Gujarat Courts: ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યની તમામ જિલ્લા અદાલતો માટે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ હવે ગુજરાતની તમામ કોર્ટોમાં પિટિશન, અપીલ, એફિડેવિટ, અરજી, ઓર્ડર અને ચુકાદા સહિત તમામ દસ્તાવેજો ફક્ત A-4 સાઈઝના પેપર પર જ દાખલ કરવા પડશે. આ નિયમની અમલવારી 1 જાન્યુઆરી, 2026થી ફરજિયાત રીતે કરવામાં આવશે.

Gujarat Courts: ફોન્ટ અને ફોર્મેટમાં પણ મોટો ફેરફાર
હાઇકોર્ટ દ્વારા અગાઉ 25 ઓક્ટોબર, 2025ના પરિપત્રમાં દર્શાવેલા કેટલાક ફોન્ટ હવે આઉટડેટેડ અને યુનિકોડ સપોર્ટ ન હોવાના કારણે ટેક્નિકલ મુશ્કેલીઓ સર્જાતી હતી. આથી, નવા પરિપત્રમાં ફોન્ટ અને ફોર્મેટને લઈને મહત્વના ફેરફારો સાથે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.
Gujarat Courts: નવા નિયમ મુજબ શું રહેશે ફરજિયાત?
પરિપત્ર અનુસાર દસ્તાવેજો માટે નીચે મુજબના નિયમો લાગુ રહેશે:
- પેપર સાઈઝ: A-4 (29.7 સે.મી x 21 સે.મી)
- કાગળની ગુણવત્તા: ઓછામાં ઓછું 75 GSM
- પ્રિન્ટિંગ: બંને બાજુ પ્રિન્ટિંગ માન્ય
- ગુજરાતી ફોન્ટ: ફક્ત યુનિકોડ આધારિત
- ગુજરાતી ફોન્ટ સાઈઝ: 16
- ઇંગ્લિશ ફોન્ટ: Times New Roman
- ઇંગ્લિશ ફોન્ટ સાઈઝ: 14
- લાઇન સ્પેસિંગ: 1.5
- ક્વોટેશન/ઇન્ડેન્ટ માટે: ફોન્ટ સાઈઝ 12, સિંગલ સ્પેસિંગ
- માર્જિન: ડાબે-જમણે 4 સેમી, ઉપર-નીચે 2 સેમી
Gujarat Courts: હજુ સુધી અલગ-અલગ સાઈઝમાં થતી હતી ફાઇલિંગ

નોંધનીય છે કે અત્યાર સુધી નીચલી અદાલતોમાં લીગલ સાઈઝ સહિત વિવિધ સાઈઝના પેપર પર ફાઇલિંગ થતી હતી. મુખ્ય પિટિશન ઘણી વખત લેજર પેપર પર પણ કરવામાં આવતી હતી. હવે નવા પરિપત્ર બાદ તમામ દસ્તાવેજોમાં એકરૂપતા અને સ્ટાન્ડર્ડાઇઝેશન આવશે.
પેપરલેસ અને ઇ-કોર્ટ સિસ્ટમ તરફ મહત્વપૂર્ણ પગલું
ગુજરાત હાઇકોર્ટનો આ નિર્ણય પેપરલેસ કોર્ટ, ઇ-ફાઇલિંગ, PDF સ્કેનિંગ અને ડિજિટલ રેકોર્ડ સિસ્ટમને વધુ સરળ બનાવવા માટે લેવામાં આવ્યો છે. એકસરખા પેપર સાઈઝ અને ફોર્મેટથી ભવિષ્યમાં દસ્તાવેજોની ડિજિટલ પ્રોસેસિંગ વધુ અસરકારક બનશે.
વકીલો અને પક્ષકારો માટે મહત્વપૂર્ણ નિર્ણય
આ નવી સિસ્ટમ તમામ વકીલો, પક્ષકારો, કોર્ટ સ્ટાફ, ડ્રાફ્ટિંગ કરનારાઓ અને ન્યાયિક અધિકારીઓ માટે અત્યંત મહત્વની છે. 1 જાન્યુઆરી, 2026થી રાજ્યની તમામ અદાલતોમાં આ નિયમોનું કડક પાલન કરવું ફરજિયાત રહેશે.




