Junagadh 31st Police Checking:વર્ષ 2025ના અંતિમ દિવસ ‘થર્ટી ફર્સ્ટ’ની ઉજવણીને લઈને જૂનાગઢ પોલીસ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. નવા વર્ષના સ્વાગતની આડમાં નશો કરી વાહન ચલાવતા અને કાયદો-વ્યવસ્થા બગાડતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ દ્વારા વ્યાપક ચેકિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

Junagadh 31st Police Checking:શહેરથી લઈ આંતર-જિલ્લા ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત
જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગો ઉપરાંત આંતર-જિલ્લા ચેકપોસ્ટો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરેક શંકાસ્પદ વાહનચાલકની ચકાસણી કરવામાં આવી રહી છે જેથી ડ્રિંક એન્ડ ડ્રાઈવના કારણે થતા અકસ્માતોને અટકાવી શકાય.
Junagadh 31st Police Checking:લાઈટ બેટન બ્રેથ એનેલાઇઝરથી થશે દારૂડિયાઓની ઓળખ
આ વર્ષે પોલીસ દ્વારા ‘લાઈટ બેટન બ્રેથ એનેલાઇઝર’નો સઘન ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ હાઈટેક મશીન દારૂ પીધેલા ઇસમને તરત ઓળખી શકે છે અને તેમાં નશાનું ચોક્કસ પ્રમાણ ડિસ્પ્લે થાય છે. આ ઉપરાંત ચેકિંગનો સમય અને સ્થળની વિગતો પણ રેકોર્ડ થાય છે, જે કાયદેસરની કાર્યવાહી દરમિયાન મહત્વપૂર્ણ પુરાવા રૂપે કામ આવે છે.
આ બ્રેથ એનેલાઇઝર મલ્ટી-પર્પઝ હોવાથી તેમાં લાઈટિંગ, ઈમરજન્સીમાં ગ્લાસ તોડવાની સુવિધા પણ આપવામાં આવી છે. સાથે સાથે ડ્રોન કેમેરા દ્વારા પણ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

શહેરના મુખ્ય વિસ્તારોમાં પોઈન્ટ્સ ગોઠવી ચેકિંગ
પોલીસ દ્વારા કાળવા ચોક, મધુરમ વિસ્તાર, સરદાર ચોક, જોષીપરા, ઝાંઝરડા રોડ અને વાડલા ફાટક સહિતના મુખ્ય વિસ્તારોમાં ખાસ પોઈન્ટ્સ ગોઠવી વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
સાસણ અને ફાર્મ હાઉસ-રિસોર્ટ પર ખાસ નજર
જૂનાગઢ જિલ્લાની સરહદો, ગીર વિસ્તારના સાસણ તેમજ ફાર્મ હાઉસ અને રિસોર્ટ પર પોલીસની ખાસ નજર છે. આ અંગે હિતેશ ધાંધલીયાએ જણાવ્યું કે જિલ્લાની તમામ મહત્વની ચેકપોસ્ટો પર પોલીસ ટીમો તૈનાત છે. જૂનાગઢ એલસીબી, એસઓજી અને તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સંયુક્ત રીતે આ કામગીરી કરી રહ્યો છે.
જ્યાં જરૂરી હોય ત્યાં સીસીટીવી અને બોડી વોર્ન કેમેરાની મદદ પણ લેવામાં આવી રહી છે.

નશાખોરો સામે કડક કાર્યવાહીનો સંદેશ
જૂનાગઢ પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નવા વર્ષની ઉજવણીમાં મર્યાદા ઓળંગનાર અને નશો કરી વાહન ચલાવનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે તમામ ડિવિઝનમાં સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. સાસણના ફાર્મ હાઉસોમાં પણ કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ ન થાય તે માટે આકસ્મિક ચેકિંગ ચાલુ રાખવામાં આવ્યું છે.




