Gandhinagar News:એક તરફ ઈન્દોરમાં દૂષિત પાણી પીવાના કારણે મોતનો સિલસિલો ચાલુ છે, ત્યારે હવે પાટનગર ગાંધીનગરમાં પણ પાણીજન્ય રોગચાળાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. દૂષિત પાણીના કારણે ટાઈફોઈડના કેસોમાં અચાનક વધારો થયો છે. 100થી વધુ બાળકો સહિત અનેક નાગરિકો હાલ હોસ્પિટલની પથારીમાં સારવાર લઈ રહ્યા છે. ખાસ કરીને સેક્ટર-24, સેક્ટર-28 અને આદિવાડા વિસ્તાર રોગચાળાની ચપેટમાં આવ્યા છે.
Gandhinagar News:સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો, તાત્કાલિક નવો વોર્ડ શરૂ

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા સતત વધતા આરોગ્ય વિભાગને તાત્કાલિક નવો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને આશાબહેનો સહિત 80થી વધુ કર્મચારીઓની 40 ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે.
આ ટીમોએ અત્યાર સુધીમાં 10 હજારથી વધુ રહેણાંક મકાનોની તપાસ કરી છે અને અંદાજે 38 હજારથી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. ટાઈફોઈડના વધતા કેસોને પગલે આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે, પરંતુ બેદરકારી રાખવામાં આવે તો વધુ લોકો સંક્રમિત થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
Gandhinagar News:સ્માર્ટ સિટી યોજનામાં ખામી, પીવાના પાણીમાં ભળી ગટર

સ્માર્ટ સિટી યોજના હેઠળ ગાંધીનગરમાં કરોડો રૂપિયાનાં ખર્ચે નવી પાણી પાઈપલાઈનો નાખવામાં આવી છે, પરંતુ તેમાં અનેક જગ્યાએ લીકેજ અને ભંગાણ સામે આવ્યા છે. વારંવાર થતી લીકેજના કારણે પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભળી રહ્યું છે, જેના કારણે આ ગંભીર સ્થિતિ સર્જાઈ છે.
ફરિયાદો છતાં સમયસર પગલાં ન લેવાતા હવે સ્થિતિ ‘ઘોડા છૂટયા પછી તબેલે તાળાં’ જેવી બની ગઈ છે. હાલ તપાસ દરમિયાન 10 જેટલા નાના-મોટા લીકેજ મળી આવ્યા, જેને તાત્કાલિક રિપેર કરવામાં આવ્યા છે. ઉપરાંત પીડિત વિસ્તારોમાં ક્લોરીનેશનની પ્રક્રિયા પણ શરૂ કરાઈ છે.
કોન્ટ્રાકટર અને એજન્સીઓ સામે કાર્યવાહી કરવાની માંગ

સ્માર્ટ સિટી યોજના અંતર્ગત શહેરમાં 24 કલાક પાણી વિતરણ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે, પરંતુ ટ્રાયલ દરમિયાન અવારનવાર પાણીની લાઈનો તૂટી જવાથી નાગરિકોને દૂષિત અને પીવા અયોગ્ય પાણી મળી રહ્યું છે. આ કારણે પાણીજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે.
નાગરિકો દ્વારા હલકી ગુણવત્તાવાળી પાઈપલાઈનો, કોન્ટ્રાકટર એજન્સીઓની બેદરકારી અને તંત્રની નિષ્ક્રિયતા સામે કડક તપાસ અને કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આ અંગે સરકાર તથા સંબંધિત વિભાગોના અધિકારીઓને લેખિત આવેદનપત્રો પણ પાઠવવામાં આવ્યા છે.




