Punjab Road Accident:પંજાબમાં છેલ્લા કેટલાક દિવસોથી છવાયેલા ગાઢ ધુમ્મસે વધુ એક દુર્ઘટના સર્જી છે. શનિવારે વહેલી સવારે પંજાબના બઠિંડા જિલ્લાના ગુડતડી ગામ નજીક નેશનલ હાઈવે પર ગુજરાતના પરિવારની ફોર્ચ્યુનર કાર ડિવાઈડર સાથે ભયાનક રીતે અથડાઈ હતી. આ અકસ્માતમાં બનાસકાંઠાના પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
Punjab Road Accident:કાર પૂરેપૂરી રીતે પડીકું વળી ગઈ

અકસ્માત એટલો ગંભીર હતો કે ફોર્ચ્યુનર કાર સંપૂર્ણ રીતે ચકનાચૂર થઈ ગઈ હતી. ગાઢ ધુમ્મસને કારણે દૃશ્યતા અત્યંત ઓછી હોવાથી ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ તરત જ સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ કારમાંથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.
Punjab Road Accident:મૃતકો બનાસકાંઠાના રહેવાસી

મૃતકોની ઓળખ અર્જુન, સતીશ, જનક, ભારત અને અમિતા બાન તરીકે થઈ છે. આ તમામ લોકો ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના રહેવાસી હતા. તેમની ઉંમર 25થી 30 વર્ષ વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે. અમિતા બાન ગુજરાત પોલીસમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી હતી.
Punjab Road Accident:શિમલાની મુસાફરીથી પરત ફરતા સમયે અકસ્માત
બઠિંડાના એસપી નરિન્દર સિંહે માહિતી આપતાં જણાવ્યું હતું કે તમામ મૃતકો ફોર્ચ્યુનર કારમાં શિમલા ફરવા ગયા હતા. પરત ફરતી વખતે બઠિંડા નજીક ગાઢ ધુમ્મસને કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

પરિવારોમાં શોકની લાગણી
અકસ્માતની ખબર બનાસકાંઠા પહોંચતા જ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એકસાથે પાંચ યુવાનોના મોતથી પરિવારજનો અને ગામલોકો સ્તબ્ધ બની ગયા છે. લેડી કોન્સ્ટેબલના અકાળ અવસાનથી પોલીસ વિભાગમાં પણ શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો :Junagadh news:જૂનાગઢમાં AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ




