Supreme Court News:ભારતીય ન્યાયવ્યવસ્થાના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પગલું ભરતાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંતે મોટો નિર્ણય લીધો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ‘લીગલ ઈમરજન્સી’ એટલે કે કાયદાકીય કટોકટીની પરિસ્થિતિમાં ન્યાય માટે અદાલત હવે 24 કલાક ઉપલબ્ધ રહેશે. આવા સંજોગોમાં કોઈપણ નાગરિક ગમે તે સમયે, મધરાતે પણ કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે.
Supreme Court News:ધરપકડની ધમકી મળે તો મધરાતે પણ સુનાવણી શક્ય

CJI સૂર્યકાંતના જણાવ્યા અનુસાર, જો તપાસ એજન્સીઓ દ્વારા કોઈ વ્યક્તિને ધરપકડની ધમકી આપવામાં આવે અને તેના મૌલિક અધિકારો પર ખતરો ઉભો થાય, તો તે વ્યક્તિ તાત્કાલિક રાહત માટે મધરાતે પણ સુનાવણીની માંગ કરી શકે છે. તેમણે કહ્યું કે ન્યાય વ્યવસ્થા જનતા માટે હંમેશા ખુલ્લી અને સુલભ રહેવી જોઈએ.
Supreme Court News: ‘કોર્ટ હંમેશા જનતા માટે ઉપલબ્ધ હોવી જોઈએ’
જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું હતું,
“હું પ્રયાસ કરી રહ્યો છું કે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ હંમેશા જનતા માટે ઉપલબ્ધ રહે. કોર્ટની નિયમિત કાર્યવાહી પૂર્ણ થયા બાદ પણ જો કોઈ લીગલ ઈમરજન્સી સર્જાય, તો વ્યક્તિ અદાલત સુધી પહોંચી શકે.”
વધુ બંધારણીય બેંચની જરૂર
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથેની વાતચીત દરમિયાન CJIએ જણાવ્યું કે અદાલતોમાં મોટી સંખ્યામાં અરજીઓ પડતર છે. આવા કેસોના ઝડપી નિકાલ માટે વધુ બંધારણીય બેંચની રચના કરવી જરૂરી છે. તેમણે જણાવ્યું કે આ અરજીઓમાં SIR જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પણ સામેલ છે, જે બિહાર બાદ 11 રાજ્યોમાં અમલમાં છે અને તેને અદાલતમાં પડકારવામાં આવ્યું છે.

સબરીમાલા મામલે 9 સભ્યોની બેંચ પર વિચાર
CJI સૂર્યકાંતના જણાવ્યા મુજબ, સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશની મંજૂરી આપવાના સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે દાખલ થયેલી અરજીઓ પણ ગંભીર સ્વરૂપ ધરાવે છે. આ મુદ્દો ધાર્મિક સ્વતંત્રતા અને મહિલા અધિકારો વચ્ચેના સંતુલન સાથે સંકળાયેલો હોવાથી નવ સભ્યોની બંધારણીય બેંચ રચવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું.
વકીલો માટે નવા નિયમો લાગુ
ન્યાયપ્રક્રિયા વધુ કાર્યક્ષમ બનાવવા CJIએ વકીલો માટે પણ કડક નિયમો લાગુ કરવાની જાહેરાત કરી છે. મહત્વપૂર્ણ કેસોમાં હવે વકીલો અનિશ્ચિત સમય સુધી દલીલો ચાલુ રાખી શકશે નહીં. દલીલો માટે નિર્ધારિત સમયમર્યાદા નક્કી કરવામાં આવશે અને તેનો કડક અમલ કરાશે. સુપ્રીમ કોર્ટના વકીલોએ આ સમયમર્યાદામાં જ પોતાની મૌખિક દલીલો પૂર્ણ કરવી પડશે.
અગાઉ પણ થઈ છે મધરાતે સુનાવણી
ભારતીય ન્યાયવ્યવસ્થામાં અગાઉ પણ કેટલીક અસાધારણ પરિસ્થિતિઓમાં મધરાતે સુનાવણી થઈ ચૂકી છે. 2005-06ના નિઠારી કાંડ, 1992ના અયોધ્યા વિવાદ, 2018ના કર્ણાટક સરકાર રચનાના કેસ અને 1993માં યાકુબ મેમણની ફાંસીના મામલે સુપ્રીમ કોર્ટે રાત્રે સુનાવણી કરી હતી.


