Sunita Williams Retires: ભારતીય મૂળની વિશ્વવિખ્યાત અંતરીક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે નાસા (NASA)માંથી સત્તાવાર રીતે નિવૃત્તિ જાહેર કરી છે. ડિસેમ્બર 2025ના અંતમાં, 27 વર્ષની લાંબી અને પ્રેરણાદાયી કારકિર્દી બાદ તેમણે અંતરીક્ષ ક્ષેત્રને અલવિદા કહ્યું. નાસાના એડમિનિસ્ટ્રેટર જેરેડ આઇઝેકમેન દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી હતી, જેમાં તેમણે સુનિતા વિલિયમ્સને “અંતરીક્ષ વિજ્ઞાનના પથદર્શક” તરીકે બિરદાવ્યા હતા.
Sunita Williams Retires: “અંતરીક્ષ મારું મનપસંદ સ્થાન હતું”

નિવૃત્તિ સમયે ભાવુક બનેલી સુનિતા વિલિયમ્સે જણાવ્યું હતું કે, “નાસામાં મારી 27 વર્ષની સફર અદભૂત રહી છે. સ્પેસ સ્ટેશન પર કરવામાં આવેલું વિજ્ઞાન અને તૈયાર કરાયેલો પાયો ભવિષ્યના ચંદ્ર અને મંગળ મિશન માટે મહત્વપૂર્ણ સાબિત થશે. હવે નાસા જે ઇતિહાસ રચશે તે જોવા માટે હું આતુર છું.”
Sunita Williams Retires: અંતરીક્ષમાં રચ્યા અનેક ઐતિહાસિક વિક્રમો
60 વર્ષીય સુનિતા વિલિયમ્સે પોતાની કારકિર્દીમાં અનેક અનોખા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
- તેમણે અંતરીક્ષમાં કુલ 608 દિવસ વિતાવ્યા, જે નાસાના કોઈપણ એસ્ટ્રોનોટ દ્વારા વિતાવેલો બીજો સૌથી લાંબો સમય છે.
- એક જ ઉડાનમાં સૌથી લાંબો સમય અવકાશમાં રહેનારા અમેરિકન એસ્ટ્રોનોટ્સની યાદીમાં તેઓ છઠ્ઠા સ્થાને છે.
- બુચ વિલમોર સાથે મળીને તેમણે સતત 286 દિવસ અંતરીક્ષમાં વિતાવ્યા હતા.
- સુનિતા વિલિયમ્સે 9 સ્પેસવોક કરી છે, જે કુલ 62 કલાક અને 6 મિનિટનો સમય બને છે — મહિલા એસ્ટ્રોનોટ માટેનો આ સૌથી લાંબો રેકોર્ડ છે.
- તેઓ અવકાશમાં રહીને મેરેથોન દોડનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ પણ બન્યા હતા.
Sunita Williams Retires: છેલ્લું મિશન રહ્યું ચર્ચાનું કેન્દ્ર

સુનિતા વિલિયમ્સનું છેલ્લું મિશન ખૂબ ચર્ચામાં રહ્યું હતું. જૂન 2024માં તેઓ બોઇંગ સ્ટારલાઈનરના પ્રથમ માનવ પરીક્ષણ મિશન માટે અંતરીક્ષમાં ગયા હતા. ટેકનિકલ ખામીઓના કારણે આ ટૂંકું મિશન લગભગ 9 મહિના સુધી લંબાયું. અંતે, માર્ચ 2025માં તેઓ સ્પેસએક્સના Crew-9 મિશન દ્વારા સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફર્યા હતા.
Sunita Williams Retires: ભારત સાથેનો અતૂટ નાતો
સુનિતા વિલિયમ્સના પિતા દીપક પંડ્યા ગુજરાતના મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાં જન્મેલા જાણીતા ન્યુરોએનાટોમિસ્ટ હતા. સુનિતાનો જન્મ અમેરિકામાં થયો અને તેઓ અમેરિકન નાગરિક છે, છતાં ભારત અને ખાસ કરીને ગુજરાત સાથેનો તેમનો સંબંધ હંમેશા અતૂટ રહ્યો છે.
સુનિતા વિલિયમ્સે અનેક વખત ભારત પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. ભારતની મુલાકાતને તેઓ “વતન પરત ફરવા” જેવી ગણાવતા હતા. તેમણે એક વખત કહ્યું હતું કે,
“અવકાશમાંથી પૃથ્વીને જોતા તમામ ભેદભાવ નાના લાગે છે અને એવું લાગે છે કે આપણે સૌ એક જ છીએ.”
આ પણ વાંચો :Aravalli Bus Crashes in Jodhpur:અરવલ્લીની બસનો જોધપુરમાં ભયાનક અકસ્માત 4 શ્રદ્ધાળુઓના મોત, 16 ઘાયલ;




