નનામી અરજી પછી માનસિક દબાણની આશંકા, પોલીસ તપાસમાં જોડાઈ
Surat News:સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા અને ઓલપાડ પ્રાંત કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં હિનીષા પટેલ નામના મહિલા અધિકારીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરતા સમગ્ર મહેસૂલ વિભાગમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના આજે સવારે બની હતી, જ્યારે તેઓ રોજની જેમ ઓફિસે જવાની તૈયારીમાં હતાં.
Surat News:ઓફિસે નીકળતા પહેલાં ઘરમાં જ જીવન ટૂંકાવ્યું

મળતી માહિતી મુજબ, હિનીષા પટેલ અને તેમના પતિ કેતન પટેલ બંને ઓલપાડ કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. આજે સવારે લગભગ 10 વાગ્યે બંને ઓફિસે જવા તૈયાર થઈ રહ્યા હતા. પતિ નીચે કાર લેવા ગયા હતા, જ્યારે હિનીષાબેન રૂમમાં તૈયાર થવા ગયા હતા. લાંબા સમય સુધી તેઓ નીચે ન આવતાં અને નોકરાણીના અવાજ છતાં પ્રતિસાદ ન મળતાં શંકા ગઈ. ત્યારબાદ દરવાજો તોડતાં હિનીષાબેન પોતાના બેડરૂમમાં દુપટ્ટાથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા.
તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યા.
Surat News: હોસ્પિટલ પર ઉમટ્યા મહેસૂલ વિભાગના કર્મચારીઓ
ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ પર મહેસૂલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. યુવાન અને હોદ્દેદાર મહિલા અધિકારીના આ રીતે અંતથી સમગ્ર વિભાગમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Surat News:નનામી અરજી બાદ મળી હતી ક્લીનચીટ
મહેસૂલ વિભાગનાં સૂત્રો મુજબ, થોડા સમય પહેલાં હિનીષા પટેલ સામે જમીન સંબંધિત મામલે એક નનામી અરજી કરવામાં આવી હતી. જોકે આ અરજીની ગાંધીનગર ખાતે તપાસ થતાં તેમને નિર્દોષ જાહેર કરી ક્લીનચીટ આપવામાં આવી હતી.
તેમ છતાં, આ ઘટના પાછળ કોઈ માનસિક દબાણ હતું કે અન્ય કોઈ કારણ, તે અંગે હજી સુધી સ્પષ્ટતા થઈ નથી.
ઉલ્લેખનીય છે કે મૃતક અને તેમના પતિ બંને અગાઉ રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા હતા અને વર્ષ 2023માં પ્રમોશન મેળવી નાયબ મામલતદાર બન્યા હતા.
Surat News:પોલીસ દ્વારા તપાસ શરૂ
આ મામલે એસીપી બી.એ. ચૌધરીએ જણાવ્યું હતું કે,
“રાંદેર વિસ્તારમાં રહેતા નાયબ મામલતદાર હિનીષા પટેલે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. હાલ આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.”
પોલીસ આ ઘટનામાં આર્થિક તંગી, માનસિક દબાણ, સામાજિક કે પારિવારિક કારણો જવાબદાર છે કે કેમ તે તમામ પાસાઓ પરથી ઝીણવટભરી તપાસ કરી રહી છે.
શોક અને પ્રશ્નો
એક જવાબદાર હોદ્દા પર કાર્યરત મહિલા અધિકારીનું આ રીતે અચાનક નિધન અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યું છે. આત્મહત્યાનું સાચું કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.




