત થશે, તેવી ચર્ચા સમાજ અને રાજકીય વર્તુળોમાં શરૂ થઈ ગઈ છે.




