Rajasthan Bus Accident:જાલોરમાં ખાનગી લક્ઝરી બસ ખીણમાં ખાબકી, પતિ-પત્ની સહિત 2નાં મોત, 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત

0
183
Bus Accident
Bus Accident

Rajasthan Bus Accident :ગુજરાતની સરહદે આવેલા રાજસ્થાનના જાલોર જિલ્લામાં રવિવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સાંચોરથી જયપુર જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ અચાનક અનિયંત્રિત થઈને ખાઈમાં પલટી ગઈ હતી. આ ભીષણ દુર્ઘટનામાં પતિ-પત્ની સહિત બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાંથી પાંચની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

Rajasthan Bus Accident :પશુને બચાવવાના પ્રયાસમાં અકસ્માત

આ અકસ્માત આહોર પોલીસ સ્ટેશન વિસ્તારના અગવરી ગામ નજીક નેશનલ હાઈવે-325 પર થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, બસ જ્યારે અગવરી ગામ પાસે પહોંચી ત્યારે અચાનક રસ્તા પર એક પશુ આવી પડ્યું. પશુને બચાવવાના પ્રયાસમાં ડ્રાઈવરે બસને વાળતા સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે બસ બેકાબૂ બનીને રસ્તાની બાજુની ખાઈમાં જઈને પલટી ગઈ.

Rajasthan Bus Accident

Rajasthan Bus Accident :બસ પલટતા જ મચી ગઈ અફરાતફરી

બસ ખાઈમાં પડતા જ મુસાફરોમાં ચીસો અને બૂમાબૂમ મચી ગઈ હતી. કેટલાક મુસાફરો બસની અંદર ફસાઈ ગયા હતા તો કેટલાક બસ નીચે દબાઈ ગયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Rajasthan Bus Accident :પોલીસ અને સ્થાનિકોએ હાથ ધર્યું રેસ્ક્યૂ ઓપરેશન

અકસ્માતની જાણ થતાં જ આહોર પોલીસ, વહીવટીતંત્ર અને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બસ નીચે દબાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે જેસીબી અને ક્રેનની મદદ લેવામાં આવી હતી. તમામ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં સારવાર ચાલુ છે.

Rajasthan Bus Accident :પુત્રને મળવા જતા માતા-પિતાનું મોત

પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં લિયાદરા ગામના રહેવાસી ફગલુરામ બિશ્નોઈ અને તેમની પત્ની હુઆ દેવીનું મોત થયું છે. બંને સાંચોરથી અજમેરમાં રહેતા પોતાના પુત્રને મળવા જઈ રહ્યા હતા, જે ત્યાં સ્ટીલ રેલિંગનો વ્યવસાય કરે છે. પરંતુ રસ્તામાં જ આહોર પાસે આ દર્દનાક અકસ્માત નડ્યો.

પોલીસ તપાસ ચાલુ

આહોર પોલીસ સ્ટેશનના થાણા અધિકારી કરણસિંહે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ રસ્તા પર અચાનક આવેલા પશુને બચાવવાનો પ્રયાસ હોવાનું સામે આવ્યું છે. હાલ દુર્ઘટનાના તમામ પાસાઓની તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માત બાદ થોડા સમય માટે નેશનલ હાઈવે-325 પર વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.

આ પણ વાંચો :Ahmedabad News:લકઝરી બસ અકસ્માતમાં કરૂણ વળાંક, ફરાર ડ્રાઈવરનો ૬ દિવસ બાદ મળ્યો મૃતદેહ