Khodaldham Trust :શ્રી ખોડલધામ ટ્રસ્ટ–કાગવડે આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરીને સમાજમાં આનંદની લાગણી ફેલાવી છે. ટ્રસ્ટના મુખ્ય કાર્યાલય કાગવડ ખાતે ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં સુરત અને લંડનમાં શ્રી ખોડલધામ મંદિર સંકુલ નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે સાથે આવનારા દિવસોમાં મધ્ય ગુજરાતના અમદાવાદમાં પણ ખોડલધામ સંકુલ બનાવવાની યોજના જાહેર કરવામાં આવી છે.
Khodaldham Trust :કાગવડમાં યોજાયેલી કોર કમિટીની બેઠક

કોર કમિટીની બેઠક બાદ ચેરમેન નરેશભાઈ પટેલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ટ્રસ્ટના હાલ ચાલી રહેલા પ્રોજેક્ટોની સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી સમયગાળાના નવા પ્રકલ્પો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
હાલ શ્રી ખોડલધામ ટ્રસ્ટ–કાગવડ દ્વારા રાજકોટ નજીક અમરેલી ગામ પાસે અદ્યતન વૈશ્વિક કક્ષાની કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ ચાલી રહ્યું છે. આ સાથે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સંડેર ગામ ખાતે શ્રી ખોડલધામ સંકુલનું નિર્માણ કાર્ય પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. બંને પ્રોજેક્ટ ટૂંક સમયમાં સમાજને અર્પણ કરવામાં આવશે.
Khodaldham Trust :સુરત અને લંડનમાં મંદિર સંકુલની જાહેરાત

નરેશભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં સુરત ખાતે શ્રી ખોડલધામ મંદિર સંકુલ બનાવવા માટેનો પ્રોજેક્ટ હવે અમલમાં મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત વિદેશની ધરતી પર લંડનમાં વસતા ખોડલધામના સ્વયંસેવકો સાથે થયેલી ચર્ચા બાદ ત્યાં પણ શ્રી ખોડલધામ મંદિર નિર્માણ કરવાનો નિર્ણય લેવાયો છે. લંડનમાં ટૂંક સમયમાં મંદિર સંકુલનું કામ શરૂ થશે.
Khodaldham Trust :અમદાવાદ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક પણ આયોજન
ટ્રસ્ટના આગામી પ્રકલ્પો અંગે વાત કરતાં નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, મધ્ય ગુજરાતના અમદાવાદમાં પણ એક શ્રી ખોડલધામ સંકુલ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક પણ એક ભવનના નિર્માણની યોજના છે.
સંડેરના મંદિર જેવો જ રહેશે નવો સંકુલ

સુરત અને લંડનમાં બનનારા મંદિર સંકુલ પાટણ જિલ્લાના સંડેર ગામ ખાતે નિર્માણ પામી રહેલા ખોડલધામ સંકુલની જેમ જ તૈયાર કરવામાં આવશે. સંડેર ખાતે હાલ 42 હજાર ઘનફૂટ પથ્થરમાંથી મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.
ટૂંક સમયમાં જાહેર થશે વધુ વિગતો
શ્રી ખોડલધામ ટ્રસ્ટ–કાગવડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સુરત અને લંડનમાં બનનારા મંદિર સંકુલ અંગેની વધુ વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ નિર્ણયથી દેશ-વિદેશમાં વસતા ખોડલધામના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.




